જીત કે હાર બાદ કોણે શું કહ્યું

જામનગર અને જૂનાગઢના ભાજપના વિજેતા ઉમેદવારોએ

જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જીત બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરીકોનો ખુબ ખુબ આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓ શુભેચ્છકોએ રાત દિવસ એક કરીને આ પરિણામ નક્કી કર્યું છે, તેમનો પણ આભાર માનું છું. સાથે સાથે રાજ્યના પનોતા પુત્ર અને દેશનું મજબુત નેતૃત્વ સ્પસ્ટ બહુમતી સાથે મજબૂત સરકારની જયારે કેન્દ્રમાં સ્થાપનાં થતી હોય અને માત્ર જામનગરમાં પ્રતિનિધિત્વનું મને ગૌરવ પ્રાપ્ત થયું અને આ એક રેકોર્ડ લીડમાં ફરીથી એક વખત સહભાગી થવાની તક સર્વે નાગરીકોના વિશ્વાસ, કાર્યકર્તાઓને મહેનત, શુભેચ્છકોની મહેનતથી જે પ્રાપ્ત થઇ છે, તે બદલે તેમને ખૂબ ખૂબ વંદન કરીને તેમનો આભાર માનું છું અને એટલું જ કહીશ કે, આ લીડ મારા માટે વધુ જવાબદારી છે, ત્યારે પાછલા પાંચ વર્ષ નિષ્ઠા પૂર્વક લોકો વચ્ચે રહીને કાર્યરત રહી તેવી જ રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વધુને વધુ કામો, વધુને વધુ વાચા જામનગર સંસદીય ક્ષેત્રના સમગ્ર વિસ્તારને મળે અને નિષ્ઠા પૂર્વક લોકો સાથે રહી લોકોના પ્રશ્નોને સુવિધા રૂપી વાચા મળે તે પ્રકારના મારા પ્રયત્નો રહેશે.

જુનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જુનાગઢ વિસ્તારની અને ગીર સોમનાથની જનતાનું જે જન સમર્થન ભારતીય જનતા પાસે આવ્યું છે, અત્યારે ખૂબ મોટી લીડ આવી છે. આ વિસ્તારે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉપર ભરશો મુક્યો છે. તેના માટે હું ગીર સોમનાથ અને જુનાગઢની જનતાનો ખૂબ આભાર માનું છું.

ખાસ કરીને જયારે જીતની વાત થતી હોય ત્યારે કાર્યકર્તાઓએ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સીટ એકદમ ટફ હતી તેવું માનતા હતા. પણ અમારા કાર્યકર્તાઓની જે ટીમ હતી. ખાસ કરીને સંગઠનની અને ચૂંટાયેલી પાંખ જે હતી તેની મહેનતના કારણે 42 ડીગ્રી તાપમાં જવુંએ ખૂબ મોટી વાત હતી અને એ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ કરી શકે અને તેમના જ કારણે આ જીત મળી છે.

ઋત્વિજ પટેલે મમતા દીદી વિશે જાણો શું કહ્યું
ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી હતી. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે ઐતિહાસિક દિવસ છે. આજે નવા ભારતનો નવો સૂર્યોદય થયો છે અને આજે નરેન્દ્ર મોદી ફરી એક વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. એટલે કે, ‘ફિર એક બાર મોદી સરકાર’ સાર્થક થવા જઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં થયેલા વિરોધ બાબતે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, એ માર ન હતો એક એટેક હતો અને જે રીતે કોઈ વ્યક્તિ કે, કાર્યકર્તા પર માર નહીં પણ લોકશાહી પર, સંવિધાન પર માર છે અને તેની સરેઆમ હત્યા થાય છે. સ્વભાવિક છે જે રીતે એકઝિટ પોલ આવી રહ્યા છે અને વલણ વર્તાઈ રહ્યા છે, તે રીતે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં 300 કરતા વધારે બેઠક મેળવવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળ હોય કે, અન્ય રાજ્યો હોય તેમાં પ્રાદેશિક પક્ષો તેમાં મમતા દીદી સહીતના તમામ લોકો આ ચૂંટણીમાં કારમો પરાજય મેળવી રહ્યા છે, તે જોતા શાંતિ, સલામતી ડહોળાઈ તે પ્રકારના પ્રયત્નો થાય તેવો અંદેશો કદાચ કેન્દ્રના ગૃહ વિભાગને છે. તેના માટે સુરક્ષા વ્યવસ્થા સચોટ કરવામાં આવી રહી છે.

વિજય ઉત્સવ બાબતે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, વિજય ઉત્સવની તૈયારી ન માત્ર ભાજપ પણ આજે આખો દેશ કરી રહ્યો છે. સવા સો કરોડ દેશની જનતા આજે ફરી એક એક વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવીને આજે ખરા અર્થમાં દિવાળી ઉજવવાની છે.

ભાજપના સાબરકાંઠા અને બનાસકાંઠાના ઉમેદવારોએ જીત્યા પછી શું કહ્યું?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે એક દાવો કર્યો હતો કે, તેઓ આ ચૂંટણીમાં એક લાખની જંગી બહુમતીથી જીતશે. ત્યારે તેઓ પોતાના દાવા અનુસાર જીતી ગયા છે. દિપસિંહ રાઠોડે જીતની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સારી લાગણી અનુભવાય છે અને અમે પહેલા પણ દાવો કર્યો હતો કે, એક લાખ વોટ ઉપર જીતીશું અને તેનો મૂળ આધાર મારા મતદાતા અને કાર્યકતાઓ પર હતો ત્યારે એ વિશ્વાસ હતો તે ફળી રહ્યો છે અને વિશ્વાસ ફળે ત્યાર આનંદ પુષ્કળ હોય.

દિપસિંહ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, મારા માટે પહેલા સિંચાઈના પ્રશ્નનો મેઈન મુદ્દો છે અને તેમાંથી પછી રોજગારીનો મુદ્દો છે અને આ વખતે યુવાનોએ આ વખતે વધારે મતદાન કરીને જીત અપાવી છે ત્યારે યુવાનોને વધારેમાં વધારે મદદ કરી શકીએ એ મારો મૂળ ધ્યેય હશે. એટલે મારા બે પ્રશ્નો મેઈન હશે એક તો યુવાનો માટે અને એક તો ખેડૂતો માટેના. આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મતદારોને, કાર્યકર્તાઓને અને શુભેચ્છક મિત્રોને મારી ખૂબ ખુબ શુભ કામના છે કે, એમને જે મારામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અને પાર્ટીમાં વિશ્વાસ મુક્યો છે ત્યારે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું.

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર પરબત પટેલની જીત થતા તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ જીતનો શ્રેય અને પ્રજાના મનમાં પડેલી લાગણી હતી કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ફરીથી બને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કઈ પણ કર્યું છે, તેના માટે આ જીતનો શ્રેય તેમને જાય પણ સાથ સાથે માર પાર્ટીના અથાગ પરિશ્રમ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓએ, શુભ ચિંતકોએ અને સમાજના આગેવાનોએ પણ બધાનો શ્રેય માત્ર નરેન્દ્ર મોદી કે, એમના પ્રત્યેની લાગણીના પ્રેમને લીધે મિત્રો આપનો ધન્યવાદ.

પરબત પટેલે વધુમાં કહ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં નરેન્દ્ર મોદીના આવ્યા પછી કામ થયું છે અને આ એન્જિનિયરીંગ કોલેજ પણ તેમની જ દેન છે. ઘણું બધું કામ કર્યું છે. છતા પણ બનાસકાંઠાના બનાસડેરી સિવાયનો બીજો કોઈ ઉદ્યોગ નથી. એટલે ખેતીવાડી આધારિત એગ્રીકલ્ચરબેજ આધારિત ઇન્ડસ્ટ્રીઝ જિલ્લામાં આવે અને મારા યુવાનોને રોજગારી મળે તે માટે જે કઈ પણ કરવાનું છે તે બધાના સહકારથી ભેગા રહીને કરીશું.

જાણો NDAની સરકાર બનવા બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું
આજે લોકસભાના પરિણામનો દિવસ છે. ગણતરીના કલાકોમાં પરિણામ જાહેર થશે કે, દેશમાં કોની સરકાર બનશે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારો વિશ્વાસ ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ બોવ મજબૂત છે, કારણ કે, પાંચ વર્ષથી નરેન્દ્ર મોદી સરકારની કામગીરી, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ અને નાનામાં નાના ગરીબથી માંડીને નાનામાં નાના ગામડામાં રહેતા વ્યક્તિથી માંડીને તમામ ભારતીયોને બધી જ રીતે આગળ વધવા માટેની વ્યવસ્થાઓ, સુવિધાઓ, યોજનાઓ અમારી સરકારે આપી છે. સતત પાંચ વર્ષ સુધી અમારી કેન્દ્ર સરકાર પ્રજાની વચ્ચે રહી છે, સેકડો યોજનાઓ પ્રજા માટે અમલમાં મૂકી છે. ત્યારે ચૂંટણી પાંચ વર્ષ થાય એટલે લોકશાહીમાં થાય પણ અમને ચૂંટણી વખતથી જ વિશ્વાસ છે કે, આ વખતે પણ ભારતની પ્રજા, મતદારો, નાગરીકો ભારતીય જનતા પક્ષને બહુમતી આપશે, NDAને બહુમતી આપશે અને નરેન્દ્ર મોદી ફરી એક વાર દેશના વડાપ્રધાન થાય તેવું આખો દેશ ઈચ્છી રહ્યો છે. એ પ્રમાણેનું મતદાન થયુ છે અને આજે રિજલ્ટ આવશે ત્યારે સ્પસ્ટ પણ આપણે જોઈ શકીશું કે, દેશ નરેન્દ્ર મોદીને, ભાજપને અને NDAને ઈચ્છે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર બનાવી બહુમતિ મેળવવીએ મોટી વાત લક્ષ્ય અમારું છે અને પ્રજા અમને ભાજપને જ મેન્ડેડ આપવાની છે, ભાજપની જ સરકાર બનવાની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવાના છે, એટલે બેઠકો તો સાંજે ખબર પડે કે, કેટલી ક્યા રાજ્યમાં મળે છે, પણ સરકાર ભાજપની બનવાની છે.

જીત બાદ જાણો શું કહ્યું ભાજપના નવસારી અને સુરતના ઉમેદવારે
ભાજપના નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી. આર. પાટીલનો જંગી લીડથી વિજય થયો છે. ત્યારે સી. આર. પાટીલે મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2014માં જે લહેર હતી, તે આ વખતે પણ સુનામીમાં ફેરવાઈ રહી છે, તેનો અંદાજો આવતો જ હતો અને નવસારી સંસદીય વિસ્તારમાં ભાઈઓ અને બહેનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખુબ વિશ્વાસ છે. અહીં જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ છે, તે ખૂબ જ મજબૂત છે. તેમને સતત મતદાર ભાઈઓ અને બહનો સાથેનો સંપર્ક પણ જાળવેલો છે અને એના કારણે ગયા વખતે જેવા આશીર્વાદ મળ્યા જતા તેવા આશીર્વાદ આ વખતે પણ મળશે તેવો ચોક્કસ વિશ્વાસ હતો જ.

નવસારીના ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીએ જે કોંગ્રેસે મુક્ત ભારતની વાત કરી હતી અથવા તો કોંગ્રેસને ડીઝોલ કરવા માટેની વાત કરી હતી, તેમનો જે વિચાર હતો અને તેમનું જે સપનું હતું, તે પૂર્ણ કરવા તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે. આખા દેશના લોકો તેમની સાથે સંમત થઇને દેશને કોંગ્રેસ મુક્ત કરવા લાગી રહ્યા છે, તેવું લાગી રહ્યું છે, આને સુનામી કહેવી કે, સુનામો કહેવો એક નવો જ શબ્દ શોધવો પડે તેવા પ્રકારની આ લહેર છે. કેટલાક રાજકીય પંડિતો કે, જે 21, 22 તારીખ સુધી તો તેવું કહેતા હતા કે, મહાગઠબંધન આવશે અને કોંગ્રેસની સરકાર બનશે બધા અલગ અલગ પોત પોતાની રીતે મંતવ્ય કરતા હતા. કેટલાક લોકો પોતે ગઠબંધનમાં મહત્ત્વનો રોલ ભજવવા માટે પોતાના વિસ્તારમાં હારી જવાની તૈયારી હોવા છતાં દિલ્હીના આંટા ફેરા કરીને સમાધાનના પ્રયત્નો કરતા હતા અને મને એમ લાગે છે કે, તેમને હવે મહેનત કરવાની જરૂરત નહીં પડે તેમને હવે આરામ મળશે.

ચંદ્રાબાબુ નાઈડુ હશે કે, શરદ પાવર હશે તેમને હવે મહેનત કરવાની જરૂર નહીં પડે. અને જે લોકો સરકાર બનાવવામાં પોતાની ભૂમિકા ભજવતા હતા તેમને પણ પોતાની જગ્યા જોવા મળી છે. જ્યાં મમતા બેનરજી કે, મને લાગે છે કે, પશ્ચિમ બંગાળની અંદર સૌથી મોટો ફટકો ત્યાના ભાઈ બહેનોએ મમતા બનરજીને આપ્યો છે એને હવે સમજી લેવાની જરૂર છે. મમતાનું હારવું એટલા માટે પણ જરૂરી હતું કે, આજે ફક્ત પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમો છે. કદાચ એ વધુ સમય રહે તો આખા દેશમાં તેમને ઘુસાડવાનો પ્રયત્ન કરે એ પ્રકારની એની માનસિકતા છે.

નેગેટીવ માનસિકતા સાથે તે રાજકારણ કરે છે. એક દિવસમાં લગભગ 80-80 હત્યાઓ થાય રાજકીય ઈલેકશનની અંદર તે ખૂબ ખોટી વાત છે. મારી પાસે જે રીપોર્ટ છે સાચા છે કે, ખબર નહીં પણ 80 જણાની મતદાનના દિવસે હત્યા થઈ તેવો પણ રીપોર્ટ છે, કદાચ સાચા પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે પરંતુ આવી એક પણ હત્યા ન થવી જોઈએ. ગુજરાતમાં 26સે 26 સીટનું ઈલેકશન થયું કોઈ જગ્યાએ મારામારીના પણ બનાવો નોંધાયા નથી. આજ રીત લોકશાહીની ખરી રીત છે.

સુરતના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ પણ જંગી બહુમતીથી જીત્યા છે ત્યારે દર્શના જરદોશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ખુબ આનંદનો વિષય છે આજે ગુરુવારે સાઈબાબાએ ખૂબ સરસ પરિણામ આપ્યું છે અને તેની સાથે ફરી નરેન્દ્ર મોદીને પાછા વડાપ્રધાન બનાવવા માટે અમે સૌ ઉત્સુક છીએ. આજે જયારે પરિવાર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ દ્વારા અથાક પરિશ્રમ થયો છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ફરી પાછી બની રહી છે, તે ખૂબ જ આનંદનો વિષય છે.

દર્શના જરદોશે વધુમાં જણાવ્યું હતું કે, જે બોલીએ છીએ તે કરીએ છીએ નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કર્યા છે. ટ્રાન્સફર્ન્સીથી લોકોની વચ્ચે ગયા તે બધા મુદ્દાઓ લોકોને ગમ્યા અને આમ પણ સુરતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ પ્રેમ કરે છે.

હાર બાદ આવ્યું પરેશ ધાનાણી નિવેદન
ગુજરાતમાંથી કોંગ્રેસને એક પણ લોકસભાની સીટ નથી મળી. 2014માં પણ કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. ત્યારે કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અને લોકસભાના અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે ભારતની અંદર લોકશાહી યજ્ઞની પૂર્ણાહુતીનો પ્રસંગ છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પરીણામો સ્પષ્ટ થતા જાય છે અને આ લોકશાહીના યજ્ઞમાં જનતા જનારદનનો નિર્ણય એ આખરી નિર્ણય હોય છે. જનતા જનારદને વિરોધપક્ષમાં તેમની સમસ્યાઓને વાચા આપવાનું મેન્ડેડ આપ્યુ છે. ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી અતિભવ્ય પુનઃ સફળતા અપાવી છે ત્યારે માનનીય નરેન્દ્રભાઈ, માનનીય અમિતભાઈ, માનનીય વિજયભાઈ, માનનીય જીતુભાઈ અને અમરેલીના અમારા ઉમેદવાર માનનીય નારણભાઈને અંતર મનથી શુભેચ્છાઓ પાઠવું છું, અને સંપૂર્ણ પણે વિશ્વાસ છે કે, લોકશાહીના યજ્ઞમાં જનતાએ આપેલા મતનું દાન એળે ન જાય ગરીબ ગામડા અને ખેડૂતોના હદયની વાત અને તેની સમસ્યાઓને સરકાર સંભાળશે. તેને સમજશે અને જે સમસ્યાઓ આજે દેશ સામે વિકરાળ સ્વરૂપ લઇને ઉભી હતી. આવી સમસ્યાઓના નિકાલ માટે આજે સરકાર ત્વરિક પગલા ભરે તેવી સરકારને વિનંતી સાથે ભારતીય જનતા પાર્ટીઓના શીર્સ નેતૃત્વને શુભેચ્છાઓ પાઠવું છું.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 2019નો રણ સંગ્રામ મને લાગે છે કે, દેશની પ્રજાના મન અને હદય વચ્ચેની લડાઈ હતી, હદયમાં ખુબ ઉકળાટ હતો. દેશના દરેક ખુણેથી માણસ મોંઘવારીને લઇ, ખેડૂતોના દેવાને લઇ, ભ્રષ્ટાચારને લઇ, અત્યાચારને લઇ સો સવાલો ઉભા કરતા હતા. એવું પણ કહીં ન શકાય કે, લોકોને સમસ્યા ન હતી, પણ લોકોએ સમસ્યાને કોરાણે મૂકીને સમર્થન આપ્યું છે ત્યારે મને લાગે છે કે, અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયા છીએ. આવતા દિવસોમાં એના ઊંડાણ સુધી જશું. સમીક્ષા કરશું પાર્ટીની ક્ષતિઓ છે, તેને પણ સુધારીશું અને લોકોને સાથે ખભે ખભો મેળવીને એમના પ્રશ્નોને વાચા આપવા માટે વિરોધ પક્ષ તરીકે સક્રિયતાથી વધુ ઉત્સાહ સાથે,વધુ સતર્કતાથી લોકોની વાતને વાચા આપવાનો પ્રયાસ કરીશું.

CM વિજય રૂપાણીએ કહ્યું શાહની ચાણક્ય નીતિ જીત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ
ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ છે અને 2014ની જેમ આ વખતે પણ કોંગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલાવી શકી નથી. ત્યારે ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એકઝિટ પોલ પછી લહેરની ચર્ચા શરૂ થઈ અને આજે હકીકતમાં આ લહેર બધા રુઝાનોના રીજલ્ટથી મળી ગઈ છે. આ જીત ભારત વાસીઓની જીત છે. ભારત વિજય ભવ: અને નરેન્દ્ર મોદીની પ્રતિ એક ઈમાનદાર, ચોકીદાર, દેશ ભક્ત, નિર્ણાયક, મજબૂત, નેતૃત્વ માટે ભારતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આ જે ભારતીય જનતા પાર્ટીને મોટી જીત હાંસલ થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નમન કરું છું. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંગઠનનો પરિચય કરાવ્યો. ભારતીની રાજનીતિમાં સંગઠનના આધારે કેમ ચૂંટણી લડી શકાય અને જીતી શકાય, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દુનિયાની સૌથી મોટી પાર્ટી તો બનાવી છે, પરંતુ સંગઠનના કાર્યકર્તાઓના બળના આધારે આ ચૂંટણી લડવી અને જે રીતે બંગાળ, ઓરિસ્સા, બિહાર, કર્ણાટક, 4 મહિના પહેલા કોંગ્રેસની ત્રણ સરકાર બની હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ. રાજસ્થાનમાં પણ 25માંથી 25 સીટ આજે ભારતીય જનતા પાર્ટીને મળી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહની ચાણક્યનીતિ ભાજપની જીત માટે મહત્ત્વ પૂર્ણ સાબીત થઇ છે. બંગાળમાં જેટલા કાર્યકર્તાઓને બલિદાન આપ્યું તે પણ એક મોટી ઘટના છે. આ વખતે બંગાળમાં 80 કરતા વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું બલીદાન થયું છે. એ બલિદાન દેવાવાળા કાર્યકર્તાઓને પણ નમન કરું છું અને ફરીથી ભારતની જનતાએ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમનો હું આભાર માનુ છું.

વિજય પછી PM મોદીએ કહ્યું આ ચૂંટણીમાં ખોટું સેક્યુલરિઝમ ગુમરાહ ન કરી શક્યું
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી ચૂંટાઇ આવ્યા પછી દિલ્હી ખાતે પાર્ટી હેડક્વાર્ટર્સ ખાતેથી પાર્ટી કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી આખા વિશ્વમાં ઐતિહાસિક હતી. છેલ્લા 30 વર્ષમાં જે ચૂંટણીઓ લડાતી હતી તેમાં ત્રણ મુદ્દા મુખ્ય રહેતા હતા. સેક્યુલરિઝ્મ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર. પરંતુ આ ચૂંટણી એવી હતી કે આ ત્રણેય મુદ્દાઓ નદારદ હતા. ખોટા સેક્યુલરિઝમનો નકાબ ચીરાઇ ગયો. મોંઘવારીની કોઇ વાત ન થઇ. ભ્રષ્ટાચાર પણ મુદ્દો બની ન શક્યો. તેમણે પોલિટિકલ પંડિતો અને સમાજશાસ્ત્રીઓને કહ્યું કે તેમણે હવે ફરીથી વિચારવાની જરૂર છે. તેઓ 20મી સદીની માનસિકતામાં જીવી રહ્યા છે. તેમણે પોતાના વિચારોમાં બદલાવની જરૂર છે. આ નવું ભારત છે.

વડાપ્રધાને કહ્યું કે આ ચૂંટણીએ જ્ઞાતિવાદને પણ જાકારો આપ્યો છે. હવે ભારતમાં બે જ જ્ઞાતિઓ છે. એક ગરીબોની અને બીજી ગરીબી દૂર કરનારાઓની. હવે આગામી વર્ષોમાં જ્યારે ગાંધીજીની 150 જન્મજયંતિ છે અને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાની છે. ત્યારે આપણે બધા તેમાં જોડાઇ જઇએ. આગામી વર્ષોમાં દેશની તમામ મુશ્કેલીઓ સાથે મળીને ઉકલીએ.
તેમણે કહ્યું કે તેઓ આગામી દિવસોમાં બદનીયત અને બદઇરાદાથી કંઇ નહીં કરે. પોતાના માટે કંઇ નહીં કરે. મારો કણ-કણ હવે દેશ માટે છે. મને આ ત્રણ ત્રાજવા પર તોલતા રહેજો. ખોટું કરૂં તો કોસતા રહેજો.વડાપ્રધાને એમ પણ કહ્યું કે આ ચૂંટણી આ દેશના લોકોએ લડી હતી એટલે જીત મળી છે.

ટુકડે ટુકડે ગેંગની હાર છેઃ અમિત શાહ

આ અગાઉ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે સંબોધતા કહ્યું હતું કે દેશના 17 રાજ્યોમાં 50 ટકા કરતા વધુ મત ભાજપને મળ્યા છે. 17 રાજ્યોમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી છે. તેમણે એમ પણ કહ્યું કે દેશની ટુકડે ટુકડે ગેંગની સામે સબકા સાથ સબકા વિકાસનો વિજય છે. તેમણે એવો ઇશારો પણ કર્યો કે આગામી સમયમાં સમગ્ર પશ્ચિમ બંગાળમાં ભાજપ ફેલાઇ જશે.

આણંદમાં ભરતસિંહ સોલંકીએ મત ગણતરી અને પરિણામ પર સવાલ ઉઠાવ્યા
આણંદ લોકસભાની ચૂંટણીના મત ગણતરી સમયે ગણતરીમાં મોટો તફાવત સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આણંદ લોકસભાના કોંગ્રસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ સમગ્ર મામલે સાવલો ઉઠાવ્યા હતા અને ત્યાબાદ તેઓએ તેમને પોતાના ચૂંટણી એજન્ટ પહસ્તક ચૂંટણીપંચને પત્ર લખ્યો હતો. આ પત્ર લખવાનું મુખ્ય કારણે એ છે કે, આજે જયારે EVM મશીનમાં મતની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે મતદાનના દિવસે પોલીંગ બુથમાં થયેલા મતદાન સમયે નોંધાયેલા મત કરતા ગણતરી સમયે એક લાખ કરતા વધારે મતનો તફાવત સામે આવ્યો. મતદાનના દિવસે 11,05,587 મત થયા ત્યારે મત ગણતરીના દિવસે 12,37,790 ગણાયા હતા. એક લાખ કરતા વધારે મત અચાનક વધી જવાના કારણે ભરતસિંહ સોલંકીએ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘ જય ભારત સાથે જણાવવાનું અમો લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભરતસિંહ સોલંકીના એજન્ટની અરજ છે કે, આણંદ લોકસભાના કુલ મતદાર 16,55,642 છે. જેમાં થયેલ મતદાન 11,05,587 જેમાં ગણતરીમાં થયેલ મતદાન કરતા વધારે મત નીકળેલ છે. જે આંકડો 12,37,790 છે. તો 1,32,122 મતનો તફાવત સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. તો અમો અરજદારને હાજર લોકસભા પ્રતિનિધિનું પરિણામ જાહેર નહીં કરવા અમારી વિનંતી છે. તેમ છતાં પણ પરિણામ જાહેર કરવામાં આવે તો અમારો સખ્ત વાંધો છે અને સમગ્ર બાબતે કાયદેસર ચૂંટણીમાં મત ગણતરી અમોને મંજુર નથી, તો કાયદેસરની કાર્યવાહી કરવા અમારી અરજ છે’

ગુજરાતમાં કોંગ્રેસની હાર બાદ જાણો શું કહ્યું અલ્પેશ ઠાકોરે

ગુજરાતમાં કોંગ્રેસની હારની સ્થિતિ જોઈને અલ્પેશ ઠાકોરે જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ જે રીતે અમારી સાથે વ્યવહાર કર્યો અને અમને અપમાનિત કરવામાં આવ્યા, ક્યાંક અમને દબાવવામાં આવ્યા, ક્યાંક અમને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું એની સામે અમે જે રીતે હિંમત કરીને બહાર નીકળ્યા એ અવાજને પણ આગળ લઇ જવાનું અને એ અવાજને સમજીને ગુજરાતની જનતાએ જે કામ કર્યું છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર માનું છું ગુજરાતની મારી ઠાકોર સેનાનો, OBC એકતા મંચનો કે, એમને એક અવાજ ઉપર તમામ જગ્યાઓ પર, તમામ બુથોમાં એક એવો જવાબ આપ્યો કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ગરીબો સાથે, બેરોજગારો સાથે, ખેડૂતો સાથે, સામાન્ય જનતાઓ સાથે દ્રોહ કરવાનું, તેમની સાથે રમત કરવાની, બીજી વાર હિંમત પણ ન કરી શકે. એવો જડબા તોડ જવાબ ગુજરાતની જનતાએ આપ્યો છે.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, જયારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, જયારે પદો પરથી રાજીનામું આપ્યું ત્યારે તેમને મારી સાથે અને મારા સંગઠન સાથે એક પ્રકારે દુશ્મન જેવો વ્યવહાર કર્યો અને મારું ધારાસભ્ય પદ લઇ લેવા માટે જે તાલાવેલી કરી તેનો જવાબ પણ ગુજરાતની જનતાએ આપ્યો છે. તમે મારું ધારાસભ્ય પદ તો નહીં છીનવી શકો પણ ગુજરાતની જનતાએ તમને ખાતું પણ ખોલવા નથી દીધું. એનો જવાબ જયારે ગુજરાતની જનતાએ આપ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનું છું. આ જીત છે ગરોબોની, આ જીત છે સામાન્ય લોકોની, આ જીત છે ઈમાનદારીની, આ જીત છે રાષ્ટ્રવાદની અને જે રીતે અમારી સાથે વ્યવહાર કરીને તાલાવેલી કરીને અમારી સાથે ષડયંત્રનો જવાબ આપ્યો છે, ત્યારે મારી જવાબદારી થાય છે કે, લોકો માટે કામ કરું અને જે રીતે અમારી સાથે દ્રોહ કર્યો ત્યારે ઘણા લોકોને શંકા કુશંકા હતી.

ઉત્તર ગુજરાતના એક ઉમેદવારે એવું પણ કહેલુ કે, અલ્પેશ ઠાકોર કે, ઠાકોર સેનાનો કોઈ પ્રભાવ નહીં પડે પણ ગુજરાતમાં ઠાકોર સેના, OBC એકતા મંચ અને ગુજરાતની સામાન્ય જનતાએ અને એમાય ઠાકોર સેના અને OBC એકતા મંચે 9થી વધારે બેઠકો પર જડબા તોડ જવાબ આપ્યો છે. એના પરિણામો આપ જોઈ રહ્યા છે. જે લોકો સપના જોતા હતા કે, અમે પાંચ કે, દસ હજારની લીડથી જીતીશું તેવા લોકો એક-એક, બે-બે લાખ મતોથી હાર્યા છે.

BJPની જીત થતા હાર્દિક પટેલ ઉકળ્યો, 
લોકસભા ચૂંટણી 2019નું વલણ સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઇ ગયું છે. તો ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જોડાયેલા અને પૂર્વ પાસ કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે હિન્દીમાં લખ્યું કે જનતાએ ભાજપને નહીં પરંતુ બેઇમાનીએ ભાજપને જીતાડી છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરતાં હિન્દીમાં લખ્યું હતું કે, કોંગ્રેસ તથા રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી, અમે ઇમાન સાથે મેદાનમાં હતા, જનતાએ ભાજપને નહીં બેઇમાનીએ ભાજપને જીતાડી છે. તમે મને ગાળો આપી શકો છો. પરંતુ સત્ય બોલવું જરૂરી છે. દેશમાં જનતાના મોઢા પર ખુશી નથી. ભારત માતાની જય.

Hardik Patel

@HardikPatel_
कांग्रेस एवं श्री @RahulGandhi ने ईमानदारी से चुनाव में जनता की बात रखी हैं।हम ईमान के साथ मैदान में थे।जनता ने भाजपा को नहीं बेमानी ने भाजपा को जिताया हैं।आप मुझे गाली दे सकते हैं लेकिन सत्य बोलना ज़रूरी हैं।देश में जनता के मुख पर ख़ुशी नहीं हैं।भारत माता की जय।

વધુમાં હાર્દિક પટેલે લખ્યું કે બેરોજગારી હારી છે, શિક્ષા હારી છે. ખેડૂત હાર્યા છે. મહિલાનું સમ્માન હાર્યું છે. સામાન્ય જનતા સાથે જોડાયેલા તમામ મુદ્દા હાર્યા છે. એક આશા હારી છે. સાચુ કહું તો હિન્દુસ્તાનની જનતા હારી છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાની લડાઇને હું સલામ કરું છું. લડીશું અને જીતીશું. જય હિન્દ…

આકરી ગરમીમાં ભાજપના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી: મોહનભાઈ કુંડારિયા
લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું હતું. દેશભરમાં ભાજપ છવાઈ ગયો છે.
ફરીવાર દેશમાં મોદી સરકાર બની રહે છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે કે ઈવીએમમાં ગરબડ છે પણ હકીકત એ છે કે જયારે બીજા રાજયમાં કોંગ્રેસ જીતે છે ત્યારે ઈવીએમ સારા લાગે છે ત્યારે કોઇ ઈવીએમની વાત નથી કરતી પણ રાજકોટ જ નહીં દેશભરમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ જતા હારનું ઠીકરું ઈવીએમ ઉપર ઢોળે છે તે ગેરવ્યાજબી છે.
લોકસભાની ચૂંટણી પ્રચારમાં 43 ડીગ્રી જેટલી આકરી ગરમી વરસી રહી હતી ત્યારે આવા ધોમધોખતા તાપમાં ભાજપના કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા હતા. કાર્યકર્તાની મહેનતના કારણે મારી જીત થઇ હોવાનું જણાવ્યું હતું.
મત આપનાર મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તે ઉપરાંત રાજકોટ બેઠક લોકસભાના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, રાજય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ આભાર માન્યો હતો.
મોહનભાઇએ વધુમાં જણાવ્યું હતું કે હરીફ ઉમેદવારના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યું હોવાથી ભાજપ વિજય સરઘસ નહીં કાઢે. તે ઉપરાંત ચૂંટણીમાં મતદારોને આપેલા વાયદાઓ જલ્દી પૂર્ણ કરવામાં આવશે.