જુમ બરાબર જુમ ભાજપ – ભાજપના નેતાઓ દારુ પીવે છે

જુમ બરાબર જુમ ભાજપ – દિલીપ પટેલ – વિશ્લેષણ

શિક્ષણ મંત્રી વિભાવરી દવેએ ભાવનગરની શિક્ષક સોસાયટીમાં લોકોના પ્રશ્નો સાંભળતા હતા ત્યારે ફરિયાદ કરીને અહીં દારુ મળે છે. બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યાલયની બાજુમાં દારૂ વેચાય છે.  તેમણે તુરંતસ્થળ પર દરોડો પાડી દારૂ પકડાવ્યો હતો. વિભાવરીબેને પોલીસ બોલાવીને જાતે જઈ દરોડા પાડી ફરિયાદ લખાવી. ત્યારબાદ પોલીસે મહિલા બુટલેગર ગોપી ગોરધન વલેચા પાસેથી રૂ.2000ની કિંમતનો 16 લીટર દેશી દારૂ કબજે લીધો હતો. શહેરમાં ક્યાંય પણ દારુ ન વેચાવો જોઈએ એવી સૂચના આપી હતી.

પણ ભાજપના નેતાઓ અને કાર્યકરો દારુ પીવે છે અને ધંધો કરે છે, તે કઈ રીતે અટકાવી શકાશે એ વાત વિભાવરી દવેને સમજાવવી પડે તેમ નથી. રાજ્યભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ક્યાં ક્યાં દારુ પિતા કે વેચતા પકડાયા છે તે પોલીસ પાસે સંપૂર્ણ રેકર્ડ છે અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પાસે પણ એ વિગતો પોલીસે મોકલાવી છે.

ભાજપના કયા નેતા દારુના ગુનામાં પકડાયા ?

ડાંગના નેતા પકડાયા

ડાંગના વઘઈ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો દારૂ પીધેલા પકડાયા હતા. ભાજપના મંગેશ ચીમન ભોયે તથા કોંગ્રેસના રામજ ભાવજુ ધૂમ તથા એક ડ્રાઈવર કેફી પીણું પીને વાહન ચલાવતાં ભીલાડની ભીડજ પોલીસે પકડ્યા હતા. જેને છોડાવવા માટે ભાજપના એક મંત્રીએ ભારે દબાણ કર્યું હતું. તેઓ નવા વર્ષની જલસાથી ઉજવણી કરીને સેલવાસથી પરત ફરી રહ્યા હતા ત્યારે પકડાઈ ગયા હતા. બાદમાં કોર્ટે તેમને 5 જાન્યુઆરી 2019એ છોડી મૂક્યા હતા.

મહામંત્રીએ દારુ વેચવાની મંજૂરી માંગી

વડોદરા તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજય પંચાલે દારૂબંધીના કાયદાથી અલગ જ પ્રકારની વાત કરી છે. સંજય પંચાલે કલેક્ટરને એક આવેદન પાઠવ્યું છે, જેમાં તેમણે પોતાના જીવન નિર્વાહ માટે વિદેશી દારૂ વેચવાનો ધંધો કરવા દેવામાં આવે તેવું લખ્યું હતું. સંજય પંચાલે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાત સલામત છે. મારી પાર્ટીની અંદર હું છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે ભટકી રહ્યો છું. મેં કલેક્ટર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કમિશ્નર સાહેબને બે-બે વાર આવેદન પત્ર આપ્યા છતાં આજદિન સુધી મને ન્યાય મળ્યો નથી.

વાવના મહામંત્રી પીધેલા પકડાયા

બનાસકાંઠાના વાવના ભાજપ મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. રૂપાણી સરકારને નીચું જોવાનો અને વિપક્ષના પ્રહાર સહન કરવાનો વારો આવ્યો છે. બાકાસર ત્રણ રસ્તા નજીક ભાજપના મહામંત્રી રણજીત ચૌહાણને તેમની ગાડી સાથે પોલીસે ઝડપી લઇ તેમની તપાસ કરતાં દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા. પોલીસે તેમની ગાડી જપ્ત કરી હતી. પોલીસ હવે તેમની વિરૂધ્ધ ન્યાયી રીતે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી ભાજપના ઇશારે સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલી લેવાશે તેને લઇ વિપક્ષ કોંગ્રેસમાં ચર્ચા તેજ બની હતી.

મુંદ્રા ભાજપના નેતાની રાજસ્થાનમાં મહેફિલ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં કચ્છના મુંદ્વા ભાજપના આગેવાનનું શરમજનક વર્તન સામે આવ્યું હતું. તાલુકા ભાજપના પ્રમુખ વાલજી ટાપરીયાએ દારૂ પીને ધમાલ મચાવી હતી. તેઓ ભાજપમાંથી ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન ગયા હતા. ત્યાં બાડમેરમાં વાલજી ટાપરીયાએ હોટલમાં દારૂપીને ધમાલ કરી હતી જો કે, સ્થાનિકોએ માર મારીને તેમને ભગાડ્યા હતા.

મહામંત્રી પીતા પકડાયો

અમરેલી જિલ્લામાં વડીયા-કુંકાવાવમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતો. જેમાં ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા ઝડપાઇ ચૂક્યા હતા. દરોડામાં ભાજપ એટીવીટી મહામંત્રી અને એક બેન્ક મેનેજર સહિતના લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. સંબંધીના પૂત્રના લગ્ન પ્રસંગની મહેમાનગતી માણવા રેલવે કોલોનીમાં આવેલા હતા.

કોર્પોરેટરના પુત્ર પીતા ઝડપાયો

જામખંભાળિયા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સોનલ વાનરિયાપા પુત્ર રાજુ વાનરીયા બીએમડબલ્યુ કાર સાથે મોટી ખાવડી પાસે મેઘપર પોલીસે તેમની પીધેલી હાલતમાં ધરપકડ કરી પ્રોહીબિશન ધારા મુજબ ફરિયાદ નોંઘી હતી. નશો કરેલ હાલતમાં રાજુ વાનરીયા ખંભાળિયા રોડ પર એક અકસ્માત કરી ત્યાંથી નાસી છૂટ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી.  અન્ય ઘવાયેલા વ્યક્તિને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

દારૂ પિવાનું છોડો નહીં, ઓછો પીવો : પ્રધાન

આઝાદીકાળથી દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતનાં ભાજપના ધારાસભ્યો જ હવે દારૂ પીવાની હિમાયત કરી રહ્યા છે. ધારાસભ્ય કાંતી ગામીતે 9 જુન 2016માં કહ્યું કે દારૂ પીવાનું બંધ નહી પણ ઓછુ કરો. તહેવારો, લગ્નપ્રસંગે જ દારૂ પીવાનું રાખવા માટે જણાવ્યું હતું. રાજ્યનાં આદિજાતી વિકાસ મંત્રી કાંતિ ગામીતે દારૂ ઓછો પીવાની સલાહ શાળા પ્રવેશોત્સવનાં કાર્યક્રમ દરમિયાન આપી હતી. જેનાં પગલે વિવાદ પેદા થયો હતો. દારૂ પીવો પણ માપમાં પીવો. પ્રસંગોપાત દારૂ પીવો તો કોઇ વાંધો નહીં. પણ આપણી પાસે આદિવાસીઓ પાસે તો પીવાનું કોઈ માપ જ નથી. પીવા બેસે તો આખો દિવસ પીવે છે.‘કોંગ્રેસમુક્ત ગુજરાતના આગ્રહી ભાજપના નેતાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૈકી એક આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન કાન્તિ ગામીત હતા.

નગરપાલિકાના પ્રમુખે દારુના નશામાં ધમાલ કરી

રાજકોટના મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્સ સિનેમામાં ગત રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ભાજપના નેતા અને પૂર્વ મોરબી નગરપાલિકા પ્રમુખ લલીત જેરામ કામરીયા પીધેલી હાલતમાં ફિલ્મ જોવા ગયા હતા. વધુ પ્રમાણમાં નશો કરેલી હાલતમાં રહેલા આ ભાજપના આગેવાનને સિનેમા સલામતી રક્ષકોએ અટકાતા આગેવાને ત્યાં જ રોફ જમાવવાનું શરૂ કરી દીધું હતું. ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયા ઉશ્કેરાઈ ગયા હતા. પોતે ભાજપના આગેવાન છે સિનેમા બંધ કરાવી દેશે તેવી ધમકીઓ આપી હતી અને રાજકીય રોફ બતાવવા માંડ્યા હતા. દશામાનું જાગરણ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. લલીત કામરીયાને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશને લઈ જવાતાં જ સ્થાનિક ભાજપના કેટલાક આગેવાનોએ પોલીસ પર દબાણ કર્યું હતું.

પૂર્વ મુખ્ય પ્રધાને સમર્થન કર્યું

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં દારુબંધીનો કાયદો છે પરંતુ હજુ પણ દારુ વેયાચ છે. કારીગર, શ્રમજીવી વર્ગ રોજ દારુનાં ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. દારુબંધી ડામી દેવામાં અસરકારક પગલા ભરવાની આવશ્યકતા રહેલી છે. તેમનું નિવેદન કહે છે કે, ગુજરાત સરકાર દારુનાં બેરોકટોક ધંધાને બંધ કરવામાં નિષ્ફળ ગઈ છે. સરકારની સામે જ દારુબંધી અંગે તાતાતીર છોડયા છે. આનંદીબેને આવું નિવેદન કરી સરકારને ભીંસમાં મૂકી દીધી છે.

કાઉન્સીલરનો પુત્ર દારુના ધંધામાં પકડાયો

ભાજપ કચ્છ જિલલા પ્રમુખ ઉમિયાશંકર જોષી અને ભચાઉ મ્યુનિસિપાલ્ટી કાઉન્સેલર કલ્પના જોષીનાં દીકરા આરોપી અભિષેક જોષી પાસેથી 45,000 રૂપિયાનો અંગ્રેજી દારૂ જપ્ત થયો હતો.  ગાંધીધામ રેલવે પોલીસે મુંબઇથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવતાં તેમાંથી થેલા અને ટ્રોલી બેગ લઇને અભિષેક જોષી ઉતર્યો હતો. તેની ગતીવિધિઓ શંકાસ્પદ લાગતા પોલીસે તેની તલાશી લીધી હતી. ત્યારે અભિષેક જોષીનાં બેગમાંથી દારૂની બોટલ નીકળતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી 354 બોટલ તથા 96 બિયરનાં ટીન મળી આવ્યા હતાં. કાર્યવાહી હાથમાં લીધી છે. જોકે હજુ સુધી આ અંગે વધુ માહિતી જાહેર થઇ નથી. જો કે પોલીસે હજુ આ શખ્સની પૂછપરછ બાકી હોવાથી આ શખ્સ અંગે વધુ માહિતી ન હોવાનું કહ્યું હતું.

સરપંચે દારૂબંધી કરી તો ભાજપે વિરોધ કર્યો

ગુજરાતમાં દારુ બંધીનો કાયદો છે. વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે ખરા અર્થમાં દારુ બંધીનો અમલ અઢી વર્ષથી કરી બતાવ્યો છે. સરપંચ જાતે જઈને દારુ બેચનારના માટલા ફોડી કાઢ્યા હતા. પહેલાં ગામમાં દારુ વેચાતો હતો. તેની સામે ભાજપના સાંસદ કે ધારાસભ્ય કંઈ કરી શકતાં ન હતા. જે આ સરપંચે કરી બતાવ્યું છે. ગમમાં દારુ પીને કોઈ પ્રવેશી શકતું નથી. રાજકીય નેતાઓ દારુના હપ્તા લઈને દારુ વેચવા દે છે તેથી આ સરપંચ તેમને પસંદ નથી. એ તો ઠીક પણ ખેડા જિલ્લા પોલીસ વડા પણ તેમની ફરિયાદ લેતા નથી અને ધારાસભ્યની તરફેણ કરે છે. ડીએસપીને ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણ કહી દીધું હતું કે, ‘ફરિયાદ લેવી તે તમારું કામ છે. ન્યાય આપવો તે કોર્ટનું કામ છે. તમે ન્યાયાધીશ ન બનો. ધારાસભ્યની તમે તરફેણ ન કરો. મારી ફરિયાદ લો પછી બીજી વાત કરો.’

દારુ બંધ થઈ શકે, BSPએ કરી બતાવ્યું BJPએ નહીં

છોટાઉદેપુર નગરપાલિકાના ગુજરાતનાં એક માત્ર બહુજન સમાજ પક્ષના પ્રમુખ નેહા જયસ્વાલે પોલીસને કહી દીધું હતું કે જન્માષ્ટમી, તાજીયા અને ગણેશોત્વમાં શાંતિ જોઈતી હોય તો દારૂના અડ્ડા બંધ કરાવો. છૂટથી દારૂ મળે છે. જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર સુજલ માયાત્રાની હાજરીમાં તેમણે અધિકારીઓને 19 સપ્ટેમ્બર, 2018ના રોજ કહ્યું હતું જેની અસર પણ થઈ છે. ગણેશ ઉત્સવ પૂરો થયો અને ક્યાંય જાહેરમાં દારૂ મળતો ન હોવાથી ક્યાંય ધમાલ કે છેડતી પણ થઈ ન હતી. દારૂડીયાઓ જાહેરમાં દારૂ પીને આવવાની હિંમત જ ન કરી હતી. જો આમ દરેક સ્થળે રાજકારણીઓ દારૂના અડ્ડા બંધ કરાવે તો દારૂ બંધ થઈ જાય તેમ છે. પણ ધારાસભ્યો દારૂના અડ્ડા બંધ કરાવતાં નથી કારણ કે તેમને તેમાંથી હપતો મળતો હોય છે.

ઉમેદવારોએ કહ્યું દારુ નહીં આપીએ

ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડનં 1 ના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં દારૂ લાવીને પિવડાવવો નહીં તેવી સાથે પ્રતિજ્ઞા લીધી હતી. હનુમાનજીના મંદિરે એકઠા થયેલા ઉમેદવારોએ દારૂ ન વેચવા તેમજ કોઇપણ ઉમેદવાર મતદારને દારૂ પહોંચાડે તો તેનો રૂ. 50 હજારનો દંડ કરાશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.

સાંસદના ગામમાં દારૂનો ધંધો

વિધાનસભાના ઉમેદવાર ડો.પ્રફુલ વસાવાએ કહ્યું હતું કે, ખુદ સાંસદ મનસુખભાઈ વસાવાના ગામ લોકો આજે દારૂના ધંધામાં ધકાયેલા છે. મનસુખ ભાઈ વસાવાનું ગામ હોવાથી ત્યાં પોલીસ પણ રેડ પાડતા અચકાય છે. શું સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લામા ચાલતા દારૂ – જુગાર ના અડ્ડાઓ થી અજાણ છે? મનસુખ ભાઈ વસાવા દારૂ વેચવાવાળા બુટલેગરો વિશે કેમ કઇ બોલતા નથી. નર્મદા જિલ્લા મા દારૂ ના ધંધા ભાજપ વાલા જ કરાવે છે. બુટલેગરો પોલીસ થી બચવા ભાજપ મા જોડાય જાય છે. નર્મદા જિલ્લા મા ભાજપ બુટલેગરો ના પૈસા થી જ તો ચુંટણી ઓ લડે છે.

ચૂંટણી જીતવા દારુ આપીએ છીએ

પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ગોધરા ખાતે કહ્યું હતું કે વાઈન વગર ચૂંટણી જીતી શકાતી નથી.

ભાજપના સાંસદ અચાનક સાચું બોલી ગયા હતા. છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પૈસાની રેલમછેલ, દારૂની રેલમછેલ, સત્તાનો ડર બતાવી અને વહીવટીતંત્રના દુરુપયોગથી સત્તા ટકાવી રહી છે. તેનું એમના સાંસદે જ અનુમોદન આપ્યું છે. ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે પણ નશાબંધીનો કાયદો કાગળ ઉપર છે એવું આજે ભાજપના સાંસદ પ્રભાતસિંહે પણ ગોધરા ખાતે કીધું છે.

સાંસદ વસાવાએ પણ સમર્થન કર્યું

પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે પ્લાસ્ટિક પર પતિબંધના બદલે પોટલી પર પ્રતિબંધ મૂકે તો સારું કહેવાય.

મારો પુત્ર બુલટેગર છે, સાંસદ

સાંસદ પ્રભાતસિંહે પક્ષ પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે, તેમનો પુત્ર પ્રવીણસિંહ ચૌહાણ ભાજપના વિધાનસભાના ઉમેદવાર સુમનબેનનો પતિ બૂટલેગર છે. પોલીસે તેમની પાસેથી દારુ પકડેલો હતો. તેથી તેમને ટિકિટ આપવામાં ન આવે.

ભાજપ ઉપપ્રમુખની હોટલમાં મહેફિલ

જૂનાગઢ-રાજકોટ હાઇવે ઉપર વડાલ નજીક આવેલી ક્રિષ્ના ગાર્ડન રેસ્ટોરન્ટ અને હોટલ જૂનાગઢ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની હોટલમાં તાલુકા પોલીસે દરોડો પાડી ગાંધીનગરના ત્રણ સહિત છ શખ્સોને દારુની પાર્ટી માણતા ઝડપી લીધા હતા. વડાલ નજીક રજિસ્ટર તપાસતા તેમાં શંકા જતા રૂમોની તલાશી લેતા એક રૂમમાંથી ગાંધીનગરના શૈલેન્દ્રસિંહ સોલંકી, હસમુખ પ્રજાપતિ અને જીજ્ઞેશ પરમારને દારૂ પીતા ઝડપી લીધા હતા.

ભાજપ દારુ લાવે છે

વિધાનસભાની ચૂંટણી સમયે 2017માં ભરત સોલંકીએ ચૂંટણી કમીશનને પત્ર લખીને કહ્યું હતું કે, ચૂંટણીનાં સમયે ભાજપ દ્વારા પાડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી દારૂ મંગાવે છે અને લોકોને દારૂ પીવડાવીને તેઓ ચૂંટણીમાં મત મેળવે છે. ગુજરાતમાં ભાજપ માત્ર દારૂબંધીની વાતો જ કરે છે પરંતુ પોતે જ લોકોને દારૂ લઈને આપે છે. સુરત ભાજપના ઉમેદવારના કાર્યાલય પાસેથી જ દારુ ભરેલી એક કાર પકડી પાડી હતી.

ભારતમાતા કી જય સાથે દારુની મહેફિલ

વડોદરામાં ભાજપના કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વડોદરામાં ભાજપના 5 કાર્યકરોમાં મહેશ રાજ, ધવલ રાજ, શૈલેષ પરમાર, જિગ્નેશ પરમાર અને કમલેશ રોહિત નજરે પડે છે. દારૂની મહેફિલમાં તેઓ સિગરેટનું પણ સેવન કરતાં જોવા મળી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે કાયદાનો ડર ન હોય તેમ વીડિયો પણ વાયરલ કર્યો હતો. મહેફિલ માણનાર ભાજપના આ કાર્યકર્તાઓ ભાજપના ફ્લેગ સાથે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા. કાર્યકરો જ નશાની હાલતમાં હોય તો સામાન્ય લોકોને દારૂ પિતા કઈ રીતે અટકાવશે સરકાર ? દારૂની મહેફિલ માણતા આ ભાજપના કાર્યકરો સામે ભાજપે કોઈ પગલાં લીધા નથી.

આવક જાય છે

નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે દારુ અંગે કહ્યું કે ગુજરાતમાં દારુ પર ટેક્સ નથી એટલે પેટ્રોલ-ડિઝલ પર ટેક્સ નાંખવામાં આવે છે. પેટ્રોલ-ડિઝલ પર ટેક્સ નાંખવાની સરકારને ફરજ પડી છે.

વિરોધ પક્ષ શું કહે છે

શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં લીરેલીરાં ઉડાડ્યા હતા. ૨૦થી ૨૫ વર્ષથી ભાજપ સત્તામાં છે. આ સમયગાળો એક પેઢી જેટલો છે. રાજ્યમાં દારૂબંધી હોવાછતાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમે છે. ભાજપના લોકો દારુ પીતા પકડાય છે. ભાજપના નેતાઓની ગુનાખોરી હવે વધી રહી છે. છેલ્લાં કેટલાંક સમયથી ભાજપના નેતાઓ સામે ગંભીર કહી શકાય એવી ઘટનાઓ નોંધાય છે. તેઓ સામાન્ય પ્રજાને પરેશાન કરી રહ્યાં છે. ખૂન કરે છે. બળાત્કાર કરી રહ્યાં છે. જુગાર, દારુ અને સટ્ટો રમતાં પકડાયા છે. ભ્રષ્ટાચાર કરતાં પકડાયા છે. આમ હવે ભાજપ એ ભાજપ નહીં પણ ગુનાખોરીને પ્રોત્સાહન આપતો પક્ષ બની ગયો છે.

25 જુલાઇ 2006ના રોજ સરકારી પરિપત્ર બહાર પાડીને નશાબંધીના અમલીકરણની કામગીરી નશાબંધી અને આબકારી ખાતા પાસેથી લઇને પરત પોલીસ ખાતાને એ સુપરત કરે છે. એ પરિપત્રમાં જણાવ્યું હતું: ‘ગુજરાત રાજ્યના અસ્તિત્વથી તા. ૩૦-૪-૧૯૯૭ સુધી નશાબંધી અમલીકરણની કામગીરી ગૃહ વિભાગ નીચેના પોલીસ ખાતા દ્વારા કરવામાં આવતી હતી. તા. ૩૦-૪-૧૯૯૭થી આ કામગીરી માટે નશાબંધી અને આબકારી ખાતું અલગથી ઊભું કરવામાં આવેલ.

200 કરોડનો હપતો

ગુજરાતમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાંથી ગેરકાયદેસર 43,70,311 લીટર દેશી દારૂ પકડાયેલો છે. જેની કિંમત રૂા. 8,52,61,725 જેટલી થાય છે. જ્યારે 2,42,50,146 વિદેશી દારૂની બોટલ પકડાયેલી છે. જેની કિંમત 24,68,33,929 રૂપિયા જેટલી થાય છે, જ્યારે સત્તાવાર દારૂ આટલો પકડાયેલો હોય તો ગેરકાયદેસર દારૂનો વેપાર નો આંકડો કેટલો મોટો હશે? ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને ગુજરાતમાં ભાજપ શાસનમાં રોજેરોજ કરોડો રૂપિયાનો દારૂ પાડોશી રાજ્યોમાંથી ઠલવાય છે. જે માટે ભાજપ સરકારનું ભ્રષ્ટ અને હપ્તારાજ જવાબદાર છે. સાથો સાથ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની કઈ પરિસ્થિતિ છે તેનું ચિત્ર રજૂ થાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ દારૂના 200 કરોડના હપ્તાની રાજનીતિના બધા ભાગીદાર છેઃ અલ્પેશ ઠાકોર