જૂનાગઢનાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાનું પરપ્રાંતિયો સાથે બેઠકનું નાટક

ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા પરપ્રાંતિય શ્રમિકો રાજ્ય છોડી જઈ રહ્યાં હોવાથી ઊભી થયેલી રાજકીય સ્થિતિમાં જૂનાગઢમાં રહીને જુદા જુદા વ્યવસાયમાં કાર્યરત એવા પરપ્રાંતિય શ્રમિકોને આજે જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ રૂબરૂ મળી સલામતીની ખાતરી આપી હતી અને ગુજરાત ન છોડવા અપીલ કરી હતી.
આજે બપોરના સમયે રાજ્ય સરકારમાંથી આદેશ આવ્યો હતો કે જૂનાગઢમાં વસવાટ કરતા અન્ય રાજ્યના શ્રમિક પરિવારો રાજ્ય ન છોડી જાય અને ભયભીત ન રહે તે માટે તાત્કાલિક અસરથી તેમની સાથે એક બેઠક યોજી સલામતીની ખાતરી આપવી. આ આદેશ બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ માત્ર 30 મિનિટના ટૂંકા ગાળામાં જૂનાગઢમાં વસવાટ કરતાં અન્ય રાજ્યના શ્રમિકોને બોલાવી ભયભીત થયા વગર રહેજો. સરકાર અને તંત્ર આપની સાથે છે તેમ કહી બેઠક પુરી કરી હતી.
જૂનાગઢમાં સોની વેપારીઓના કારખાનામાં કામ કરતા બંગાળીઓ અને જીઆઈડીસીમાં કામ કરતા અન્ય રાજ્યના શ્રમિકોને માત્ર 30 મિનિટમાં એકઠા કરીને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કોઈ ચિંતાનું કારણ નથી. છતાં તકલીફ પડે તો તંત્રનો સંપર્ક કરજો આ બેઠક માત્ર 5 મિનિટ ચાલી હતી અને પત્રકારોને પણ તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા. માત્ર માહિતી વિભાગ દ્વારા આ બેઠકનું શૂટિંગ કરીને પત્રકારોને પહોંચાડવામાં આવ્યું હતું. જયારે માહિતી વિભાગને પૂછવામાં આવ્યું કે પત્રકારોને જાણ કેમ ન કરી તો કહેવામાં આવ્યું હતું કે માત્ર 30 મિનિટમાં બેઠક કરવાનો આદેશ હતો એટલે અમને પણ ખબર છેલ્લી ઘડીએ આપવામાં આવી હતી.