જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે નામો નક્કી કરાશે

ગુજરાત પ્રદેશ ભાજપા પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ  જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આજ રોજ સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને, ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી હતી.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિમાં જૂનાગઢ મહાનગર પાલિકાની તા.21મી જૂલાઈએ યોજાનાર ચૂંટણી માટેના ઉમેદવારોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રદેશ દ્વારા ત્રણ-ત્રણ સભ્યોની ચાર નિરીક્ષક ટીમો બનાવવામાં આવી હતી.
આ ચાર નિરીક્ષકોની ટીમો દ્વારા તા.22મી જૂને જૂનાગઢના તમામ વોર્ડના કાર્યકર્તા પાસે જઈને ઉમેદવારો માટેના સેન્સ લેવામાં આવ્યાં હતાં. આ ચૂંટણી સમિતિમાં ઉમેદવારોના સંદર્ભમાં પ્રદેશ નિરીક્ષકો અને મહાનગર ચૂંટણી સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. હાલમાં, જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ સત્તાના સેવાના સુત્રો સંભાળે છે. કુલ 60 સભ્યો માંથી 44 સભ્યો ભાજપ પાસે છે. આગામી સમયમાં જૂનાગઢની જનતાનું જનસમર્થન, જનમત એ ભાજપને ભવ્ય વિજય બનાવશે તેવો અમને વિશ્વાસ છે.