મગફળી કૌભાંડમાં ન્યાયિક તપાસની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 16 ઓગસ્ટ 2018ના દિવસે સવારે અમદાવાદના ગાંધીઆશ્રમ બહાર ૭૨ કલાકના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સાંજે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના નિધનને પગલે વિપક્ષી નેતા ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ધરણાં સ્થળે બે મિનિટનું મૌન પાળીને સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવી ઉપવાસ આંદોલન મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. સરકારની મીઠી નજર તળે પાંચ-પાંચ ગોડાઉન સળગાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, ખેડૂતોના મોંમાંથી ટેકાના ભાવનો કોળિયો છીનવી લેનારા ભ્રષ્ટાચારીઓને પકડવામાં ન આવે ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન જારી રહેશે.
રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલી રૂ. ૪ હજાર કરોડની મગફળી ખરીદીમાં કૌભાંડની હાઈકોર્ટના સિટીંગ જજની આગેવાનીમાં તટસ્થ તપાસની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ છાવણીએ પહોંચતાં પહેલાં ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સામાન્ય વ્યક્તિના બંધારણીય અધિકારોના રક્ષણ માટે અહિંસાના માર્ગે મગફળીકાંડના સત્યને ઉજાગર કરવા માટે આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. સરકારે ખરીદી માટે નિયુક્ત કરેલી પાંચ એજન્સીઓને લૂંટના ઈરાદે કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને રાજ્યની તિજોરીમાંથી રૂ. ૪ હજાર કરોડની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી છે. 


English



You must be logged in to post a comment.