જેટી પર થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલિંગમાં જોખમ ઊભું થવાની શક્યતા

 

ગાંધીનગર, તા. 15

રાજ્યના 1600 કિ.મી. લાંબા અને વ્યૂહાત્મક દરિયાકિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેક્ટર અને ઉદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા સરકારે નવી બંદરનીતિની જાહેરાત કરી છે. ઉદારીકરણનાં પગલાંને આગળ ધપાવતાં વર્તમાન સમય અને ઔદ્યોગિકરણની માગને સુસંગત આ નવી નીતિ હોવાનું કહેવાય છે, પરંતુ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્યમાં હાલમાં કાર્યરત્ ૩ર કેપ્ટિવ જેટી કોઈપણ જાતના પ્રતિબંધ વિના થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે, જે એક મોટું જોખમી પગલું ગણી શકાય. નવી બંદરનીતિના રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે અને તેનું મેમોરેન્ડમ પણ તૈયાર કરીને ગુજરાત મેરિટાઈમ બોર્ડને મોકલી દેવામાં આવ્યું છે. અને તેના આધારે જીએમબી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

નવી બંદર નીતિ

આ નીતિ મુજબ હયાત કેપ્ટિવ જેટી સાથે થયેલા કરાર અનુસાર કેપ્ટિવ જેટી હોલ્ડરની બધી જ સુવિધા ચાલુ રાખી નવા મૂડીરોકાણ 50 ટકાથી વધારે થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરવાના દ્વાર પણ ખોલી આપ્યા છે.  કેપ્ટિવ જેટી હોલ્ડર આ માટે વાર્ફેજ ચાર્જીસ બમણાં ભરીને બીજી કંપનીઓનો કાર્ગો પણ વહન કરી શકશે તેમ આ નીતિમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બંદરીય ક્ષેત્રમાં કોઈપણ ઉદ્યોગ સાહસિક ભાગ લઈ શકે તે માટે આ નવી નીતિમાં જોગવાઈ કરવામાં આવી છે.  આ જોગવાઈઓ મુજબ ગુજરાત મેરિટાઈમ બોર્ડ સમયાંતરે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ (ઈઓઆઈ) બહાર પાડશે અને નવા સાહસિકોને ઓછામાં ઓછું રૂ.300 કરોડનું મૂડીરોકાણ કરવું પડશે અને પાંચ મિલિયન મેટ્રિક ટનની બંદરીય ક્ષમતા ઊભી કરવાની રહેશે. જે નીતિ જાહેર કરાઈ છે તેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે, નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા પસંદ કરાયેલી જેટીનું સ્થાન હયાત જેટીથી ઓછામાં ઓછું ત્રણ કિલોમીટર દૂર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ખાનગી બંદરની હદની બહાર હોવું જોઈએ. સરકારે દહેજ અને હજીરા જેવા બંદરના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાન પર લઈને આ બે સ્થળ પર ખાસ કિસ્સામાં પ્રવર્તમાન જેટીથી ઓછામાં ઓછું એક કિલોમીટરનું અંતર હોવું જોઈએ એવી જોગવાઈ પણ કરી છે.

આ નવી નીતિના પરિણામે 1600 કિ.મી.નો લાંબો સમુદ્રકિનારો ઉત્તર અને મધ્ય ભારતની તમામ આયાત-નિકાસનું પ્રવેશદ્વાર બનશે. આ પારદર્શી નીતિની ફળશ્રુતિએ નવા સાહસિકો રાજ્યના પોર્ટ ડેવલપમેન્ટમાં સહભાગી થઈ શકશે, તેમજ ક્રૂડ ઓઈલ,  કોલસો તેમજ નેચરલ ગેસ અને એલ.પી.જી. આયાત માટે આ નવી નીતિ ઉપર્યુક્ત અને કારગત નિવડે એવો આશાવાદ પણ રાખવામાં આવ્યો છે.

થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલિંગ જોખમી નહીં બને

નવી બંદર નીતિના કારણે જે થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલિંગ કરશે તેના કારણે આગામી દિવસોમાં મોટાં જોખમોની આશંકા અંગે  ગુજરાત મેરિટાઈમ બોર્ડના એક ઉચ્ચ અધિકારીએ નામ ન લખવાની શરતે કહ્યું કે, સરકારે જાહેર કરેલી નવી બંદરનીતિમાં હાલની હયાત કેપ્ટિવ જેટી પર થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે તેમાં કોઈપણ પ્રકારનાં જોખમો ઊભા નહીં થાય, કેમ કે આ જોગવાઈ અમલી બનતાં આ તમામ જેટીઓ પર હવે કસ્ટમની હાજરી ફરજિયાત થશે અને તેના કારણે કોઈ પ્રકારના જોખમ થવાની શક્યતાઓ નહિવત્ બની જશે. તેઓ કહે છે આ નીતિના કારણે જે કેપ્ટિવ જેટીની વાત છે તેમાં દરેકની વચ્ચે ત્રણ કિલોમીટરનું અંતર નેવિગેશનમાં કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે કરીને આ જોગવાઈ રાખવામાં આવી છે. જો કે દહેજ અને હજીરા બંદર પર કેચમેન્ટ એરિયાના આધારે ત્યાં એક કિલોમીટરનું અંતર રાખવાની જોગવાઈ કરાઈ છે.

સરકારને આર્થિક ફાયદો થશે

નવી બંદર નીતિના કારણે દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતને આર્થિક રીતે ઘણો ફાયદો થશે, કેમ કે આ નીતિમાં કેપ્ટિવ જેટી પર કાર્ગો હેન્ડલિંગની સુવિધા વધવાની છે તેના કારણે ઔદ્યોગિક એકમો બૂસ્ટઅપ થશે અને તેના કારણે સરકારને સારી એવી આવક મળશે. આ જોગવાઈ હેઠળ સરકારને આગામી દિવસોમાં તેમાંથી અંદાજે રૂ.70 હજાર કરોડની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલિંગ કરી શકવાની જોગવાઈના કારણે રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો પણ હળવો બને એવી શક્યતા રહેલી છે, કેમ કે આ નીતિના કારણે અંદાજે 25 હજાર જેટલી રોજગારી ઊભી થવાની છે અને તેના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી નિયમિત રીતે મળતી રહેશે.

નવી બંદર નીતિથી થનારા ફાયદા

કેપ્ટિવ જેટી પરનાં નિયંત્રણો દૂર થવાથી તેનો સર્વાંગી વિકાસ થશે

કોમર્શિયલ પોર્ટ એક્ટિવિટીઝની ક્ષમતા 79.5 એમએમટીપીએથી વધી શકે છે

માળખાગત સુવિધાઓમાં રૂ.4 હજાર કરોડથી વધુનું રોકાણ શક્ય બની શકશે

રાષ્ટ્રીય કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતનો સંભવિત હિસ્સો 41 ટકાથી વધીને 46 ટકા થશે, જેને લીધે પોર્ટના વિકાસની વ્યૂહરચનાને પ્રોત્સાહન મળશે.

રૂ. 70 હજાર કરોડથી વધુનો આર્થિક લાભ શક્ય બનશે

સંભવિત રોજગારની 25 હજારથી વધુ તકોનું નિર્માણ થશે

સરકારની સંભવિત આવક રૂ.400 કરોડથી વધશે

કોસ્ટલ શિપિંગમાં વૃદ્ધિ થવા ઉપરાંત લોજિસ્ટિક કોસ્ટમાં ઘટાડો કરવામાં આ નીતિસહાયક બનશે

પ્રવર્તમાન કેપ્ટિવ જેટીઓ કોઈપણ જાતના પ્રતિબંધ વગર થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે

ગુજરાત મેરિટાઈમ બોર્ડ સમયાંતરે ઈઓઆઈ બહાર પાડશે

નવા સાહસિકોએ ઓછામાં ઓછું રૂ.300 કરોડ મૂડીરોકાણ–પાંચ મિલિયન મેટ્રિક ટનની બંદરીય ક્ષમતા ઊભી કરવી પડશે

આધુનિકરણ અને વેલ્યુચેઇનમાં બેકવર્ડ–ફોરવર્ડ ઈન્ટિગ્રેશનની તક મળતી થશે