ભાવનગર,તા.12
પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકના નિયમો તોડે છે તેમને નિયમ પ્રમાણે દંડ ફટકારી તેમની સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવે. જયારે પોલીસ કાયદો તોડે છે ત્યારે કાયદાનો અમલ કરાવતી પોલીસ માટે તેઓ અવરોધરૂપ બને છે. જેના પગલે સમગ્ર ભાવનગર રેંજમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પોલીસને પકડવાની શરૂઆત થઈ છે.
ટ્રાફીક નિયમોનો ભંગ કરતા પોલીસ કર્મીઓ સામે દંડ સાથે શિક્ષાત્મક પગલા લો..
ભાવનગર રેંજના ડીઆઈજી અશોકકુમાર યાદવે ભાવનગર, અમરેલી અને બોટાદના એસપીને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે પોલીસ જયારે પ્રજા પાસે કાયદાનો અમલ કરાવી રહી છે ત્યારે પોલીસને પ્રાથિમક ફરજ છે કે પહેલા કાયદાનો અમલ પોતે કરે પણ અમારા ધ્યાનમાં આવ્યુ કે પોલીસ યુનિર્ફોમમાં રહેલા અધિકારી અને જવાન કાયદાનો અમલ કરતા નથી જેના કારણે પ્રજામાનસ ઉપર ઉપર તેની વિપરીત અસર પડે છે જેના કારણે પોલીસની છબી ખરડાય છે. અને તેના ગંભીર પ્રત્યાધાત પડે છે, અને કાયદાનો અમલ કરાવી શકાતો નથી તેથી નિયમ તોડનાર પોલીસનો વ્યવહાર અસ્વીકાર્ય છે.
યાદવે જણાવ્યુ કે જે પોલીસ ટ્રાફિકના નિયમનો ભંગ કરે તેમની પાસેથી નિયમ પ્રમાણે દંડ વસુલ કરવાની સાથે તેમને નોટીસ આપો ને ખાતાકિય શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવે સાથે તમામ એસપી દ્વારા આ અંગેની માહિતી બીનચુક રીતે અમારી કચેરીને મોકલી આપવી સાથે સ્ટેટ ટ્રાફિકન બ્રાન્ચને પણ પોલીસ પાસેથી વસુલ કરવામાં આવેલા દંડ અને પગલાની જાણકારી મોકલી આપવી રહેશે આ આદેશની સાથે ભાવનગર રેંજની પોલીસે પોલીસ સ્ટેશનની બહાર અને પોલીસ લાઈનની બહાર ઉભા કરી કાયદો તોડતી પોલીસ પાસે દંડ વસુલ કરવાની શરૂઆત કરી છે