ડાંગના સુબિર તાલુકાના પૂર્ણા નદીના કિનારા શબરી ધામ નજીક ધડાકો થયો હતો. લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પંપા સરોવર પાસે રહસ્યમય ધડાકો થવાની ઘટના બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નદીના પરિસરમાં ઘડાકાભેર પત્થરો ઉડ્યા હતા. વજનદાર પથ્થરો તૂટી ગયા હતા. જમીનમાં ખૂંપેલા પત્થરો પણ ઉડ્યા હતા. ધડાકો શેનો છે તેની તપાસ થઇ રહી છે. જમીનના ભૂગર્ભની હિલચાલની શક્યતા છે. આ મામલાની તપાસ ચાલી રહી હોવાથી પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી નથી. રહસ્યમયી ધડાકા અંગે ડાંગ અધિક કલેક્ટર ટી.કે.દામોર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા તપાસના આદેશ આપ્યા છે.
ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલું શબરી એક ધાર્મિક યાત્રાધામ છે. આહવાથી 33 કિલોમીટરના અંતરે આવેલું છે. સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી. જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલો છે.
અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી શબરી-પ્રસંગની તસવીરો તેમ જ મૂર્તિઓ જોવા મળે છે. આ સ્થળથી દક્ષિણ દિશા તરફ નજીકમાં પંપા સરોવર પણ આવેલું છે. સરકાર દ્વારા શબરીકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.