ટાઉન પ્લાનીંગમાં પાટીદારોને અન્યાય થતો હોવાની જિલ્લા કલેકટરને ફરિયાદ

પાલનપુર,તા.20

પાલનપુર વિકાસ નકશામાં ગરબડો બાબતે આજે અસરગ્રસ્તોએ જિલ્લા કલેકટર સમક્ષ ટીપી એક્ટ 6-બી હેઠળ અરજી દાખલ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે તેની આગેવાની લીધી હતી. અરજદાર કનુભાઈ પટેલના નામે જિલ્લા કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

ટાઉન પ્લાનીંગમાં પાટીદારોની જમીન છે ત્યા અન્યાય

પાલનપુર વિસ્તારમાં જે જમીનો કપાતમાં જાય છે તેમાં પાટીદારો ને સૌથી વધુ નુકશાન છે, વ્યક્તિ ગત વાંધ રજૂ કરતી અરજીઓ દાખલ કરવાની ચાલુ છે. આ મહિનાની 16 તારીખ છેલ્લી તારીખ છે પછી જ વાંધા અરજીઓની સંખ્યા ફાઈનલ થાય થશે. ટાઉન પ્લાનીંગમાં જ્યાં પાટીદારોની જમીન છે ત્યાં ઈરાદાપૂર્વક અન્યાય કરીને હવે ટાઉન પ્લાનીંગમાં પણ જ્ઞાતિવાદ આવી ગયો હોવાની રજૂઆત કરવામાં આવી છે.

સામુહિક લડતની તૈયારી

પાટીદારોની જૂથ બેઠકો ચાલુ છે. આ રવિવારે ફરી એક વખત બેઠક મળશે. પાલનપુર નગરપાલિકામાં  ભાજપ સત્તા પર છે. હાલ સામુહિક લડતની તૈયારીઓ ચાલી રહી છે. જેની આગેવાની પાલનપુર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર કનુભાઈ પટેલ કરી રહ્યાં છે, ધારાસભ્ય મહેશ પટેલે પણ દરમીયાનગીરી કરીને ન્યાયપૂર્વક ડીપી તૈયાર કરવા રજૂઆતો કરી છે.

પાલનપુર નગરપાલિકાના વિકાસ નકશામાં ઉંડુ રાજકારણ

પાલનપુરના નગર પાલિકાના વિકાસ નકશામાં ઉંડૂ રાજકારણ હોવાનું બહાર આવતું જાય છે. પાટીદારોની રાજકીય પકડ તોડવા ગુજરાત કક્ષાએ ભાજપની રાજનીતિ ખેલાઇ રહી છે તેની અસર વિકાસ નકશામાં પણ દેખાઇ રહી છે. પાટીદાર નેતા તરીકે ઓળખાતા પાલનપુરના કોંગ્રેસી ધારાસભ્ય મહેશ પટેલ અને ભાજપના ગિરીશ જગાણિયાના હીતો હોય તેવી જમીનોને સાચવીને વિવાદોમાં ભાગલા પાડી દેવાયા છે. જેમાં બીજા મોટાભાગના પાટીદારોની જમીનોને એવા નકશા પર મૂકી છે કે જેમાં ભારે મોટું નુકસાન થઈ રહ્યું છે. પાલનપુરમાં પાટીદારો ઉપરાંત બ્રાહ્મણ, ચૌધરી, મુમન, માળી, પ્રજાપતિ, ઠાકોર વગેરે સમાજના લોકોની પણ ખેતીની જમીનો પણ આવેલી છે. પરંતુ સરેરાશ આ જ્ઞાતિની જમીનોને આ વિકાસ નકશાથી મોટું નુકશાન થયુ નથી.

ટાઉનપ્લાનીંગમાં પાટીદાર સમાજની જમીનને જ નુકશાન

પાલનપુર પાલિકાએ તાજેતરમાં જે વિકાસ નકશાની દરખાસ્ત કરી છે તેમાં વ્યાપક ભ્રષ્ટાચારના હોબાળા થઇ રહ્યાં છે. પાલનપુર પાલિકાની છાપ આમેય ખરડાયેલી હોઇ તેવા આક્ષેપોને ભારે વેગ પણ મળી રહ્યો છે. પરંતુ આ વિકાસ નકશાના વિવાદો વચ્ચે પરદા પાછળથી બહાર આવી રહેલી કેટલીક માહિતીઓ ચોંકાવનારી પણ છે. ભ્રષ્ટાચાર, ઉઘરાણાંઓ અને મોટા માથાઓને સાચવવાની કામગીરી તો છેલ્લા એક વરસથી ચાલતી હતી અને સૂચિત વિકાસ નકશો 1 અને 2 માં મોટાભાગના કેસોમાં સુધારા વધારાનો વહીવટ પતી ગયો છે. ઉપરની સૂચના મુજબ પાટીદારોની નાણાંકીય તાકાતને તોડી પાડવાની નીતિ મુજબ જાહેર જનતાને  જોવા માટે પ્રસિધ્ધ થયેલા સૂચિત વિકાસ નકશા નં.3માં પાટીદાર સમાજની જમીનોને  જ નુકશાન થયાનો મોટા હોબાળો થતાં સત્તાવાળાઓને રજૂઆત કરઈ હતી. અને ન્યાયપૂર્વક વર્તવા માટે અપીલ કરાઈ છે.

પાટીદારોની રજૂઆત કરી શકે તેવા મોટા માથાઓને ચૂપ કરી દેવાયા

ગંદી રાજનિતિનો ભાગ હોય કે બીજા જે કોઇ કારણો હોય પણ આ વિકાસ નકશામાં ભાજપના ગિરીશ જગાણિયાના પરીવારની જમીનના વિકાસ માટે ડેરી રોડથી સીધો ડીપી રોડ મુકવામાં આવ્યો છે. તે માટે કલેકટર બંગલો અને આઇટીઆઇની જમીન પણ કાપવામાં આવી છે. તેની સાથે સાથે અન્ય નાની નાની જમીનો ધરાવનારાઓની જમીનો પણ વેતરી નાંખવામાં આવી છે. એટલે ગિરીશ જગાણિયા ચૂપ થઇ ગયા છે.બીજી તરફ કોંગ્રેસી ધારાસભ્ય મહેશ પટેલના વરસો જુના ભાગીદારો અને તે પેઢી દ્વારા ચાલતા જમીનોના ધંધામાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલી જમીનોને બચાવીને મહેશ પટેલને પણ ચૂપ કરી દેવાયા છે. આ નીતિના કારણે જે પાટીદારોની જમીનો વેતરાઇ ગઇ છે તે પાટીદારોને રજૂઆત ફરીયાદ કરવાનું કે સાથ આપવાવાળુ કોઇ નેતૃત્વ બચ્યું નથી. આમ ભાજપ કોંગ્રેસમાં વહેંયાયેલા પાટીદારો સમાજના નામે એક થઇ જતાં હતાં તેની બદલે ઉઘાડા સ્વાર્થમાં જ લપેટીને પાટીદારોમાં ભાગલા પાડી દેવાયા છે અને કહેવાતા મોટા માથાઓને જ સમાજથી દૂર ધકેલી દેવાયા છે. એક તરફ પાટીદારોના નેતૃત્વને વેતરી નંખાયુ અને બીજી તરફ પાટીદાર સમાજની જમીનોને તબાહ કરીને સમસ્ત પાટીદાર સમાજની કેડ ઉપર કુઠારાઘાત કરવામાં આવ્યો છે.

વિકાસ નકશાના બહાને જિલ્લા કક્ષાએ પાટીદારોનું રાજકારણ પુરુ કરવાનો પ્રયાસ

આ વિકાસ નકશાની કામગીરીમાં સીધી રીતે સંકળાયેલા લોકોના નામે તો કરોડો રૂપિયાના ઉઘરાણાં થયા છે તો સંગઠનના કેટલાક હોદ્દેદારો અને કેટલાક કોર્પોરેટરોએ પણ પોતાનો કેસ ગણાવીને વહેતી ગંગામાં આચમન કરી લીધુ છે તેના કથિત રેકોર્ડીંગો પણ ચર્ચામાં છે. અનામતના નામે હાર્દીક પટેલે લગાડેલી આગની બળતરાથી આનંદીબેને મુખ્યમંત્રી પદ ખોયુ તેમ હવે વિકાસ નકશાના બહાને જિલ્લા કક્ષાએ પણ પાટીદારોનું રાજકારણ પુરૂ કરવાનો આ મરણતોલ ઘા છે.