ટીંટોઈ સરપંચે ગેરકાયદેસર માટી ડમ્પિંગ કરી રાતોરાત રસ્તો બનાવી દીધો

ટીંટોઈ, તા.૦૨

ટીંટોઈ નજીક બામણવાડ માઈનોર કેનાલને અડીને ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલકાદર ગુલામહુસેન ટીંટોઇયાએ રાતોરાત સત્તાનો દુરુપયોગ કરી માટી કામ કરી રસ્તો બનાવી દેતા લેખિત રજુઆત ગામના જાગૃત નાગરિકોએ મોડાસા સિંચાઈ પેટા વિભાગમાં કરતા સિંચાઈ તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું અને હરકતમાં આવ્યું હતું. સિંચાઈ પેટા વિભાગના નાયબ ઈજનેર દિપક પંડ્યાએ ટીંટોઈ સરપંચને નોટિસ ફટકારી માટીકામના ફોટોગ્રાફ્સ રજુ કરવા અને માટી કામ અંગે ખુલાસો માંગવામાં આવતા અને ખુલાસો સંતોષકારક નહિ હોય તો સરપંચ સામે સરકારી મિલ્કતમાં વગર પરવાનગીએ કામગીરી કરવા અંગે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા ટીંટોઈ ગામના સ્થાનિક રાજકારણમાં હડકંપ મચ્યો છે.

મોડાસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલકાદર ગુલામહુસેન ટીંટોઇયા પર અંગત ઉપયોગ માટે સત્તાનો દુરુપયોગ કરી બામણવાડ માઈનોર કેનાલ નજીક ગેરકાયદેસર માટીકામ કરી રસ્તો બનાવી દીધાનો આક્ષેપ થતા સરપંચની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થતા કેટલાક જાગૃત નાગરિકોએ અને ખેડૂતોએ તેમના ખેતરમાં નુકશાન થતા.

મોડાસા સિંચાઈ પેટા વિભાગમાં લેખિત રજુઆત કરતા સરપંચની કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. સિંચાઈ વિભાગ ગેરકાયદેસર બનાવેલ રસ્તા મામલે ભીનું તો નહિ સંકેલી લે ને…? સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે.