અમદાવાદ, તા.28
દિવાળી વેકેશનમાં માલદીવ ફરવા જવા માટે ટ્રાવેલ ઈન્ડીયામાં પેકેજ બુક કરાવનારા ત્રણ પરિવારના 14 સભ્યોના 7 લાખ રૂપિયા બે ગઠીયાઓ ચાંઉ કરી ગયા છે. નવરંગપુરા પોલીસે છેતરપિંડીની અરજીની 10 મહિના સુધી તપાસ કરી ટ્રાવેલ ઈન્ડીયાના માલિક શક્તિસિંહ વાઘેલા અને અમિત કે. પટેલ સામે ઠગાઈની ગુનો નોંધ્યો છે. કઠવાડા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા આકાશ ગાયત્રીભાઈ દવે (ઉ.47 રહે. રતિલાલ પાર્ક, દર્પણ છ રસ્તા, નવરંગપુરા)એ તેમના બે મિત્રો અને પરિવારના સભ્યો સાથે ગત દિવાળી વેકેશનમાં માલદીવ ફરવા જવાનું નક્કી કર્યું હતું. આકાશભાઈએ નવરંગપુરામાં રહેતા તેમના મિત્ર રમેશ દેસાઈને વાત કરતા મીઠાખળી ક્રિષ્ના સેન્ટરમાં ટ્રાવેલ ઈન્ડીયાના નામે ધંધો કરતા શક્તિ વાઘેલા અને અમિત પટેલનો નવેમ્બર-2018માં સંપર્ક કરાવ્યો હતો. સારુ પેકેજ આપવાની વાત કરી ચાર રાત અને પાંચદિવસના ફલાઈટ-હોટલ બુકીંગ સહિતનું પેકેજ વ્યક્તિ દીઠ 1.01 લાખ એટલે કે 14 સભ્યોના 14.14 લાખ રૂપિયા નક્કી થયા હતા. પેકેજની 50 ટકા રકમ એડવાન્સ પેટે આકાશભાઈએ રૂબરૂ તેમજ તેમના મિત્રો થકી રોકડ અને ચેક એમ કુલ સાત લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તારીખ નજીક આવતા આકાશભાઈ અને તેમના મિત્રએ ટ્રાવેલ ઈન્ડીયાના માલિકો પાસે બુકીંગ વાઉચર અને ફલાઈટ ટિકીટ માંગતા ઓફિસેથી બુકીંગ એમાઉન્ટ પાછી લઈ જજો તેવો ઉત્તર આપ્યો હતો. આકાશ દવે ટ્રાવેલ ઈન્ડીયાની ઓફિસે પહોંચ્યા
ત્યારે ઓફિસ બંધ કરીને આરોપીઓ ભાગી ગયા હોવાના સમાચાર મળ્યા હતા. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શક્તિ વાઘેલા (રહે. હારમની આઈકોન, બાગબાન પાર્ટી પ્લોટ પાસે, હેબતપુર રોડ) અને અમિત પટેલ (રહે. રામજી મંદિર પાસે, વાસણા ગામ) સામે ફરિયાદ નોંધાઈ છે.