ગાંધીનગર, તા. 24
દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું છે ત્યારે તેની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં ટૂર બૂકિંગમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મંદીના આ માહોલમાં દરેક વેકેશનમાં મોજ માણતા ગુજરાતીઓએ પોતાના ફરવાના શોખ ઉપર કાતર ફેરવી છે અને હવે ગુજ્જુઓ ઓછા ખર્ચ એટલે કે નાના બજેટના પ્રવાસ પર જઈ રહ્યા છે. અને આ મંદીએ ટૂર ઓપરેટરોની દિવાળી બગાડી છે અને તેમને આ દિવાળી દેવાળી સાબિત થઈ શકે છે.
ફરવાના શોખીન ગુજ્જુઓ
દેશમાં કોઈપણ મોસમમાં વેકેશન આવે કે લાંબી રજાઓ આવે એટલે ફરવાના શોખીન ગુજરાતીઓ હંમેશા આગળ પડતા હોય છે. અને આ સંજોગોમાં ગુજરાતીઓ વેકેશન દરમિયાન પોતાના પરિવાર સાથે ફરવા જવા માટે આગોતરું આયોજન કરતા હોય છે. પરંતુ દરવર્ષની માફક આ વર્ષે ગુજરાતીઓએ દિવાળી દરમિયાન ક્યાં જવું તેનું આયોજન તો કર્યું પણ જ્યારે તેમણે આ પ્રવાસના ખર્ચનો હિસાબ કર્યો તો ફરવામાં પૈસાની કચાશ ન રાખનાર ગુજરાતીઓની આંખો પહોળી થઈ ગઈ. કેમ કે, મંદીના માહોલમાં આ વર્ષે ફરવાલાયક સ્થળો પર પણ રહેવા, જમવા તથા આવવા જવા માટેના ભાડામાં વધારો થઈ ગયો છે. તેના કારણે ગુજરાતીઓનું ફરવા જવાનું બજેટ ખોરવાઈ ગયું. આ સંજોગોમાં લાંબા વેકેશનમાં લાંબો પ્રવાસ કરનાર ગુજ્જુઓએ માત્ર નજીકના સ્થળે ઓછા ખર્ચમાં જવાય એવી જગ્યાઓ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે.
શું કહે છે ટૂર ઓપરેટર?
દેશમાં ફેલાયેલી આર્થિક મંદીના કારણે આ વર્ષે જોઈએ એવું બૂકિંગ નહિ થયું હોવાનું અમદાવાદના લગભગ તમામ ટૂર ઓપરેટર્સનો સૂર હતો. શહેરના ક્રિએટિવ હોલિડેઝ એન્ડ ઈવેન્ટસના મેનેજિંગ ડાયરેક્ટર કૌશિક શાહ કહે છે આર્થિક મંદીને કારણે ગુજરાતીઓએ ડોમેસ્ટિક ટૂર પસંદ કરી છે. ટૂર ઓપરેટરો કહે છે કે, ગત વખતે જીએસટી નોટબંધી નડી હતી, જયારે આ વખતે આર્થિક મંદી નડી છે. દિવાળી શરૂ થઈ ગઈ હોવા છતાં પણ અંદાજે દર વર્ષ કરતાં 30થી 40 ટકાનું બૂકિંગ ઓછું થયું છે. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષ ધંધામાં નબળું રહે એવું ચિત્ર ઉપસ્યું છે અને તેના કારણે તમામ ટૂર ઓપરેટરોને ભારે નુકશાન વેઠવું પડે એવી શક્યતા છે. કાશ્મીર પ્રવાસ અંગે તેઓ કહે છે કે, કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી અને ત્યારબાદ પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂક્યો હતો જે દિવાળી શરૂ થાય એ પહેલાં હટાવી લીધો છે. સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતીઓ લાંબા ડેસ્ટિનેશનમાં જમ્મુ કાશ્મીરનો પ્રવાસ દિવાળીના તહેવારો દરમિયાન પસંદ કરતા હતા પરંતુ આ વખતે જમ્મુ કાશ્મીરમાં જે સ્થિતિ છે તેને જોતાં ગુજરાતીઓએ આ પ્રવાસ નહિ ખેડવાનું નક્કી કર્યું છે અને ત્યાં માટે લગભગ કોઈ જ બૂકિંગ નથી થયા. તેમણે એવી આશા વ્યક્ત કરી કે જમ્મ કાશ્મીરમાં એપ્રિલ-મે દરમિયાન સ્થિતિ સારી થઈ જશે અને તે સમયે ત્યાં સિઝન પણ હોવાના કારણે ઉનાળામાં લોકો આ સ્થળે જવાનું ચોક્કસપણે પસંદ કરશે.
ગુજ્જુઓએ પ્રવાસ જ રદ્દ કર્યા
પૈસા ખર્ચવામાં ક્યારેય કચાશ નહિ રાખનારા ગુજરાતીઓએ આ વખતે મંદીના મારમાં દેશના પ્રવાસ તો ઠીક પણ નજીકના સ્થળોએ પ્રવાસે જવાનું પણ માંડી વાળ્યું છે. જ્યારે ઘણાં પરિવારોએ તો ગુજરાતના જ પ્રવાસન સ્થળોએ જઈને દિવાળીની રજાનો આનંદ માણી લેવા આયોજન કર્યું હોવાનું કૌશિકભાઈએ કહ્યું. ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, ગીર, દિવ, ક્ચ્છ અને સાપુતારા ગુજરાતીઓ માટે હોટ ફેવરીટ છે. આ વખતે મંદીને કારણે ગુજરાતીઓએ બજેટ મુજબ પ્રવાસ ગોઠવ્યાં છે. ટૂર ઓપરેટરો પાસે પણ ઓછા દિવસની ટૂરની ઈન્કવાયરી વધુ આવી રહી છે. મંદીના કારણે બે-ત્રણ દિવસના ઓછા બજેટના પ્રવાસોની ડિમાન્ડ ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે. આ વર્ષે હિમાચલ, સિક્કીમ, ગોવા, કેરાલા અને રાજસ્થાન જેવા સ્થળોની પસંદગી ગુજરાતીઓ વધુ પસંદ કરી રહ્યાં છે પણ આ સ્થળોના પણ ખૂબ જ જૂજ બૂકિંગ જ થયા હોવાનું ટૂર ઓપરેટર્સ કહી રહ્યા છે.
ચિંતા તામાં વધારો થયો
બૂકિંગ ઓછું થતાં ટૂર ઓપરેટરોની ચિંતા વધી છે. ખુદ ટૂર ઓપરેટરો કહે છે કે, દિવાળીની સિઝનમાં હોટલના રૂમો મળતા નથી ત્યારે આ વખતે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, હોટલો ખાલીખમ પડી છે. આ જોતાં ટૂર ઓપરેટરોની દિવાળી એકદમ ફિક્કી જાય તેમ છે. આ વખતે દિવાળીની રજાઓમાં ઘણાં ગુજરાતી પરિવારોએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેવા આયોજન કર્યુ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં બસ ભાડાંથી માંડીને ટિકીટ, જમવા સાથે એક દિવસનુ ભાડું રૂા.1400-1500 હતું. અમદાવાદ-વડોદરાથી કેટલાંય ટૂર ઓપરેટરોએ હવે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની એક દિવસીય ટૂર શરૂ કરી છે. દિવાળીના વેકેશનમાં ધસારો જોતાં હવે આ એક દિવસની ટૂરનો ભાવ હવે રૂા. 2200-2500 કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે. હવે દિવાળીમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે ય વધારો ચૂકવવો પડશે.