ટ્રક-કારના અકસ્માતમાં હાસ્યાસ્પદ ઘટના : કાર ચાલકે ટ્રકના ટાયર કાઢી લીધા

ધનસુરા, તા.૧૮

અરવલ્લી જીલ્લામાં ભારે વાહનચાલકો પુરઝડપે અને બેફામ વાહનો હંકારતા હોવાથી અક્સ્માતનનો સીલસીલો સતત ચાલી રહ્યો છે. ધનસુરાના ખેડા ગામ નજીક ટ્રક-કાર વચ્ચે સામાન્ય અકસ્માત થતા કાર ચાલકે ટ્રક ચાલક પાસે દાદાગીરી કરી વળતર માંગતા ટ્રક ચાલકે અસહમતી દર્શાવતા કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લઈ રિક્ષામાં મૂકી દેતા રમુજી ઘટના સર્જાઈ હતી. ટ્રક ચાલક કાર ચાલકની વર્તણુક જોઈ અચંબિત બની ધનસુરા પોલીસની મદદ લેતા ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ધનસુરાના ખેડા ગામ નજીક પર પ્રાંતીય ટ્રક ચાલક અને સ્થાનિક કાર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયા પછી કાર ચાલકે ટ્રક ચાલક પાસે વળતર માંગતા ટ્રક ચાલકે વળતર આપવાની ના પાડતા કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લીધા હતા અને છકડો રીક્ષામાં ચઢાવી દેતા ટ્રક ચાલકે ધનસુરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી હતી. ટ્રક ચાલકે ધનસુરા પોલીસની કાર્યવાહી સામે પણ નારાજગી વ્યક્ત કરી પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પોલીસે “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાન્ટે” એમ ટ્રક ચાલકને જ ધમકાવ્યો હતો.