ટ્રાફિકની સમસ્યા હળવી કરવા એક વ્યક્તિ-એકવાહનની નવી ફોર્મ્યુલા આવી શકે છે

ગાંધીનગર,તા.17
ટ્રાફિકથી પિડાતા શહેરોને બચાવવા માટે ગુજરાત સરકારે રસ્તો શોધી લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર હવે ગુજરાતમાં એક વ્યક્તિને એક જ વાહન ખરીદવાની છૂટ આપી શકે છે. એક વ્યક્તિ પાસે એક થી વધારે વાહનો રાખી શકાશે નહીં. ટૂકમાં સરકાર પોલિસી બનાવી રહી છે.

રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનરને સરકારે સૂચના આપ્યા પછી તેમણે રાજ્યના તમામ આરટીઓ ઓફિસરોને પત્ર લખી વિગતો માગી છે. આ વિગતોમાં 15 વર્ષ જૂના વાહનોની વિગતો તેમજ એક વ્યક્તિના નામે કેટલા વાહન છે તેની માહિતી પણ આપવાની રહેશે. પોલિસીનો અમલ થયા પછી એક વ્યક્તિને એક જ વાહન ખરીદવાની તક મળશે.

15 વર્ષથી જુના વાહનોની વિગત મંગાવાઈ
ગુજરાત રોડ સેફ્ટિ ઓથોરિટી એક્ટ-2018ની કલમ 33 એ રાજ્ય સરકારને નાગરિકોને એક થી વધુ વાહન ખરીદવા અને માલિકી હક્ક રાખવાની મર્યાદાને પરવાનગી આપે છે. એક્ટની જોગવાઇ પ્રમાણે ગુજરાતના વાહનવ્યવહાર કમિશનરે એક પત્રમાં આરટીઓના અધિકારીઓને જણાવ્યું છે કે જેમની પાસે એક કરતાં વધારે વાહનો હોય તેની વિગતો એકત્ર કરો.

એટલું જ નહીં કમિશનરેટે નીતિ અને તેની અસરો અંગેના પ્રતિભાવ પણ આરટીઓ ઓફિસરો પાસે માગ્યા છે. બીજી તરફ 15 વર્ષ કે તેથી વધુ જૂના વાહનોની વિગતો પણ માગી છે. વાહનવ્યવહાર વિભાગના એક અધિકારી કહે છે કે અમે દરેક આરટીઓને એક કરતાં વધારે વાહનો ધરાવતા માલિકોનો ડેટાબેઝ તૈયાર કરવાની સૂચના આપી છે. જો આમ થશે તો જ શહેરોમાં માર્ગો પર ટ્રાફિક નિયમન બરાબર રીતે થઇ શકશે.

લોકોના સુચનો લેવાશે
રાજ્યના વાહનવ્યવહાર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે તો ડેટાબેઝ બનાવવાનો છે પરંતુ સરકાર ક્યારે પોલિસી બનાવે છે તે નિશ્ચિત નથી. સરકારના નિર્ણય પહેલાં તજજ્ઞોનો અભિપ્રાય લેવામાં આવે તેવી સંભાવના છે. એટલું જ નહીં પોલિસી પહેલાં ડ્રાફ્ટ પોલિસી બનશે અને તેમાં લોકોના સૂચન લેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી