ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમારને ટીકટોક વીડિયોથી ધમકી

નડિયાદ કોર્ટ બહાર થયેલ હુમલાનો વીડીયો ‘ટીકટોક’ પર વાયરલ : ‘આ તો હજુ ભરવાડનું ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે ગીત થકી ધમકી અપાઈ

ભરવાડ સમાજના લોકો દ્વારા ધારાસભ્ય પર કરાયેલ હુમલાનો વીડીયો ઓડીયો મીક્ષ કરી કોઇ સંગ્રામ ભરવાડ ૦૭ નામના આઇડીથી ટીકટોક પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડીયોમાં અપલોડ એકાઉન્ડ સ્પષ્ટ જોઇ સકાય છે. વળી ૦૭ એટલે નડિયાદનો આરટીઓ કોડ છે. ત્યારે નડિયાદના જ કોઇ ટીખળખોર દ્વારા સંગ્રામ ભરવાડ નામના ઇસમનું આઇડી બનાવી આ વીડીયો અપલોડ કર્યો છે કે કેમ? તે દિશામાં પોલીસ તપાસ કરે તો સચોટ બાબત સપાટી પર આવી સકે તેમ છે. વળી વીડીયોમાં બોલ્ડ અક્ષરે ભરવાડ, ડાભી એવા શબ્દો પણ લખેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડીયો ભરવાડ સમાજને બદનામ કરવા બનાવાયો છ ેકે કેમ તે પમ તપાસનો વિષય છે.

ઠાસરાના કોંગ્રેસી ધારાસભ્ય પર થયેલ હુમલાનો વીડીયો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. પરંતુ કોઇ ટીખળખોર દ્વારા આ વીડીયો ટીકટોક પર ચઢાવી ‘આતો હજુ ટ્રેલર છે, પિક્ચર બાકી છે’ તેવુ ગીત જોડી દેતા ઠાસરાના ધારાસભ્ય ડરી ગયા છે. વીડીયો જોયા બાદ ધારાસભ્યએ ખેડા જિલ્લા એસપીને રજૂઆત કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

સોમવારે બપોરના સમયે ખેડા એસપી કચેરી પહોચેલા ઠાસરાના ધારાસભ્ય કાંતીભાઈ પરમારે જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ટીકટોક પર એક વીડીયો વાયરલ થયો છે, જેમાં નડિયાદ કોર્ટ બહાર તેમના પર થેયલ હુમલાવાળો વીડીયો મૂકવામાં આવ્યો છે, અને આની સાથે ઓડીયોમાં એવુ સંગીત વગાડવામાં આવ્યું છેકે ‘આતો હજુ ભરવાડનું ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે.’ ધારાસભ્યનું કહેવું છેકે વીડીયો જોયા બાદ એ સમજાતું નથી કે હજુ આ ભરવાડોને શું કરવુ છે? હજુ આગળ તેઓ શુ કરવા માંગે છે? આ વીડીયો કોઇ ધમકીના સ્વરૂપમાં તો નથી ને ? એમ વિચારી તેઓએ જિલ્લા પોલીસ વડાની મુલાકાત કરી હતી અને આ વીડીયો બનાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે. જોકે જિલ્લા એસપીએ ધારાસભ્ય પાસે લેખીત અરજી માંગતા ધારાસભ્યએ લેખીતમાં પણ રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, નડિયાદના-કપડવંજ રોડ પર કોર્ટ કચેરી અને એસપી બંગલા વચ્ચે જે રીતે ભરવાડો દ્વારા ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના વીડીયોએ સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા તમામ હુમલાખોરોને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક આરોપીઓને પાછળથી જામીન પણ મળ્યા છે. તેવા સંજોગોમાં હુમલાની ઘટનાના વીડીયોને ધમકીભર્યા ઓડીયો સાથે મીક્ષ કરી કોઇએ ટીખળ કરી છે કે પછી ખરેખર ધમકી આપવામાં આવી રહી છે તે તપાસનો વિષય છે.

એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ આ ભરવાડો શું કરવા માંગે છે તે ખબર પડતી નથી. આ વીડીયોમાં તે બોલે છે હજુ તો ટ્રેલર છે, પિક્ચર બાકી છે. તો આ લોકો કરવા શુ માંગે છે તે ખબર પડતી નથી. અમે અરજી આપી છે હવે પોલીસ તેની તપાસ કરશે.

30 ઓગસ્ટ 2019ના દિવસે શું થયું હતું

નડિયાદ શહેરના જિલ્લા ન્યાયાલય અને જિલ્લા પોલીસ અધિક્ષકના બંગલા વચ્ચે રોડ પર ઠાસરાના ધારાસભ્યની કાર પર તા. ૩૦ ઓગસ્ટના રોજ ખૂની હુમલો કરનાર નડિયાદના ભાજપના પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડ તેના પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી. કેસમાં કુલ પાંચ આરોપી પકડાયા હતા.

યાત્રાધામ ડાકોર ખાતે નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલી સર્વે નંબર ૯ર૧ વાળી જમીન બાબતે નડિયાદની કોર્ટમાં દાવો ચાલતો હતો. જે દાવા અનુસંધાને ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઇ પરમાર (રહે. વણોતી)તથા અન્ય વ્યક્તિઓ ઉપરોકત દાવાના કામે પ્રતિવાદી તરીકે હોય તા. ૩૦મી ઓગસ્ટના રોજ મુદતે નડિયાદની કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટનું કામ પૂર્ણ થયા બાદ તેઓ પોતાની કારમાં વિજયભાઇ ઝીલકા, અશોકભાઇ પટેલ તથા ડ્રાયવર રાકેશભાઇ સોલંકી સાથે પરત ડાકોર જવા નીકળ્યા હતા. તેઓની કાર કોર્ટ કમ્પાઉન્ડની બહાર આવ્યા બાદ ૧૦૦ મીટર દૂર ગઇ હતી ત્યાં જ અન્ય એક ઇસમે બાઇકને સ્લીપ ખવડાવી કારને રોકી હતી. આ વખતે નડિયાદના ભાનુ જોધાભાઇ ભરવાડ તથા અન્ય માણસોએ કારની તોડફોડ કરી કારમાં બેઠેલા વ્યક્તિઓને લાકડીઓથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ સંદર્ભે ધારાસભ્ય કાંતિભાઇ પરમારે નડિયાદ શહેર પોલીસ મથકે ભાનુ ભરવાડ સહિત નવ ઇસમો તથા અન્ય ૧પ જેટલા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાને ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે ફરાર પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ તેના પુત્ર નવઘણ ભરવાડ તથા પ્રકાશ મેઠીયા (પંજાબી)ને ધોળકાથી ઝડપી પાડયા હતા.

ભાનુ ભરવાડને ઘટના સ્થળે લઇને તપાસ કરી : જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસને બાતમીના આધારે હુમલાના મુખ્ય સૂત્રધાર ભાનુ જોધાભાઇ ભરવાડ, નવઘણ ઉર્ફે રાજેશ ભાનુભાઇ ભરવાડ તથા પ્રકાશ નારણભાઇ મેઠિયા(પંજાબી)ને મોટીબોરુ ખાતે આવેલ નાગા લાખા ઠાકરની ગાદીએથી ઝડપી પાડયા હતા. ત્રણેય આરોપીઓ એક ઓરડીમાં સંતાઇ ગયા હતા. આ ત્રણેય માથાભારે હુમલોખોરોએ કેવીરીતે ઘટનાને અંજામ આપ્યો તે બાબતની તપાસ અર્થે ઘટના સ્થળે, ભાનુભરવાડના ઘર સામે, પ્રગતિનગર પાછળ વી સ્કવેર રેસીડન્સી, વાણિયાવડ , કિડની હોસ્પિટલ , સંતરામ રોડ વિગેરે સ્થળ લઇ જવાયા હતા.

અપહરણ ને ખંડણીના કેસમાં આરોપી ભાનુ ભરવાડને ઉમરકેદની સજા થઇ છે

ચકલાસીના બટાકાના વેપારી ઉસ્માનગની વ્હોરા અને નડિયાદ કોલ્ડ સ્ટોરેજના ભાગીદારીના નાણાંની લેવડદેવડમાં બાબતે નડિયાદમાંથી તા. ૮ જુલાઇ ૨૦૦૨ના રોજ વેપારી અને તેના ભત્રીજાના અપહરણ અને ખંડણીના કેસમાં એપ્રિલ ૨૦૧૬માં નડિયાદની કોર્ટે આરોપી ભાનુ જોઘાભાઇ ભરવાડ સહિત ૧૨ આરોપીને આજીવનકેદની સજા ફટકારી હતી. ત્યારબાદ જામીન પર છૂટયા બાદ ભાનુ ભરવાડ રાજકીય પીઠબળ જોરના કારણે તા.૩૦મી ઓગસ્ટના રોજ ભરબપોરે ધારાસભ્ય કાન્તીભાઇ પરમાર પર હુમલો કરીને આંતક ફેલાવ્યો હતો.