ડાંગની ગૉલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડના સમાચારો

March 11th, 2018

ડાંગની ગૉલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ માટે થઇ પસંદગી

તાપીમિત્ર ન્યુઝ,આહવા:આગામી તા.૪ થી ૧પ એપ્રિલ, ૨૦૧૮ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતેના કરારા સ્ટેડિયમ ખાતે આયોજિત ૨૨મી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮ માટે ડાંગ જિલ્લાની ગોલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની, એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ૪X૪૦૦ મીટર રીલે દોડ માટે પસંદગી થતા, સમગ્ર ડાંગ, ગુજરાત અને ભારતભર માંથી તેણીને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
વિશ્વ આખુ જ્યારે તા.૮મી માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું હતું. ત્યારે પંજાબના પતિયાલા ખાતે એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની પસંદગી સમિતિ, ૧૧મી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની પસંદગી માટેનું મંથન કરી રહી હતી. લાંબી ચર્ચા વિચારણા, અને મનોમંથન બાદ પસંદગી સમિતિને ભારતના શ્રેષ્ઠ ૧૮ પુરૂષ ખેલાડીઓ, અને ૧૩ મહિલા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય લીધો છે. જેમાં ૪X૪૦૦ મીટર રીલે દોડમાં ડાંગની ગોલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની પણ પસંદગી થવા પામી છે.ગત દિવસોમાં ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતને બે ગોલ્ડ મૅડલ અપાવનારી કુ.સરીતા ગાયકવાડના કઠોર પરિશ્રમ, અને ઉત્કૃષ્ટ દેખાવને કારણે તેણીની કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮ માટે પસંદગી થવા પામી છે. જે ડાંગ જિલ્લા સહિત સમગ્ર દેશનું ગૌરવ છે. ઉલ્લેખનિય છે કે, કુ.સરીતા ગાયકવાડ આ અગાઉ અમેરીકા અને ઇન્ડોનેશિયા ખાતે જુદી જુદી ખેલ પ્રતિયોગિતામાં ભાગ લઇ ચુકી છે, અને આ તેની ત્રીજી વિદેશ યાત્રા છે. ગુજરાતની શક્તિદૂત પ્લેયર એવી સરીતા ગાયકવાડ રાજ્યની એવી પ્રથમ ખેલાડી છે, કે જેની કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી થઇ છે.ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે ડાંગની દિકરીની આ ઊંચી ઉડાન માટે તેણીને ભારતને વધુ એક સન્માન અપાવવા માટે આશીર્વાદ પાઠવ્યા છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના શ્રમજીવી પરિવારની આ દિકરી તેની મહેનત, અને લગન સાથે દેશ માટે દોડી રહી છે, તે સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે, તેમ કલેક્ટરશ્રીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.તા.૧રમી માર્ચે કુ.સરીતા ગાયકવાડ તેના બાકીના સાથી ખેલાડીઓ સાથે દિલ્હીથી ક્વિન્સલેન્ડ (ઓસ્ટ્રેલિયા) માટે ઉડાન ભરી રહી છે. ત્યારે તેણી ભારતને વધુ એક સ્વર્ણપદક અપાવે તે માટે આપણે સૌ સાથે મળીને તેણીને ઑલ ધ બેસ્ટ કહીએ. ઑલ ધ બેસ્ટ સરીતા.

April 10th, 2018

ડાંગની દિકરી કુ.સરિતા ગાયકવાડ કૉમનવેલ્થમાં ભારતને સ્વર્ણપદક અપાવવા માટે મેદાનમાં

વનરાજ પવાર,તાપીમિત્ર ન્યુઝ,આહવા:ઓસ્ટ્રેલિયાના ગૉલ્ડકોસ્ટ ખાતે ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલી ડાંગની દિકરી કુ.સરિતા ગાયકવાડ, સંભવતઃતા.૧૩/૧૪ એપ્રિલ, ૨૦૧૮નાં રોજ યોજાનારી ૪×૪૦૦ મીટર રીલે દોડમાં ભાગ લઇને, ભારતને સ્વર્ણપદક અપાવવા માટે થનગની રહી છે.

ઓસ્ટ્રેલિયા ખાતે કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગયેલા ભારતના ખેલાડીઓની સાથે ગૉલ્ડકોસ્ટ (ઓસ્ટ્રેલિયા) પહોંચેલી કુ.સરિતા ગાયકવાડ હાલમાં સધન તાલીમ સાથે તેના સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેની કાયાને કસી રહી છે.ઉલ્લેખનિય છે કે, ૪×૪૦૦ મીટર રીલે દોડમા કુ.સરિતા ગાયકવાડની સાથે કર્ણાટકાની દોડવીર પુવમા, આસામની હીમા, અને કોલકાત્તાની સોનિયા પણ ઇનફૉર દોડવીર તરીકે ભારતને ગોલ્ડ અપાવવા માટે દોડ લગાવી રહી છે.

July 6th, 2018

ડાંગ:ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ:ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:આગામી તા.૧૮ ઓગષ્ટ,૨૦૧૮ થી રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતિ,અને ભારતની ગૉલ્ડર્ન ગર્લ કુ.સરીતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી થતાં,સરીતા ગાયકવાડના ગામ એવા કરાડીઆંબા સહિત સમગ્ર ડાંગ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય,અને દેશભરમાંથી, સરીતા ગાયકવાડ ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસવા પામ્યો છે.

તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે સંપન્ન થયેલી ૫૮મી નેશનલ ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બાદ, ગત તા.૩૦મી જુન, ૨૦૧૮નાં રોજ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ સ્પર્ધા સહિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઇને, ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને જકાર્તા માટેની ટીકીટ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, કુ.સરીતા ગાયકવાડે આ નેશનલ કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લઇ, ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો.૪/૪૦૦ મીટર રીલેદોડમાં ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડ સાથે ભારતની દોડવીરો એવી એમ.આર.પુવમ્મા, સોન્યા વૈશ્ય, વિજયાકુમારી, વી.કે.વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પણ પસંદગી થવા પામી છે. જે પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઇન ફૉર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવશે.૫૮મી ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ૫૮:૦૧ સેકન્ડ સાથે ગુજરાત રાજ્ય માટે બ્રોન્ઝ મૅડલ મેળવનારી ડાંગની દિકરી કુ.સરીતા ગાયકવાડ આગામી તા.૯મી જુલાઇથી પોલેન્ડ (યુરોપ) ખાતે એશિયન ગેમ્સની ધનિષ્ઠ તાલીમ માટે જઇ રહી છે. જ્યાંથી તે સીધી ઇન્ડોનેશિયા માટે ઉડાન ભરી, જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર સહિત જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, પદાધિકારીઓ, મીડિયાકર્મીઓ, પ્રબુદ્ધ નાગરીકો, સરીતા ગાયકવાડના ચાહકો સૌએ, તેણી ભારતને વધુ એક સ્વર્ણપદક અપાવે તે માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. તો રાજ્ય સરકાર વતી ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે પણ સરીતા ગાયકવાડને શુભકામના પાઠવી છે.

July 24th, 2018

ડાંગ:ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ:ચેક રીપબ્લિક ખાતે આયોજિત ગ્રાન્ડ પ્રિક્સ કોમ્પિટિશનમાં ભારતને અપાવ્યો ૪૦૦ મીટર વિધ્નદોડમાં સ્વર્ણ પદક

તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગની દિકરી એવી ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડે ચેક રીપબ્લિક ખાતે આયોજિત ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા,તેની કારકિર્દીનો બેસ્ટ ટાઇમ ૫૭.૭૧ સેકન્ડ હાંસલ કરી,ભારતને સ્વર્ણ પદક અપાવવામાં સફળતા મેળવી છે.

એક ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યા અનુસાર કુ.સરીતા ગાયકવાડ હાલમાં યુરોપ (પોલેન્ડ) ખાતે એશિયન ગેમ્સની સધન તાલીમ લઇ રહી છે.જ્યાંથી ચેક રીપબ્લિક ખાતે આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લઇ,તેણીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી ભારતને ગૌરવ અપાવ્યું છે.ગૉલ્ડન ગર્લ કુ.સરીતા ગાયકવાડ આગામી માસમાં ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

August 31st, 2018

ડાંગની વનબંધુ કન્યા સરિતા ગાયકવાડને રાજ્ય સરકારનો રૂ.૧ કરોડનો પુરસ્કાર

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એશિયન ગેઇમ્સમાં રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગ જિલ્લાની વનબંધુ કન્યા સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત રૂ.૧ કરોડ આપવાની જાહેરાત કરી છે.તેમણે સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતા કહ્યું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલમહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે.

ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગ જિલ્લાની રહેવાસી સરિતા ગાયકવાડનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.ડાંગ જિલ્લાના એક પછાત પરિવાર માંથી આવી સરિતાએ અશિયન ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો હતો.અમદાવાદ એરપોર્ટ ખાતે સરિતાનું સ્વાગત કરવા માટે ઢોલ અને નગારા સાથે મોટી સંખ્યામાં અદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.મહત્વનું છે,કે એશિયન ગેમ્સ 2018માં 4×400 રિલે દોડમાં મહિલા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું ઇનામ આપવા માટેની જાહેરાત કરી હતી,સરિતા,અંકિતા રૈના,હરમિત દેસાઇ,માનવ ઠક્કર,અંશુલ કોઠારી,તથા એલાવેનિલ વાલરીવનનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી દરેક ખેલાડીનું સન્માન કરશે. એશિયન ગેમ્સ 2018માં સિંગલ્સ ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ટેનિસમાં સિંગલ્સમાં મેડલ જીતનારી તે સાનિયા મિર્ઝા બાદ ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી.રાજ્ય સરકાર દ્વારા અંકિતા રૈનાને રૂ.50 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે.ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનારા ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કરને પણ સરકારે રૂ.30 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

September 8th, 2018

આહવા ખાતે દબદબાભેર કુ. સરિતા ગાયકવાડની શોભાયાત્રા યોજાઇ

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ઇન્ડોનેશિયાના જકાર્તા યોજાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ૪/૪૦૦ મીટર રિલે દોડમાં ઇન ફૉર પ્લેયરમાં ગુજરાતના ડાંગ જિલ્લાની વનબંધુ દીકરી કુ.સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણચંદ્રક અપાવીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. જેના સન્માન માટે આજરોજ ડાંગ આહવા ખાતે એક શોભાયાત્રા યોજાઇ હતી જે આહવાના મુખ્યમાર્ગો પર ફરી સરિતા ગાયકવાડનું સન્માન કરવા ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા બાદ ડાંગ દરબાર હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે રમતગમત રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતાં કહ્યું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલમહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ એક પ્લેટફોર્મ બની ગયું છે.રાજય સરકાર દરવર્ષે ખેલમહાકુંભમાં રૂ. ૪૫ કરોડના ઇનામો આપીને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરી રહી છે.ખેલ મહાકુંભના માધ્યમ દ્વારા રાજ્ય સરકાર ખેલાડીઓને આનુષાંગિક તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે.સાપુતારા ખાતે તૈયાર થનાર એથ્લેટિકસ સિન્થેટિક ટ્રેકને કુ.સરિતા ગાયકવાડ નામ આપવાની જાહેરાત મંત્રીશ્રીએ કરી હતી.મંત્રીશ્રી પટેલે ઉર્મેયુ હતું કે,સાપુતારા રમત સંકુલ ખાતે રૂ. ૭ કરોડના ખર્ચે એથ્લેટિકસ સિન્થેટિક ટ્રેક,રૂ.૫કરોડના ખર્ચે હોકીગ્રાઉન્ડ,અઢી કરોડના ખર્ચે ઇન્ડોર હોલ સહિતની રૂ. ૧૫ કરોડથી વધુ રકમના ખર્ચે રમતગમતની સુવિધાઓ તૈયાર કરાશે.પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે,રાજય સરકારે ગ્રામીણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ અંતરીયાળ સ્તરે રહેલી ખેલ પ્રતિભાઓને બહાર લાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલ મહાકુંભના આયોજનની રાજ્યમાં શરૂઆત કરી હતી. પ્રતિવર્ષ યોજાતા આ ખેલ મહાકુંભના કારણે ગુજરાત આજે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું છે. ખેલમહાકુંભ થકી આજે દેશને કુ.સરિતા જેવી ખેલાડી મળી છે.
આ પ્રસંગે કુ. સરિતા ગાયકવાડે કહ્યું હતું કે, હું મુળ ‘ખો-ખો’ના પ્લેયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ખેલ મહાકુંભમાં દોડની રમતમાં વ્યક્તિગત રીતે ભાગ લઇ નસીબ અજમાવ્યું હતું. સરિતાએ માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ એક પછી એક ટુર્નામેન્ટ જીતતી ગઇ. તેણીએ આ તમામ સફળતાનો યશ રાજ્ય સરકારના ખેલ મહાકુંભને આપ્યો છે. તેણીએ આ તકે તમામનો હ્રદયપુર્વકનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સમાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ, જિલ્લાનું વહિવટીતંત્ર દ્વારા રૂ. ૯ લાખ જેવી માતબર રકમ કુ. સરિતા ગાયકવાડને આપીને સન્માનિત કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે શાબ્દિક સ્વાગત કર્યુ હતું તેમજ અભારવિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ કરી હતી.
આ અવસરે સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ધારાસભ્યશ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બીબીબેન ચૌધરી,નિવૃત અધિક મુખ્ય સચિવશ્રી એસ.કે.નંદા, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમાર,ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંભાઇ પટેલ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી સહિતના અધિકારીશ્રીઓ/પદાધિકારશ્રીઓ તેમજ મોટીસંખ્યામાંડાંગ જિલ્લાના નગરજનો ઉપસ્થિત રહી ડાંગની દિકરી કુ.સરિતા ગાયકવાડનું સન્માન કર્યુ હતું.

ડાંગ જીલ્લાનું ગૌરવ:સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ડાંગ જીલ્લાની યુવતી સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.આ મેડલ તેણે ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યો છે.સરિતાની આ જીતથી તેના પરિવાર અને ડાંગમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે.૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેકન્ડમાં પુર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ઉલ્લેખનીય છે કે,શારદા ફાઉન્ડેશને સરિતાને દતક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો.પિતા ખેત મજૂર અને એક નાની બહેન ઘરકામ મદદરૂપ બનતી આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સમાજની સાથે સાથે જોડાયેલા તમામનું નામ રોશન કર્યું છે.કોલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો.જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી.ત્યાર બાદ કર્ણાટકમાં ઓલ ઈન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી.જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડમિશન થયું હતું.અને નેશનલ પ્લેયર બની હતી.ત્યારબાદ સરિતાએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી.છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે.હજી ૧૦૦ અને ૪૦૦ મીટરની સ્પર્ધા બાકી છે જેમાં પણ સરિતા ગોલ્ડ મેડલ લઈ આવશે તેવી આશા છે.