સુઇગામ, તા.૧૭
સુઇગામના ડાભી ગામે સોમવારે ચેકીંગમા ગયેલી યુજીવીસીએલની ટીમ ગામના સરપંચના ઘરે થતી વિજ ચોરીના ચેકીંગ કરવા પહોચી તો સરપંચ સહિત એક શખ્સ અને એક મહીલાએ યુજીવીસીએલના ઇજનેર સહીત ટીમને મારમારી ઘરમાં હાજર મહીલા સાથે હાથ પકડાવી ફોટા પાડી ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપતા ઇજનેરએ સુઇગામ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.
સુઇગામની યુજીવીસીએલની સબ ડીવીઝન કચેરીમા જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતા નિરજકુમાર વસાવા તેમની સાથે લાઇન ઇન્સ્પેકટર ઇબાદુલ્લા ઘાંચી અને ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ પોપટભાઇ મકવાણા સાથે ગાડીમા સુઇગામના સોનેથ, મોરવાડા અને ડાભી ગામે વિજ ગ્રાહકો ચેક કરવા ગયા હતા. જો કે મોરવાડા અને સોનેથ ગામે ચેકીંગ કર્યા બાદ ડાભી ગામે પહોચ્યા તો એક મકાનમા વિજ ચોરી થતી હોવાની શંકા જતા ચેકીંગ કરવા પહોચ્યા તો વિજ ચોરી થતી હતી. જેનુ ઇજનેરે મોબાઇલમા વિડીયો શુટીંગ કરી કાગળ કામ કરવા બેઠા હતા.
દરમિયાન ઘરમા હાજર શખ્સે હુ ગામનો સરપંચ દાનસંગભાઇ બ્રાહ્મણ છુ, તેવુ કહી ઇજનેરને કોલરથી પકડી ચેકીંગ શીટ તેમજ મોબાઇલ લઇ મોબાઇલમા કરેલુ રેકોર્ડીંગ ડીલીટ કરી અપશબ્દો બોલી ઘરમાં હાજર મહીલા પાસે ઇજનેર તેમજ લાઇન ઇસ્પેક્ટરનો હાથ પકડાવી ફોટા પાડ્યા હતા. ફોટા વાયરલ કરી દેવાની ધમકીઓ આપી ઘરમાં જ પુરી રાખી આ વિજ ચોરી બાબતે કઇ પણ કરશો તો સુઇગામ ઓફીસમા આવી મારમારવાની ધમકીઓ આપી હતી. જે બાબતે ઇજનેરે સિનિયર ઓફીસરને જાણ કરી મંગળવારે સુઇગામ પોલીસ મથકે ડાભી ગામના સરપંચ દાનસંગભાઇ બ્રાહ્મણ સહીત અજાણ્યા એક શખ્સ અને અજાણી મહીલા સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.