ગાંધીનગર, તા. 01
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આજથી ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ નોંધણી સમયે સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતો જ્યારે પોતાની નોંધણી કરાવવા ગયા ત્યારે અનેક ઠેકાણેથી ખેડૂતોને નોંધણીમાં તકલીફો પડી હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને સરકારના નોંધણી માટેની વેબસાઈટનું સર્વર જ ડાઉન થઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. સરકાર દ્વારા 11 માર્કેટિંગ યાર્ડમાં નોંધણી શરૂ કરવામાં આવી છે. આ નોંધણીની પ્રક્રિયા 31મી ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ 1 નવેમ્બરથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે.
નોંધણીની પ્રક્રિયામાં લાંબી લાઈનો
સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોંધણી કરાવવા માટે સૌરાષ્ટ્રના ઘણાં માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે મોડી રાતથી જ ખેડૂતો લાઈન લગાવવા માંડ્યા હતા. જ્યાં સરકાર દ્વારા આ ખેડૂતો માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં નહિ આવી હોવાની ફરિયાદ સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સમક્ષ કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવી શક્યો નહોતો. ત્યારે આજે સવારે લગભગ 9.30 વાગે નોંધણીની પ્રક્રિયા શરૂ થતાં જ કનેક્ટિવિટીની સમસ્યા ઊભી થઈ હતી અને પ્રક્રિયા શરૂ થઈ શકી નહોતી. અને લગભગ આ પ્રક્રિયા આજે બપોરે 12 વાગ્યા બાદ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતોની માગણી
મગફળીનો પાક લેનારા ખેડૂતોએ એવી માગણી કરી છે કે, સરકારે આ વર્ષે ટેકાનો ભાવ રૂ. 1018 નક્કી કર્યો છે. જે ગત વર્ષે પ્રતિમણ રૂ. 1000 હતો. સરકારે માત્ર સામાન્ય વધારો કર્યો છે ત્યારે ટેકાના ભાવ રૂ. 1500 પ્રતિમણ રાખવા જોઈએ.
કિસાન કોંગ્રેસનો આરોપ
મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ આજથી થયો છે અને નોંધણીમાં પહેલા જ દિવસે સર્વર ડાઉન થઈ જવાના કારણે જે હાલાકી પડી છે તેને લઈને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આરોપ લગાવ્યો હતો કે, ડિજિટલ ઈન્ડિયાની મોટી મોટી વાતો કરતી રાજ્ય સરકારના સર્વર જ કામ કરતા નથી ત્યારે ખેડૂતોને જે પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે સરકારે પહેલા પોતાને ડિજિટલ ઈન્ડિયા માટે મજબૂત કનેક્ટિવિટી લાવ્યા પછી આ પ્રકારની કામગીરી શરૂ કરાવવી જોઈએ. તેઓ કહે છે કે, સરકારે જે રીતે ટેકાના ભાવ જાહેર કર્યા છે તે ખેડૂતોને મોટું નુકસાન કરશે. કેમ કે ગત વર્ષની સરખામણીએ માત્ર નજીવો વધારો મણદીઠ છે. આટલું ઓછું હોય એમ સરકારે એવી પણ જાહેરાત કરી છે કે પ્રથમ રાઉન્ડમાં ખેડૂતદીઠ ઓછામાં ઓછી 125 મણ મગફળી ખરીદવામાં આવશે પરંતુ આ વર્ષે સમગ્ર રાજ્યમાં અંદાજે 15.74 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે સરકારે આ મામલે પણ ફેરવિચારણા કરવી જોઈએ.
નોંધણી પ્રક્રિયાના કર્મચારીઓમાં અણઆવડત
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી અને નોંધણીનું કામ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજથી શરૂ થયેલી નોંધણીની પ્રક્રિયામાં નિગમના જે કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે તેમાં મોટાભાગના લોકોની અણઆવડત સામે આવી છે. જેના કારણે પણ ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે. જે કર્મચારીઓને નોંધણીની કામગીરી સોંપાઈ છે તેમને યોગ્ય રીતે તાલીમ નહિ આપી હોવાની ફરિયાદ પણ નોંધણી માટે આવેલા ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આટલું ઓછું હોય એમ શરૂઆતમાં જેટલા ખેડૂતો આવ્યા હતા તેમના વિવિધ દસ્તાવેજો કર્મચારીઓ દ્વારા લઈ લેવામાં આવ્યા હતા અને નોંધણી કરીને પછી આપને બોલાવીશું એમ કહેતાં કેટલાંક માર્કેટિંગ યાર્ડ પર મામલો બિચક્યો હતો. આ સંજોગોમાં જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા આ કામગીરીની દેખરેખ રાખવામાં આવતી હોવાના કારણે તેમણે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.