ડિપ્લોમાં એન્જિનિયરીંગની સ્વનિર્ભર કોલેજોમાં 20 હજાર બેઠકો ખાલી રહેવાની સંભાવના

અમદાવાદ,તા.5

ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વનિર્ભર કોલેજોમાં ખાલી પડેલી અંદાજે ૩૦ હજાર જેટલી બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવ્યા બાદ કોલેજોએ જે તે વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને હાલમાં ફાઇલો પ્રવેશ સમિતિને સુપ્રત કરવાનુ શરૂ કરી દીધુ છે. ફાઇલ સુપ્રત કરવાનો આજે છેલ્લો દિવસ છે. આમ છતાં આજે કુલ ૭ હજાર જેટલી બેઠકો ભરાઇ ગઇ હોવાની વિગતો જુદી જુદી કોલેજોએ પ્રવેશ સમિતને આપી હતી. આવતીકાલે વધુ ૩ હજારથી વધારે બેઠકો ભરાઇ તેવી શકયતાં છે. આમ, કુલ ૩૦ હજારમાંથી ૧૦ હજાર બેઠકો ભરાતા અંદાજે ૨૦ હજાર બેઠકો ખાલી રહેશે

સરકારી કોલેજોની બેઠકો માટે હવે કોઈ કાર્યવાહી નહી

ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં ચાલુ વર્ષે મેનેજમેન્ટ કવોટા સહિત કુલ ૬૭ હજાર જેટલી બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચાલુ વર્ષે આર્થિક અનામત લાગુ કરવામાં આવતાં અંદાજે ૯ હજાર જેટલી બેઠકોનો વધાર થયો હતો. પ્રવેશના ત્રણ રાઉન્ડ પૂર્ણ કર્યા પછી સરકારી કોલેજોમાં ૯ હજારથી વધારે બેઠકો ખાલી પડતાં તેના માટે નવેસરથી કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે સરકારી કોલેજ માટેના છેલ્લા રાઉન્ડમાં અંદાજ ૫૦૦થી ‌વધારે બેઠકો ભરાતા ૮૫૦૦ બેઠકો ખાલી પડી હતી. સરકારી કોલેજોની બેઠકો માટે હવે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી. સ્વનિર્ભર કોલેજોમાં પણ ૩૦ હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. પ્રવેશ સમિતિ દ્વારા આ ખાલી બેઠકો ભરવાની સત્તા કોલેજોને સોંપી દેવામાં આવી હતી. સંચાલકોએ આ બેઠકો પોતાની રીત ભરીને તા.૬ સુધીમાં ફાઇલો સમિતિને સુપ્રત કરવાની હતી. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે આજે દિવસ દરમિયાન જે કોલેજોએ ફાઇલો સુપ્રત કરાવી તેમાં ૭ હજારથી વધારે બેઠકો ભરાઇ ચુકી છે. હજુ કેટલીક ફાઇલો સુપ્રત થવાની હોવાથી સ્વનિર્ભર કોલેજોની અંદાજે ૧૦ હજાર બેઠકો ભરાઇ તેવી શકયતાં છે. ગતવર્ષે અંદાજે ૨૨ હજાર બેઠકો ખાલી પડી હતી. આ વખતે આર્થિક અનામતના કારણે જ ૯ હજાર બેઠકો વધતાં ખાલી બેઠકોને આંકડો ૨૮ હજારથી વધશે.