અમદાવાદ, તા. 29
ગુજરાત આખામાં ચર્ચાસ્પદ બનેલા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ છેલ્લાં બે દિવસથી ફરાર હોવાનાં અહેવાલો આવ્યા બાદ આજે તેમનો ફોટો બહાર આવ્યો છે. અને સાથે સાથે તેમનું મતદાર ઓળખપત્રની નકલ પણ ફરતી થઈ છે. ત્યારે તેમનાં કેટલાંક ભક્તો ઢબુડી માતાના બચાવમાં મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા અને એવું કહ્યું હતું કે ઢબુડી માતા ભાગી નથી ગયા પરંતુ તેઓ આરાધનામાં હશે એટલે બહાર નથી આવતા.
ઢબુડી માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે!!
ભક્તોએ યોજેલી પત્રકાર પરિષદમાં ઢબુડી માતા પર થયેલા આરોપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે. અને તેનાં પુરાવા પણ છે. ઢબુડી માતાનાં એક ભક્તે કહ્યું કે, તમામ લોકો માતા વિશે બોલે છે તે સાંભળીને મને દુઃખ થાય છે. કેન્સરનું નિરાકરણ લાવ્યાના ચમત્કાર પણ માતાએ બતાવ્યા છે. માતા વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. માતા ભાગી નથી ગયા. માતા તેમના નિવાસ સ્થાને જ છે. એ આવશે જ અમને વિશ્વાસ છે. માતાજી હજી પણ સામે આવશે, અને તમામ સવાલોના જવાબ આપશે. એવું પણ બને કે તેઓ આરાધના કરવા બેઠા હોય.
માતા ચમત્કાર કરે છે!
ભક્તોએ માતાના ચમત્કાર કર્યા હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, માતા ચમત્કાર કરે છે. માતા કોઈ મહિલાને ન જોઈ શકે એટલા માથે ઘૂંઘટ આગળ રાખે છે. જેને માનવું હોય એ માને, ન માનવુ હોય એ ન માને. પત્રકારો સમક્ષ ભક્તોએ ઢબુડી માતા દ્વારા પોતાને થયેલા ચમત્કાર પણ કહી બતાવ્યા હતા. એક ભક્તે જણાવ્યું હતું કે, માતાના આશીર્વાદથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તો બીજાએ કહ્યું કે, માતાના આર્શીવાદથી અઢી વર્ષની મારી બીમારી દૂર થઈ હતી.