તંત્રને સદબુધ્ધિ આવે તે માટે કોંગ્રેસે હવન અને ચક્કાજામ કર્યો

રાજકોટ, તા., ૧૪:  રાજકોટના રાજમાર્ગો જર્જરીત થઇ ગયા છે. છતાં તેના સમારકામ માટે ભાજપના શાસકો કુંભકર્ણની નીદ્રામાં પોઢી રહ્યાં છે.સત્તાધિશોને સદબુધ્ધિ મળે તે માટે શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટના તમામ વોર્ડમાં હવનનો કાર્યક્રમ તથા રસ્તા પર ચક્કાજામનાં કાર્યક્રમો યોજ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.  પોલીસે કોંગ્રેસના કાર્યરકરોની ટીંગાટોળી કરી અને ૧૨૫ થી વધુ કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને રાજકોટ  મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયાએ  રોષ સાથે જણાવ્યું હતું  કે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા  પ્રીમોન્સૂન કામગીરી કરવાની અણઆવડતને કારણે આજે રાજકોટવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. તમણે કહ્યું હતુંકે  રાજકોટની જનતાને સારા રોડ રસ્તા, પુરતી ગટર વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની સમસ્યાઓ બાબતે તંત્રએ ખુબજ લાપરવાહી દાખવી છે અને  શાસકો માત્રને માત્ર ફોટા પડાવવા અને પ્રચાર પ્રસાર કરવા સિવાય કશું જ કરતાં નથી. તેમણે આગળ ઉમેરતાં કહ્યું હતુંકે  શહેરની જનતા હાલ આ નાનામોટા પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે મનપાનું તંત્ર વીવીઆઈપીઓની સેવા માંથી ફુરસદ કાઢી પોતાની પરસેવાની કમાણીથી ટેકસ ભરતી પ્રજાની સેવા કરે .