તીડના ટોળા ગાંધીનગર તરફ ધસી રહ્યાં છે

ગુજરાતમાં તીડનું આક્રમણ બહુ ખતરજનક અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી ૧૦ દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ ૧૫૦ કિમી સુધી આવી ગયું છે.

હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર ૧૦૦ કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શકે તેવી દહેશત હોઇ ખેડૂતોની સાથે સાથે હવે સરકારી તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે. રાજસ્થાનના ભાટડીથી શરૂ થયેલું તીડનું આક્રમણ ગુજરાતના ત્રણ જિલ્લા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક ગામોના લાખો હેક્ટર ખેતીને નુકસાન કરીને આગળ વધી રહ્યું છે.

જેના કારણે ખેડૂતો પર વધુ એક આફત આવી છે. ખાસ કરીને તીડના આક્રમણના કારણે લાખો હેક્ટરમાં ફેલાયેલા એરંડા, રાયડો, કપાસ, ઘઉ, વરિયાલી સહિતના પાકોને નુકસાન થયું છે.

તીડના આક્રમણથી બનાસકાંઠાના ૯ તાલુકાના ૭૭ ગામ પ્રભાવિત છે. છેલ્લા ૧૦ દિવસથી કરોડોની સંખ્યામાં તીડ ગુજરાતના ત્રણ જિલ્લાના અનેક ગામોમાં નુકસાન કરી રહ્યાં છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેડુતો પોતપોતાના ખેતરમાં જઇ ઘર કામના વાસણો વગાડીને અને ધૂમાડો કરીને તીડને ભગાડવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ તેમછતાં તીડનું આક્રમણ સતત જારી રહેતાં તંત્રની સાથે સાથે ખેડૂતો ચિંતામાં ગરકાવ બન્યા છે અને તીડના આક્રમણને નાથવા તાત્કાલિક અસરકારક પગલાં લેવા માંગણી કરી રહ્યા છે.
ભરડવા, સુઇગામ, જલોયા, લીંબુણી, માધપુરા, મસાલી, બોરું અને દુદોસણ ગામોમાં તીડોના ઝુંડે આક્રમણ કરતાં ખેતીપાકોને ભારે નુકશાન થયું હતું. તીડનું એક ઝુંડ બોરું, દુદોસણની સીમમાં રાત્રી રોકાણ બાદ સવારે પરત ફરતાં સુઇગામના ડાભી, ડુંગળા, હરસડ, નવાપુરા, મોરવાડા, ઘરેચાણા, ગરામડી, ઉચોસણ,દુધવા, લીંબુણી, જોરાવરગઢ, રાજપુરા, સહિતના 15 કી.મી.થી વધુ ઘેરાવાના ગામોમાં સર્વત્ર ફેલાઈ ખેતીપાકોમાં ઘુસી જતાં મોટા પ્રમાણમાં જીરું, એરંડા, રાયડો, ઘઉં સહિતના પાકોનો સફાયો થયો છે. જ્યારે બીજું એક ઝુંડ ભરડવા તરફથી કોરેટી, મમાણા, કાણોઠી, મોતીપુરા, બેણપ, ચાળા, ધનાણાં, સેડવ, કુંભારખા, ખડોલ તરફ ફરી વળ્યો હતો.