૧૯૪૭ના વર્ષમાં અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ભાવિ ધુંધળુ બની ગયુ છે.એક મહીના અગાઉ ત્રણસો નવી સીએનજી બસો ખરીદવા બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ટેન્ડર રદ કરી દેવુ પડયુ છે.દરમિયાન એએમટી એસ ની માલિકીની વધુ સો બસ પણ ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવામાં આવી છે.એક મહીનામાં જો કોઈ નકકર આયોજન નહી કરવામાં આવે તો એએમટીએસને તાળા વાગી જશે એ નિશ્ચિત છે.
આ અંગે મળતી માહીતી અનુસાર,એક સમયે ૨૫ લાખનો વકરો લાવી આપતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ શાસકોની દુરંદેશી દ્રષ્ટી અને તંત્રના અણઘડ આયોજનના કારણે આજે ૨૮૦૦ કરોડથી પણ વધુના જંગી આર્થિક બોજા નીચે કચડાઈ જવા પામી છે.આ તરફ એએમટીએસના ચેરમેન અતુલ ચીમનલાલ ભાવસારના અધ્યક્ષ પદ હેઠળ દિવાળી પહેલા મળેલી એએમટીએસની બોર્ડ બેઠકમાં નવી ૩૦૦ સીએનજી બસો ખરીદવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.
આ તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષ અમુલ ભટ્ટની અધ્યક્ષતામાં પણ દિવાળી અગાઉ સમિતિની મળેલી બેઠકમાં ૩૦૦ ઈ-બસ આવે એ પહેલા ત્રણસો સીએનજી બસો ખરીદવા અંગે સ્થાયી સમિતિમાં પણ ચર્ચા થવા પામી હતી.દરમિયાન એએમટીએસ દ્વારા દિવાળી પહેલા ત્રણસો નવી સીએનજી બસો ખરીદવા અંગે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.એમાં એક માત્ર એક ટ્રાન્સપોર્ટર દ્વારા રસ દાખવવામાં આવ્યો હતો.આ સિવાય અન્ય કોઈ મોટા ઓફરદારો દ્વારા બીડમાં રસ બતાવવામાં ન આવતા એએમટીએસ દ્વારા બહાર પાડવામાં આવેલુ ટેન્ડર ખુદ એએમટીએસને જ રદ કરી દેવાની ફરજ પડી હોવાનુ સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પ્રદૂષણ નિયંત્રિત કરવા અપનાવવામાં આવેલી કડક નતિના કારણે એએમટીએસને જે પ્રમાણેના સ્પેશીફીકેશન મુજબની ત્રણસો સીએનજી બસો જાઈએ છે એ પ્રમાણેના સ્પેરપાર્ટસ પણ મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા ઉત્પાદન કરવાનુ બંધ કરી દેવામાં આવ્યુ છે.આ તરફ જાન્યુઆરી-૨૦૨૦થી દેશભરમાં યુરો-સિકસ મોડલના વાહનોનુ જ ઉત્પાદન કરવા કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે.
આ પરિસ્થિતિમાં એએમટીએસની માલિકીની રહેલી ૧૩૧ બસોમાંથી ૩૧ બસો સ્ક્રેપમાં હોઈ બાકીની સો બસો પણ એએમટીએસ દ્વારા ખાનગી ઓપરેટરોને હવાલે કરી દેવાઈ છે.હાલ છ ઓપરેટરો દ્વારા શહેરમાં છસો બસો દોડાવવામાં આવી રહી છે.એક ખાનગી ઓપરેટરના કહેવા પ્રમાણે જો અમપા તંત્ર અને શાસક ભાજપ એક મહીનાની અંદર ગંભીરતાથી આ અંગે વિચારણા નહી કરે તો આવનારા સમયમાં એએમટીએસને કાયમ માટે બંધ કરવી પડશે.