થરાદમાં નર્મદાના પાણી આપવા માટે રજૂઆત કરાઈ

થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓએ બુધવારે નાયબ કલેકટર કચેરીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ વખતે ચોમાસામાં અપુરતો અને અનિયમિત વરસાદ છે. માટે ચોમાસાનું વાવેતર અમુક વિસ્તારોમાં થયું નથી અને અમુક વિસ્તારોમાં ખેડૂતોએ કરેલા વાવેતર પાણી વગર સુકાઈ રહ્યો હોય ખેડૂતને પાણીની તાતી જરૂરિયાત છે. થરાદ વિસ્તારમાં રાજ્ય સરકારની કરોડોના ખર્ચે તૈયાર થયેલી મહત્વાકાંક્ષી કાચી નહેર સુજલામ સુફલામ નીકળે છે.

જેનો ઉદ્દેશ ચોમાસામાં નહેરને પાણીથી ભરીને ખેડૂતોને ખેતી માટે સિંચાઇનું પાણી આપવા અને ભૂગર્ભજળને સમૃદ્ધ બનાવીને પાણીના તળ ઊંચા આવે એવો હતો, પરંતુ આ નહેર છેલ્લા ઘણા વર્ષોથી તૈયાર હોવા છતાં પણ તેમાં પાણી બાબતે વારંવાર માગણી છતાં આપવામાં આવતું નથી. પાણી આપવા બાબતે સરકાર તરફથી ઠાગાઠૈયા કરવામાં આવે છે.

આ વર્ષ ખેડૂતો માટે દુષ્કાળગ્રસ્ત અને પારાવાર મુશ્કેલી વાળું છે. હાલના તબક્કે નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે ખેડૂતોના ઊભા મોલને બચાવવા માટે છે. આથી નર્મદા કમાન્ડ એરિયા ખેડૂતોની જેટલી ચિંતા સરકારને છે તેટલી અમારી પણ ચિંતા કરીને સુજલામ-સુફલામ નહેરમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવા માટે ખેડૂતો વતી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ નમ્ર વિનંતી કરી હતી. જો આગામી દિવસોમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો સાથે મળીને આંદોલન કરવાની ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકી, કોંગ્રેસ અગ્રણી ડિ.ડિ.રાજપૂત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી માંગીલાલ પટેલ, યુથ પ્રમુખ પ્રધાનજી ઠાકોર, મૂળરાજસિંહ વાઘેલા, બચુશા બનવા, પ્રધાનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેકટર કચેરીના કર્મચારીએ આવેદનપત્ર સ્વીકારી ઉચ્ચસ્તરે મોકલી અપાશે તેમ જણાવ્યું હતું.