થોળ તળાવમાં ફ્લેમિંગો અને ગુલાબી પેણનું આકર્ષણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતુ કડીનું થોળ તળાવ છેલ્લા બે માસથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓથી ઊભરાઈ રહ્યું છે. સાત કિમીની ત્રિજ્યામાં ફેલાયેલુ આ તળાવ વર્ષોથી યાયાવર પક્ષીઓને આકર્ષતું રહ્યું છે. નવેમ્બર મહિનાથી આ તળાવ ખાતે ઉમટી પડતા વિદેશી પક્ષીઓ છેક માર્ચના અંત સુધી અહીં રોકાણ કરે છે. હાલમાં આ તળાવ પક્ષીઓના કલરવથી ગૂંજી ઉઠતાં રોજના હજારો લોકો આ તળાવની મુલાકાત લઈ રહ્યા છે.
ગુજરાતનું શિયાળાનું વાતાવરણ વર્ષોથી વિદેશી પક્ષીઓમાં પ્રિય રહ્યુ છે. આ કારણે ન્યુઝિલેન્ડ અને યુરોપના દેશોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા આવે છે. જો કે, વિદેશી પક્ષીઓને બેટવાળા સ્થળો વધુ પસંદ હોવાથી આ પક્ષીઓમાં કડીનું થોળ તળાવ મહત્વનું આશ્રયસ્થાન બની રહ્યું છે. આ પક્ષીઓ શિયાળાના ચાર મહિના અહીં જ ગાળે છે. અને માર્ચના અંત સુધી આ પક્ષીઓ આ તળાવ ખાતે જ રોકાણ કરે છે. આ વર્ષે એક અંદાજ મુજબ ૬૦ હજાર કરતાં વધારે વિદેશી પક્ષીઓ થોળ તળાવના મહેમાન બન્યા છે.
પક્ષીઓના આગમનની સાથે-સાથે દર વર્ષે અહી મોટી સહેલાણીઓ પણ ઉમટી પડે છે. અને વિદેશી પક્ષીઓને નિહાળવાનો લ્હાવો લે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં થોળ તળાવ ખાતે આવતા વિદેશી પક્ષીઓની સંખ્યા ઘટી છે. અને તેનું કારણ તળાવ ઉંડા કરવાની કામગીરી જવાબદાર છે. વિદેશી પક્ષીઓ તેવા જ સ્થળે આશ્રય લે છે, જ્યાં બેટ વધુ હોય. પણ વર્તમાન સમયમાં તળાવો ઉંડા કરવાની ચાલી રહેલી કામગીરીને કારણે આ પક્ષીઓની સંખ્યા ઉપર પણ અસર પડી રહી છે.
યાયાવર પક્ષીઓ આપણા મહેમાન બને તે ગુજરાત માટે ગૌરવની વાત છે. પણ વર્તમાન સમયમાં માનવીની વધતી જતી સ્વાર્થ લોલુપતાને કારણે ક્યાંકને ક્યાંક આ પક્ષીઓને જોઈતા કુદરતી વાતાવરણને પણ ફટકો પડ્યો છે. ત્યારે આવનારા ભવિષ્યમાં કદાચ યાયાવર પક્ષીઓના ચિત્રો જોઈને જ મન વાળવું પડે તો નવાઈ નહિ.