અમદાવાદ, તા. 22
ગુજરાત અને મુંબઈને જોડતો બૂલેટ ટ્રેનનો રૂટ આગામી વર્ષોમાં દરિયામાં ડૂબી જાય એવો એક અહેવાલ તાજેતરમાં જ બહાર આવ્યો છે. આ અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં થઈ રહેલાં ક્લાઈમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનાં કારણે દરિયાની સપાટી વધી રહી છે અને તે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં દરિયાઈ સપાટી વધવાના કારણે વડાપ્રધાનના સ્વપ્નસમાન બૂલેટ ટ્રેનને મોટું ગ્રહણ લાગી શકે એમ છે.
હૈદરાબાદ સ્થિત એક વૈજ્ઞાનિકે તૈયાર કરેલા ક્લાઈમેટ ચેન્જ આધારિત એક અહેવાલમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, જે રીતે ક્લાઈમેટ ચેન્જને કારણે સમગ્ર વિશ્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આગામી વર્ષોમાં દેશના દરિયા કિનારે વસતા ઘણા શહેરો દરિયામાં ગરકાવ થવાની શક્યતાઓ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુ મહત્વાકાંક્ષી બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટનો ઘણો રૂટ દરિયામાં સમાઈ જાય એવી શક્યતા રહેલી છે. તેને જોતાં આ ટ્રેન શરૂ થશે તો પણ બહુ લાંબો સમય નહિ ટકી શકે એવો ખતરો અત્યારથી જ મંડરાઈ રહ્યો છે.
બૂલેટ ટ્રેનને દરિયો ડૂબાડી દેશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે અમદાવાદના સાબરમતી ખાતે બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું. આ ખાતમુહૂર્ત બાદ અનેક પ્રકારના વિવાદો ઊભા થયા છે. તેમ છતાં બૂલેટ ટ્રેન માટેની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. પરંતુ હૈદરાબાદ સ્થિત એન્વાયરન્મેન્ટલ એન્જિનિયર સાગર ધારાએ એક અહેવાલ તૈયાર કર્યો છે જેમાં ક્લાઈમેટ ચેન્જની અસરના કારણે બૂલેટ ટ્રેનના રૂટની આસપાસના દરિયાના કારણે આ પ્રોજેક્ટ દરિયામાં જવાની શક્યતાઓ હોવા છતાં સરકારે આ અહેવાલને નજર અંદાજ કર્યો છે.
ગરમીથી દરિયા પરની અસર જોખમી બનશે
અહેવાલ પર નજર કરીએ તો જો 2 ડિગ્રી સેન્ટિગ્રેડથી ગરમી વધે તો તેનાં કારણે સુરત અને તેની પછીનાં વિસ્તાર જે દરિયાની નજીક આવે છે તેમાં દરિયાની સપાટી વધશે જેના કારણે વલસાડ, વાપી, પાલઘર, મુંબઈના રૂટમાં આવતા વિસ્તારોમાં દરિયાની સપાટી વધશે અને તેના કારણે બૂલેટ ટ્રેનને માઠી અસર પડશે. જો 4 ડિગ્રી સેન્ટિગ્રેડથી ગરમી વધે અને ગ્લેશિયર પીગળે તો તેના લીધે આ રૂટમાં આવતા તમામ વિસ્તારો દરિયામાં સંપૂર્ણપણે ડૂબી જાય એવી શક્યતાઓ નકારી શકાય નહિ.
ક્લાઈમેટ ચેન્જનો અહેવાલ શું કહે છે?
સમગ્ર વિશ્વમાં અત્યારે ક્લાઈમેટ ચેન્જની ચૂંગાલમાં ફસાયું છે. જેના કારણે વિશ્વભરમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેનાં કારણે ગ્લેશિયર સતત પીગળી રહ્યા છે. અને આ મામલે જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સના એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે જેમાં સ્પષ્ટ કહ્યું છે કે, વધતી ગરમીના કારણે દરિયાની સપાટી પણ વધી રહી છે અને તેના લીધે ભારતના દરિયા કિનારે વસતા 89 વિસ્તારો પૈકી 78 વિસ્તારો દરિયામાં ગરકાવ થઈ જશે. જિઓફિઝિકલ રિસર્ચની આ સ્ટડીમાં ગાંધીનગર સ્થિત આઈઆઈટીના હૈદર અલી અને વિમલ મિશ્રા પણ જોડાયા હતા. આ સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જે રીતે વિશ્વમાં તાપમાનનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે આવનારા દિવસોમાં દેશના દરિયાકાંઠાના વિસ્તારો નામશેષ થઈ જશે. અને આગામી દિવસોમાં દરિયાની સપાટીમાં સતત વધારો થશે અને તેના પરિણામે દરિયા કિનારાની આસપાસના વિસ્તારો પણ દરિયામાં સમાઈ જાય એવી સંભાવના રહેલી છે.
મેન્ગ્રૂવ્ઝ કાપી નાંખવાના કારણે દરિયો આગળ આવે છે
દરિયાની વધી રહેલી સપાટી ખરેખર ચિંતાજનક હોવાનું પર્યાવરણવિદ્દ મહેશ પંડ્યા માને છે. તેમના કહેવા પ્રમાણે દર વર્ષે દરિયો 3 એમએમ વધી રહ્યો છે. એટલે સો વર્ષમાં દરિયાની આસપાસના 40 ટકા વિસ્તારો દરિયામાં ડૂબી જશે. આ અંગે કારણ આપતા તેઓ ઉમેરે છે કે, જે રીતે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે અને સાથે સાથે દરિયા કિનારાનું પ્રોટેક્શન કરતા મેન્ગ્રૂવ્ઝ વિકાસના નામે આડેધડ કપાઈ રહ્યા છે તે છે. મેન્ગ્રૂવ્ઝ દરિયાને સામાન્ય રીતે આગળ વધતો અટકાવે છે. પરંતુ રાજ્ય સરકાર વિકાસના નામે મેન્ગ્રૂવ્ઝને કાપી રહી છે અને તેના કારણે દરિયાનું પાણી નજીકના વિસ્તારોમાં આગળ આવી રહ્યું છે અને તેને રોકી શકાતું નથી. આ કારણોસર દરિયો આગળને આગળ આવી રહ્યો છે અને તે માનવ વસતિ માટે ખતરારૂપ ગણી શકાય. આ દરિયો આગળ આવવાના કારણે આ વિસ્તારની જમીનમાં ખારાશ આવી જાય છે અને તેની ઉપર ખેતી પણ નથી થઈ શકતી કે જો કોઈ બાંધકામ કરવું હોય તો તે કરી પણ નથી શકાતું. આ સંજોગોમાં બૂલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જે હાલમાં ચાલી રહ્યો છે તેના પિલર સહિતની વિવિધ વસ્તુઓ લાંબો સમય ટકી શકે નહિ અને તેના લીધે આ બૂલેટ ટ્રેન ચોક્કસપણ દરિયામાં ડૂબી જશે.
સત્તાવાર ફોન કોઈ ઉપાડતું નથી
બૂલેટ ટ્રેનનો રૂટ દરિયામાં ડૂબી જશે એવો જે અહેવાલ છે એ અંગે જાણવા માટે અમારા પ્રતિનિધિએ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેનો ગુરૂવારે બપોરે ચાર વાગ્યા પછી અનેક વખત 011-28070290 પર સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહતો.