રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનો રો-પેક્સ ફેરી સર્વિસ જે ટૂંક સમયમાં શરૂ થવાની હતી તે ફરી એકવાર ખોરંભે ચડી ગઈ છે. આ અંગે સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રો-પેક્સ સેવા શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ વર્તમાન આબોહવાનાં કારણે દહેજ ખાતે પોર્ટૂન અને પાઈલને જોડતાં યોક નામનાં સ્ટ્રક્ચરને નુકસાન થવાનાં કારણે રો-પેક્સ ફેરી ખોરંભે પડી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં લો-પ્રેશરની પરિસ્થિતી ઉદભવતા દરિયાઈ આબોહવા પર માઠી અસર થવા પામી હતી અને આવી વિષમ દરિયાઈ આબોહવાને લીધે તમામ બંદરો પર ૨(બે) નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં અધિકારીઓ દ્વારા વિષમ આબોહવાના સંદર્ભમાં રો-પેક્સ ફેરી સેવાના ઘોઘા અને દહેજ ખાતે નિર્માણ કરવામાં આવેલ મરીન સ્ટ્રક્ચરનું ઈન્સ્પેક્શન હાથ ધર્યું હતું.
સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે આ ઈન્સ્પેક્શન દરમિયાન દહેજ રો-પેક્સ ટર્મિનલ ખાતે ટેકનિકલ કારણોસર પોંટૂન અને પાઈલને જોડતા યોક નામના સ્ટ્રકચરને નુકસાન થયેલું હોય તેવું જાણવા મળતા તાત્કાલિક અસરથી જીએમબીની વડી કચેરીએથી નિષ્ણાત અધિકારીઓની ટીમ દહેજ ખાતે રવાના થઈ હતી અને નુકસાન પામેલ સ્ટ્રકચરનું મરામત કામ હાથ ધર્યું હતું.
ભવિષ્યમાં અનિચ્છનીય બનાવ ન બને તે ધ્યાને રાખી ફેરી સેવાનું સઘન પ્રાથમિક ઈન્સ્પેક્શન અને સંતોષકારક ટ્રાયલ રન બાદ જ આરંભ કરવાનું ઉચ્ચ કક્ષાએથી નક્કી થતાં હાલ રો-પેક્સ ફેરી સેવાના બીજા ચરણની શરૂઆત કામગીરી મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું જીએમબીનાં એક અધિકારીએ જણાવ્યું છે અને આ બાબતે ચરણ-૨ના શરૂઆત નવી તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘોઘા-દહેજ ફેરી સેવાના પ્રથમ તબક્કામાં સમુદ્રી જહાજ મારફત ફક્ત મુસાફરોના પરિવહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને આ ફેરી સેવાનાં પ્રથમ તબક્કાની શરૂઆત ૨૨મી ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. અને આ તબક્કામાં અંદાજિત ૫૫,૦૦૦ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો. પ્રથમ તબક્કામાં રો-રો ફેરી સર્વિસને મળેલાં સારા પ્રતિસાદ બાદ બીજા તબક્કામાં ઘોઘા અને દહેજ વચ્ચે સમુદ્રી જહાજ મારફત મુસાફરો સાથે વાહનોનું પરિવહન કરવાનું લક્ષ્ય હતું. પરંતુ દહેજ ખાતે ઊભી થયેલી ટેક્નિકલ ખામીને કારણે આ સેવા ખોરંભે પડી છે