દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાયું !!!

કે. ન્યૂઝ, ગાંધીનગર,તા.21

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. આ સંજોગોમાં જીવન જરૂરી શાકભાજી અને દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.

ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના કારણે કૃષિ પાકો સારો થશે એવી આશા રાજ્ય સરકાર અને ખેડૂતોને હતી. પરંતુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને લીલા વરસાદના કારણે ખેતરોમાં ઊભા મોલની ભારે નુકસાન થયું અને તેના કારણે ખેડૂતોની કમર ભાંગી ગઈ. આટલું ઓછું હોય એમ ચોમાસા બાદ પણ થયેલા માવઠાના કારણે રડ્યોખડ્યો પાક પણ ખરાબ થઈ ગયો. આ સંજોગોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા.

ડુંગળી-ટામેટાના ભાવમાં ધરખમ વધારો

રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને કમોસમી વરસાદનો માર સૌથી વધારે શાકભાજીનું વાવેતર લેતાં ખેડૂતોને પડ્યો છે. રાજ્યમાં શાકભાજીનું વાવેતર થયું હોવા છતાં કમોસમી વરસાદના કારણે તે ખરાબ થઈ ગયા અને ખાબકેલા વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભારે ભરાઈ જતાં શાકભાજી વધારે પડતાં પાણીમાં પણ ખરાબ થયા અને તેને ઉતારી ન શકાયા. આ સ્થિતિમાં શાકભાજીની અછત ઊભી થઈ અને તેના કારણે કેટલાંક શાકભાજી જેવા કે ટામેટા, ડુંગળી, કોથમીર વગેરેના ભાવમાં વધારો થઈ ગયો. અને શાકભાજી ખરીદવા માટે લોકોને લગભગ એક કિલોએ રૂ. 100થી રૂ. 120 ચૂકવવા પડ્યા.

શાકભાજી બાદ દાળ-કઠોળનો વારો

શાકભાજીના ભાવ હજુ નીચા આવે એ પહેલાં જ દાળ-કઠોળના ભાવ વધવાના કારણે સામાન્ય નોકરિયાત વર્ગ ત્રાહિમામ પોકારી ગયા છે. અનાજ બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના અનાજ બજારમા અડદનો ભાવ રૂ. 100થી વધારે છે. આ ઉપરાંત અન્ય કઠોળ અને દાળ પણ લગભગ રૂ. 100થી રૂ. 205 સુધીના ભાવે વેચાઈ રહ્યા છે.

મોંઘવારીના મારથી સોશિયલ મીડિયામાં પડતાલ

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા અને ખાસ કરીને નરેન્દ્ર મોદી દ્વારા રોજે રોજ કેન્દ્રની યુપીએ સરકારના શાસનમાં વધી રહેલી મોંઘવારીની ટીકા કરીને પ્રજાને એવું વચન આપેલું કે ભાજપની સરકાર કેન્દ્રમાં આવશે તો મોંઘવારી ઓછી કરશે. અને આમ આ પ્રકારના વચનો આપી પ્રજાના મત ખોબલે ખોબલે મેળવીને ભાજપે સત્તા મેળવી લીધી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સત્તારૂઢ થયા. પરંતુ ત્યારથી લઈને આજદિન સુધી મોંઘવારી કાબુમાં આવી નથી ઉલટાની વધતાં સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરીને તેમને વર્ષ 2014ના તેમના વચનો યાદ કરાવી રહ્યા છે.

અડદનો પાક ઓછો હોવાના કારણે ભાવ વધારે

ચાલુ વર્ષે પડેલા ભારે અને કમોસમી વરસાદના કારણે દાળ કઠોળના પાકને થોડું નુકસાન થયું છે. અને તેના કારણે હાલમાં બજારમાં કેટલાંક દાળ અને કઠોળના ભાવ વધ્યા હોવાનું શહેરના એક જાણીતા અનાજના વેપારીએ જણાવ્યું. તેમના કહેવા પ્રમાણે આપણાં વડીલો કહી ગયા છે કે, કારતકની તેજી હોય એટલે બારેમાસ મંદીનો માહોલ રહેશે. આ ઉક્તિ સાચી ઠરી છે. તેઓ ઉમેરે છે કે, આજે બજારમાં વિવિધ દાળ ખાસ કરીને અડદનો પાક ઓછો હોવાના કારણે તેના ભાવ વધ્યા છે અને તે આગામી દિવસોમાં લગભગ પ્રતિ કિલો 125 સુધી પહોંચી જાય એવી શક્યતા છે. ચાલુ વર્ષે મગના પાકમાં પણ નુકસાન છે તેના કારણે તેના ભાવ પર પણ મોટી અસર પડી શકે એમ છે. આ ઉપરાંત જુવાર-બાજરી અને મકાઈના વાવેતરમાં પણ મોટું નુકસાન હોવાના કારણે તેના ભાવ પણ અંદાજે રૂ. 2700થી રૂ. 3000 સુધી જાય એવી સંભાવના છે. જોકે તેઓ કહે છે કે ભારત એક કૃષિપ્રધાન દેશ હોવાના કારણે જો આપણા રાજ્યમાં કોઈ પણ દાળ-કઠોળ કે અનાજની અછત હોય અને તેના ભાવ વધી જાય તો અન્ય રાજ્યમાંથી આયાત કરવામાં આવે એટલે આ ભાવ કાબુમાં આવી જાય. અને આવનારા દિવસોમાં આ ભાવ કાબુમાં ચોક્કસ આવી જશે.

OLYMPUS DIGITAL CAMERA

બજારમાં દાળ-કઠોળ અને અનાજના ભાવ

દાળ-અનાજ                      ભાવ (રૂ. પ્રતિ કિલો)

અડદ                              100થી 110

તુવેર                              80થી 90

મગ                               90થી 110

જુવાર                            40થી 60

બાજરી                           40થી 60

મકાઈ                            40થી 60