દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસ વાપસીના એંધાણ

ગાંધીનગર,તા.23

રાજકોટના કોંગ્રેસના પૂર્વ અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

એક રીપોર્ટ અનુસાર ગાંઘીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે મીડિયાને માહિતી આપવા માટે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાઓ ભાજપની નીતિઓ પર આંકરા પ્રહારો કર્યા હતા.

પાર્ટીની વિચારધારાને વરેલા બધા જ કોંગ્રેસમાં આવકાર્ય

ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસીને લઇને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પક્ષના વિચારને વિચારધારાને તાકાત આપનારા જે પરિબળો હશે તે દરેક પરિબળો માટે ગુજરાત પ્રદેશની અંદર પ્રદેશ કોંગ્રેસનું મન હંમેશા ખુલ્લું રહ્યું છે. પણ કોઈ પણ પાર્ટી એક શિસ્તથી ચાલતી હોય છે ત્યારે પાર્ટીના વિચારો, પાર્ટીના સિદ્ધાંતો અને પાર્ટીની વ્યવસ્થાને અનુસરનારા બધા જ લોકોને કોંગ્રેસ પક્ષ હંમેશા આવકારશે.

જસદણ પેટાચૂંટણી, લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પ્રચાર

ઉલ્લેખનીય છે કે, કોંગેસમાંથી રાજીનામું આપ્યા પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયા નથી. જસદણની પેટા ચૂંટણીમાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જસદણમાં આવતા અલગ અલગ ગામડાઓમાં પોતાના ખર્ચે અલગ-અલગ કાર્યક્રમો કરીને કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. સતત કોંગ્રેસની સાથે રહીને કોંગ્રેસનો પ્રચાર કરનારા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસીને કોંગ્રેસના કોર્પોરેટરોએ  પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને પણ મળ્યા હતા.