દિવાળીની અત્યાર સુધીમાં સેન્સેક્સ 11.7 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 10 ટકા વધ્યો

અમદાવાદ,25

સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં વ્યાપેલી સુસ્ત અને અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા આર્થિક ગ્રોથ ઘટાડવાને કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અખત્યાર કર્યું હતું. નવા વર્ષના પહેલાં સેન્સેક્સ 37 પોઇન્ટ વધીને  39,058ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 1.30 પોઇન્ટ સુધરીને 11,583ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટી પર 11માંથી સાત ઇન્ડેક્સ તેજીમાં રહ્યા હતા. સ્ટેટ બેન્ક સહિત આઇટીસી, એચડીએફસી લાઇફ, મારિકો અને આઇસીઆઇસી બેન્ક અનેક કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોને કારણે સરકારી બેન્કો, આઇટી, ફાઇનાન્શિયલ અને રિયલ્ટી  શેરોમાં તેજી થઈ હતી. એસબીઆઇનો શેર સાત ટકા વધ્યો હતો. જોકે ઓટો, એફએમસીજી. મેટલ, ફાર્મા અને પાવર શેરોમાં વેચવાલી થઈ હતી. મિડકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ હતું.

નિફ્ટી પીએસયુ બેન્ક 3.38 ટકા વધ્યો

સ્ટેટ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કના પ્રોત્સાહક પરિણામોને પગલે બેન્ક શેરોમાં તેજી થઈ હતી. બબેન્ક નિફ્ટી પણ એક ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી પીએસયુ બેન્ક 3.38 ટકા અને નિફ્ટી પ્રાઇવોટ બેન્ક 0.38 ટકા વધીને 16,280.45ના મથાળે બંધ રહ્યો હતો. સરકારી બેન્કમાં સ્ટેટ બેન્ક 7.56 ટકા, આઇસીઆઇસી બેન્ક 3.18,  કેનેરા બેન્ક 4.70 ટકા, યુનિયન બેન્ક 2.15 ટકા અને યસ બેન્ક 5.40 ટકા વધ્યો હતો. એનએસઈ ખાતે 22,242.59 લાખ શેરોનાં કામકાજ થયાં હતાં, જ્યારે કેશ સેગમેન્ટમાં કુલ રૂ. 40,599.97 કરોડનાં કામકાજ થયાં હતાં. એફઆઇઆઇએ ગઈ કાલે રૂ. 72.87 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક  સંસ્થાઓએ રૂ.  રૂ. 738.75 કરોડની વેચવાલી કરી હતી.

દિવાળીથી દિવાળી સુધીમાં  સેન્સેક્સ 11.7 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 10 ટકા વધ્યો હતો. આ સાથે બેન્ક નિફ્ટી 14 ટકા અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 7.05 વધ્યો હતો. જોકે નિફ્ટી મેટલ 29 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી ફાર્મા 19 ટકા અને નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 13.2 ટકા ઘટ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 6.8 ટકા ઘટ્યો હતો. મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 13 શેરો વધ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 19 શેરો વધ્યા હતા અને 31 શેરો ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1128 શેરો વધ્યા હતા અને 1358 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 909 શેરો વધ્યા હતા અને 1228 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 12 શેરો વધીને બંધ રહ્યા હતા.

એસબીઆઇનો બીજા ત્રિમાસિક ગાળામાં નફો છ ગણો વધીને રૂ 3,375 કરોડ

30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી ધિરાણકાર SBIએ સંગઠિત ચોખ્ખા નફામાં છ ગણી વૃદ્ધિ નોંધાવી હતી. બેન્કનો નફો વધીને રૂ. 3,375.40 કરોડ નોંધાયો હતો. એક વર્ષ અગાઉના સમાનગાળામાં બેન્કનો ચોખ્ખો નફો માત્ર રૂ. 576.46 કરોડ હતો. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં એસબીઆઇ ગ્રુપની સંપૂર્ણ આવક વધીને રૂ. 89,347.91 કરોડ થઈ હતી, જે, એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન રૂ. 79,302.72 કરોડ હતી.બેન્કની નેટ પર્ફોર્મિંગ એસેટ્સ પણ 4.84 ટકાથી ઘટીને બીજા ક્વાર્ટરમાં 2.79 ટકા નોંધાઈ હતી.  બેન્કના શેરનું 7.06 ટકાના ઉછાળા સાથે રૂ  281.25ના ભાવે બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં અત્યાર સુધીમાં 3,268 પોઇન્ટનો ઉછાળો

સેન્સેક્સમાં ગત દિવાળીથી અત્યાર સુધીમાં 3,268 પોઇન્ટનો ઉછાળો ગયા વર્ષે દિવાળી 7 નવેમ્બર, 2018એ હતી. સેન્સેક્સ એ દિવસે મુહૂર્ત કારોબારમાં 35,237.68ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સ 39,058.06 સપાટીએ બંધ રહ્યો હતો. આ રીતે સેન્સેક્સે પાછલી દિવાળી પછીથી 3,782.71 પોઇન્ટ એટલે કે આશરે 10.73 ટકાનું રિટર્ન આપ્યું છે, જે એકદમ આકર્ષક છે. એફઆઇઆઇએ સંવંત 2075માં અત્યાર સુધીમા ચોખ્ખા 10 કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું.

 

નિફ્ટીમાં અત્યાર સુધીમાં 948 પોઇન્ટ વધ્યા

ગઈ દિવાળીથી નિફ્ટીએ અત્યાર સુધીમાં 948 પોઇન્ટ વધ્યા છે. ગયા વર્ષે દિવાળી મુહૂર્ત કારોબારમાં નિફ્ટી 10,598.40 પર બંધ રહ્યો હતો. આજે નિફ્ટી 11,583.90 પર બંધ રહ્યો હતો. આમ ગત દિવાળી પછી નિફ્ટીએ અત્યાર સુધીમાં 984.2 પોઇન્ટ સાથે રોકાણકારોને આશરે 9.28 ટકાનું રિટર્ન આપ્યું છે.

દિવાળીથી દિવાળી સોનામાં રૂ.6500 તથા ચાંદીમાં રૂ.7000નો ઉછાળો

સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ઊંચકાયા હતા. ચાંદી પણ મક્કમ રહી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ગયા વર્ષની તુલનાએ દિવાળીથી દિવાળીના દિવસે  સોનાના ભાવ  ૧૦ ગ્રામના  રૂ. ૩૧,૭૬૦ રહ્યા હતા.  એ આ વર્ષે રૂ. ૩૮,૨૯૬ રહ્યા છે. આમ વર્ષેદહાડે સોનાના ભાવમાં રૂ.૬૫૦૦થી વધુનો  ઉછાળો જોવા મળ્યો છે. આ જ રીતે ચાંદીના ભાવ કિલોદીઠના ૯૯૯  રૂ. ૩૮,૫૦૫ તથા તે આ વર્ષે રૂ. ૪૫,૫૩૫ રહ્યા છે. આમ ચાંદીના ભાવ  કિલોના રૂ.૭૦૦૦થી વધુ ઊછળ્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું  હતું.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૨૩૧.૬૦ ડોલરથી  વધી ૧૪૯૫  ડોલર થયા છે  જ્યારે ચાંદીના ભાવ  આ ગાળામાં  ઔંશના  ૧૪.૭૩ ડોલરથી વધી ૧૭.૬૨ ડોલર રહ્યો છે. આ ગાળામાં  ઘરઆંગણે  જોકે કરન્સી બજારમાં  ડોલરના ભાવ રૂ.૭૭.૧૨વાળા ઘટી ૭૧.૦૦ રહ્યા હતા.  વિશ્વ બજારમાં  પણ આ ગાળામાં વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ નીચા ઊતરતાં વૈશ્વિક સોનામાં વાર્ષિક ધોરણે  ફંડોની  ખરીદી વચ્ચે નોંધપાત્ર ભાવ ઉછાળો જોવા મળ્યો હતો.