અમદાવાદ,તા.17
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસતંત્ર એલર્ટ બન્યું છે અને ઠેર-ઠેર ટ્રાફિક સિગ્નલો મૂકી નિયમોનો ભંગ કરતાં વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં હવે પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનાર 1400થી વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. દિવાળીના તહેવાર પૂર્વે જ ટ્રાફિક પોલીસની દંડનીય કાર્યવાહી કરવાની ચેતવણીથી મધ્યમ અને ગરીબ વર્ગનાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. બીજી બાજુ પોલીસ અધિકારીઓની ચેતવણી બાદ આ જ સવારથી જ ઈ-મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ બ્રાન્ચ ખાતે વાહનચાલકોની મેમો ભરવા દોડી જતાં લાઈનો જોવા મળી રહી છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા મેમો ભરવા માટે ઓનલાઈન ચુકવણીની સુવિધા ઊભી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને ટ્રાફિકના ભારેખમ નિયમોમાંથી રાહત આપવામાં આવી છે. આ સંજોગોમાં દિવાળીના તહેવારો સમયે ટ્રાફિક પોલીસતંત્રની મેમો વસૂલવાની કામગીરી સામે પણ હવે નાગરિકોના નારાજગી જોવા મળી રહી છે.