ગાંધીનગર, તા.01
દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે તથા બેકગ્રાઉન્ડમાં કોઈ બ્લૂ-ફિલ્મ ચાલતી હોય તેવો અવાજ પણ સંભળાય છે. અશ્લીલ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દમણ દીવ ભાજપ અને રાજનેતાઓમાં ભૂકંપ આવી ગયો છે. જોકે આ અંગે ગોપાલ ટંડેલ કઇ પણ કહેવાનું ટાળ્યું છે અને મૌન ધારણ કર્યુ છે. બીજી તરફ ભાજપના કોઈ પણ નેતા આ બાબતે વાત કરવા સુધ્ધા તૈયાર નથી.
રિપોર્ટ પ્રમાણે આ વીડિયો લગભગ 2 વર્ષ જૂનો બતાવવામાં આવી રહ્યો છે. જેમાં દેખાતી મહિલા સુરતની છે એમ કહેવાઇ રહ્યું છે. સુરતના દિનેશ કાછડિયાને જે ગેંગે વીડિયો ઉતારીને હનીટ્રેપમાં ફસાવ્યા એ જ ગેંગ આ પ્રકરણમાં પણ સામેલ હોઈ શકે છે. આટલું જ નહીં પરંતુ બ્લેકમેલરોએ ગોપાલ ટંડેલ પાસે પૈસા પણ માગ્યા હોવાની વાત સામે આવી છે. ગોપાલ ટંડેલનો વીડિયો પણ એ જ સમયે કેટલાક ગ્રુપોમાં વાયરલ થયો હતો. ગોપાલ ટંડેલ આ મામલે પોતે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તપાસ કરાવવાની વાત કહી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.