દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે  

ભ્રષ્ટાચારનો સાગર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા રાજસ્થાન પાસેથી ઊંચા ભાવે દૂધ ખરીદીને વર્ષે રૂ.300 કરોડનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં પશુપાલકો 1 ફેટના રૂ.5.50 ચૂકવે છે જ્યારે રાજસ્થાનના પશુપાલકોને રૂ.6 એક ફેટના આપવામાં આવી રહ્યાં છે. આમ મહેસાણાના પોતાના લોકોને રૂ.550 કિલો ફેટના ભાવ અને રાજસ્થાનના લોકોને રૂ.600 કિલો ફેટના ભાવ કેમ ચૂકવીને રોજનું 8 લાખ લિટર દૂધ ખરીદવામાં આવી રહ્યું છે. આ મોટું કૌભાંડ છે. ચોક્કસ લોકોને ફાયદો કરાવવા કાયદાનો અને બંધાણનો ભંગ કરીને દૂધ સાગર ડેરી દૂધની ખરીદી રાજસ્થાનથી કરી રહી છે. વિપુલ ચૌધરીને જમણાં હાથ જેવા ડેરીના અધ્યક્ષ આશા ઠાકોર દ્વારા ડેરીનું સંચાલન વિપુલ ચૌધરીના ઈશારે થાય છે.

ડેરીના બંધારણનો ભંગ

દૂધ સાગર ડેરીના સંચાલકો દ્વારા રાજસ્થાન ખાતે થી જરૂરીયાત સિવાય મોટા જથ્થામાં દૂધ ખરીદી કરી બનાવાતા પાવડરના કારણે જીલ્લાના મૂળ સભ્યોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. વગેરે મુદ્દે દૂધ ઉત્પાદક હીત રક્ષક સમિતિ દ્વારા સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. દૂધ ઉત્પાદક સંઘના બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે, સભ્યોનું દૂધ ખરીદીને તેમના વધુમાં વધું હિતમાં નિકાલ કરવો. દૂધનો પુરવઠો ઓછો હોય તો જ ખાનગી કે અન્ય સાધનો દ્વારા દૂધની ખરીદી કરવી. આમ પેટા કાયદાની કલમ 4(2)(2)નું ઉલ્લંઘન કરી રહી છે. ઘરના છોડરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એવો ઘાટ દૂધસાગર ડેરીના સભ્યોનો છે.

પાઉડર જેટલો સફેદ તેટલી ખોટ

2016-17માં રાજસ્થાનથી રોજનું 6.76 લાખ લિટર અને અત્યારે 8 લાખ લિટર દૂધ ધરીદવામાં આવી રહ્યું છે. વધું દૂધ લેવાના કારણે રૂ.466 કરોડનો દૂધનો પાઉડર બનાવીને પડતર ભરી રાખી મૂકવો પડ્યો છે. હાલ રૂ.900 કરોડનો પાઉડર ડેરી પાસે ભરેલો પડી રહ્યો છે. જેને સાચવવા, વ્યાજ, હેરાફેરી, વખાર ખર્ચ, અને વેચવામાં ખોટ જઈ રહી છે. જેટલું દૂધ રાજસ્થાનથી ખરીદ કરાય છે તેનાથી વધું પાઉડર બનાવવામાં આવી રહ્યો છે. પાઉડર હવે મુદત કરતાં વધું સમયથી રાખી મૂકવામાં આવ્યો હોવાથી હવે તે ફેંકી દેવો પડશે. આમ વર્ષે રૂ.300 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

માખણ અને પાઉડર

મહેસાણામાં 16,202 અને રાજસ્થાન તથા હરિયાણામાં 6,406 ટન મળીને રૂ.551.54 કરોડનો કૂલ 22,608 ટન દૂધ પાઉડર પડી રહ્યો હોવાથી તેને વેચવા કાઢ્યો છે. પણ કોઈ લેવાલ નથી. વળી, 8589 ટન માખણ કે જેની કિંમત રૂ.254.12 કરોડ થવા જાય છે. તે પણ કોઈ લેવાલ નથી. હવે આ બન્નેની એક્સપાયરી ડેટ પૂરી થવામાં છે. જો તે કાઢવામાં નહીં આવે તો તે વેંચી શકાય તેમ નથી.

મિલ્ક ફેડરેશને કહ્યું દૂધની ખરીદી બંધ કરો તો વધારી દીધી

મિલ્ક ફેડરેશને ડેરીને વારંવાર આદેશ આપ્યો છે કે, રાજસ્થાનથી દૂધની ખરીદી બંધ કરો. 2017થી આવી સૂચના આપી છે. ઓછું દૂધ ખરીદવાના બદલે આ આદેશ પછી દૂધની ખરીદી બે લાખ લિટર વધારી દીધી છે. આ વધું ખરીદીના કારણે દૂધ વેચાતું ન હોવાથી તેનો પાઉડર બનાવીને ખોટનો ધંધો કરવામાં આવી રહ્યો છે. મહેસાણામાંથી વર્ષે 70 કરોડ અને રોજનું 19 લાખ કિલો દૂધ ખરીદવામાં આવે છે. જ્યારે રાજસ્થાનમાંથી 2016-17માં 24.67 કરોડ કિલો દૂધ એટલે કે રોજનું 6.76 લાખ કિલો દૂધ ખરીદવામાં આવ્યું હતું. તે જ રીતે 2017-18માં મહેસાણા આસપાસથી વર્ષે 68 કરોડ કિલો ગ્રામ દૂધ ખરીદ કર્યું હતું. જે રોજના 18.63 લાખ લિટર થવા જાય છે. તેની સામે રાજસ્થાનથી વર્ષે 31.17 કરોડ કિલો દૂધ જે રોજનું ખરીદ કર્યું

રાજ્યમાં સાગર ડેરી સૌથી નીચો ભાવ ચુકવે છે

ગુજરાત રાજ્ય મીલ્ક ફેડરેશન સંલગ્ન 17 ડેરીઓ પૈકી એશિયાની સૌથી મોટી દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધ ખરીદીના કિલોફેટે દીઠ સૌથી ઓછા ભાવ આપે છે. તેવું જણાવતા ડેરીના ડિરેક્ટર અને ભાજપના નેતા અશોક ચૌધરીએ કહ્યું હતું કે બિનજરૃરી ખર્ચા, ભ્રષ્ટાચાર અને વ્યાજના ભારણને કારણે આ સ્થિતી સર્જાઈ છે. વળી અન્ય રાજ્યોમાંથી પ્રતિદિન સાડા આઠ લાખ લીટર દૂધની થતી ખરીદી બંધ કરાય તો દૂધ ઉત્પાદકોને ન્યાય મળી શકે. બોર્ડ બેઠકમાં એમ. ડી. સમક્ષ રજૂઆત કરી હતી. રાજસ્થાન જેટલો  મહેસાણા કરો. કારણ કે ડેરીના મૂળ માલિકો તો મહેસાણાના લોકો છે. જો ભાવ વાધારો નહીં કરે તો અમે આંદોલન કરીશું.

ભાજપનું રાજકારણ

ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર નિયુક્ત 3 સભ્યો, જિલ્લા રજીસ્ટ્રાર અને આણંદ GCMFના પ્રતિનિધિ મળી 2 સરકારી પ્રતિનિધિ અને એક એમડી નિશીત બક્ષી હતા. વડી અદાલતના એડિશનલ રજીસ્ટ્રારના ઓબ્ઝર્વરની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી. વિપુલ ચૌધરી જૂથના 12 પ્રતિનિધિઓ મતદાન કર્યું. જેમાં વિપુલ ચૌધરીના સમર્થનવાળી પેનલનો વિજય થયો હતો. હવે તેના પર કબજો કરવા માટે ભાજપ ટીંપીને બેઠું છે.

દૂધ સાગર ડેરી દ્વારા રાજસ્થાનથી દૂધ ખરીદવામાં ન આવે એવી ભલામણ કે સલાહ જેરીને આપવાના છો કે કેમ એવો પ્રશ્ન આ પ્રતિનિધિએ પૂછતાં ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીએ તેનો જવાબ આપવાના બદલે કહ્યું હતું કે, હું રામસિંહ ભાઈ સાથે ચર્ચા કરીશ તમારી સાથે શા માટે ચર્ચા કરું  ?

આમ હવે એકદમ વાત સ્પષ્ટ બની છે. કે ભાજપ તેનું રાજકાણ રમવા માંગે છે અને વિપુલ ચૌધરી જે ઈચ્છે તે ડેરી પાસે કરાવી રહ્યાં છે. તેમાં મરો તો પશુપાલકોનો છે.

(દિલીપ પટેલ)