ગુજરાતના ખેડૂતોના દેવાં નાબૂદ થાય તો સરકાર દેવાળું ફૂંકવાની સ્થિતિમાં
ખેડૂત સંગઠનો તેમજ કોંગ્રેસની માગણીને વશ થવું એટલે તિજોરી તળિયા ઝાટક થવી
ગાંધીનગર
ગુજરાત સરકાર કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા જેની માગણી થાય છે તે ખેડૂતોના દેવા નાબૂદીને ક્યારેય સ્વિકારી શકે તેમ નથી, કારણ કે જો બઘાં ખેડૂતોના દેવાં માફ થાય તો સરકારની આર્થિક હાલત ડામાડોળ થઇ શકે છે. રાજ્ય પાસે વિકાસના રૂપિયા ખૂટી પડે તેમ છે, કેમ કે રાજ્યનું મોટા ભાગનું બજેટ ખેડૂતો માટે વપરાઇ જાય તેમ છે.
સરકાર પાસે આવકના સાધનો એટલા બધાં નથી કે ખેડૂતોના તમામ દેવાં નાબૂદ કરી શકે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની પહેલી માગણી એ હતી કે પાટીદારોને અનામત આપો, જો કે સરકાર તે સ્વિકારે તો પણ આર્થિક બર્ડન પડવાનું નથી કારણ કે અનામતમાં શિક્ષણ અને નોકરી આપવાની થાય છે પરંતુ ખેડૂતોની માગણીઓને સરકાર વશ થઇ શકે તેમ નથી.
રાજયના નાણા વિભાગે જણાવ્યું હતું કે દેવાં નાબૂદી કરવામાં આવે તો સરકાર પર મોટું આર્થિક ભારણ આવી શકે તેમ છે. બેન્કર્સ કમિટીના આંકડા પ્રમાણે ગુજરાતના 35 લાખ ખેડૂતોને દેવાં માફીનો લાભ આપવામાં આવે તો ગુજરાત સરકાર પર 82,075 કરોડ રૂપિયાનું ભારણ આવી શકે છે. કોંગ્રેસની સરકારોએ દેવા નાબૂદ કર્યા છે અને જ્યાં ચૂંટણી છે ત્યાં દેવા નાબૂદીના વચન આપવામાં આવે છે પરંતુ વચન પ્રમાણે નિર્ણય કરશે તો તે રાજ્યો દેવાળિયાં બની જશે તેવું રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ માને છે.
ગુજરાત સરકારના કુલ બજેટના 45 ટકા રકમ સરકાર ખેડૂતોના દેવાં ચૂકવવા આપી શકે નહીં. રાજ્યનું કુલ બજેટ બે લાખ કરોડ છે જે પૈકી દેવાંની આટલી ઉંચી રકમ ખેડૂતોને આપી શકાય નહીં તેવું નાણા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોના દેવાં નાબૂદી માટે સરકાર વિવિધ પેકેજ આપી શકે પરંતુ સંપૂર્ણ દેવા નાબૂદી કરી શકે નહીં, કારણ કે આજે સરકાર દેવાં ચૂકવશે તો કાલે ફરીથી ખેડૂતો દેવું કરશે. આ સિલસિલો અટકવાનો નથી.
નાણા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ પાક લોન એક વર્ષની ચૂકવણી સહિત 45608 કરોડ છે જ્યારે કૃષિ મુદ્દતની લોન એટલે કે ત્રણ થી નવ વર્ષની કુલ36464 કરોડ રૂપિયા છે. રાજ્યની નાણાકીય સ્થિતિ જોતાં આ ભારણ સરકારથી સહન થાય તેમ નથી, જો સરકાર આપવા માગે તો રાજ્યની જનતા પર વધારાના આટલી રકમના વેરા નાંખવા પડે તેમ છે જે પોસાય તેમ નથી.