બહારના ખ્રિસ્તીઓએ પ્રવેશ કરવો નહીં એવા જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં ગુજરાતની લઘુમતિ સમાજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લઘુમતિ ધર્મના રક્ષણ માટે કોઈ જ પગલા આજ સુધી લીધા નથી.
ગણદેવી તાલુકાનાં ગણદેવાના હરિપરા ફળિયા આગળ ખ્રિસ્તી ધર્મના ભાઇ-બહેનો સામે પ્રવેશબંધી ફરમાવતા લખાણથી વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ હળપતિ સમાજના અગ્રણીઓએ આ બેનરો લગાવી દીધા છે અને તેના કારણે વટાળ પ્રવૃત્તિના મુદ્દે ફરી વિવાદ થયો છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ ગણદેવી પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. જોકે, ગામમાં હાલ શાંતિપૂર્ણ માહોલ જોવા મળતા પોલીસે હાશકારો અનુભવ્યો છે.
ગણદેવી તાલુકામાં સૌથી વધુ વસતિ ધરાવતું ગણદેવા ગામ હરીપુરા ફળિયાની સંદર્ભે હળપતિ સમાજ દ્વારા કેટલાક બેનરોને લઇ ચર્ચામાં આવી ગયું છે. ગામની 7000 જેટલી વસતિ છે. હરીપુરા ફળિયામાં આદિવાસી હળપતિ સમાજનાં લોકોની મહત્તમ વસ્તી છે. જેમાં કેટલાક લોકોએ ધર્મપરિવર્તન કરી લીધાની માહિતી સાંપડી છે. જેને લઇ હળપતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ફળિયામાં ધર્મપરિવર્તન કરીને રહેનારા હળપતિ પરિવારના 12 જેટલા ઘરોની વસ્તી છે. પરંતુ અન્ય લોકો ધર્મપરિવર્તન નહીં કરે એ માટે હળપતિ સમાજના આગેવાનોએ પ્રલોભનથી દૂર રહેવા અને સંસ્કૃતિને વળગી રહેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે ફળિયાની શરૂઆતમાં જ બેનરો લગાવીને અન્ય ધર્મના લોકો ખાસ કરીને ધર્મપરિવર્તન કરાવનારા છે તેવી બાબતનો ઉલ્લેખ કરી તેમને ફળિયામાં આવવા પ્રતિબંધ લાદી દીધો છે.
ફળિયામાં અન્ય ધર્મ સ્વીકારનારા હળપતિ સમાજના સ્વજનો ઘુમાવનારાઓએ સામાજિક રીતરિવાજ મુજબ કરવા પડતી વિધિને લઇ વિવાદ વકર્યો હતો. તેના કારણે હળપતિ સમાજના લોકોમાં વિખવાદ થવાની શક્યતા જોતા બીજા પરિવારો હળપતિ સમાજથી અન્ય ધર્મ તરફ નહીં વળે તે હેતુથી બેનરો લગાવી દેવાયા છે. આ બાબતની જાણ થતાં જ ગણદેવી પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે હરીપુરા ફળિયાના હળપતિ આગેવાનોની મુલાકાત લઇ સમગ્ર હકીકત મેળવી સ્થાનિકોના નિવેદનો પણ નોંધાયા હતાં. જોકે, ગામમાં શાંતિનું વાતાવરણ જણાતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
હળપતિ આગેવાનોના પોલીસે નિવેદનો નોંધ્યા હતા. એ પછી ખ્રિસ્તી ધર્મ પાળનારા અગ્રણીઓ ભરત રાઠોડ અને રાકેશ રાઠોડના નિવેદનો નોંધ્યા હતા. જોકે તે બંનેએ પોતાની મરજીથી કોઈના દાબદબાણ વગર ધર્મ અપનાવવાની વાત કરી હતી. આ સંદર્ભે નવસારીના ધર્મ જાગરણ વિભાગના છીબુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તન કરનારા 12 પરિવારોને સમજાવવાના પ્રયાસો શરૂ કરાયા છે.