ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાથી વધુ 3ના મોત, વધુ 7 શંકાસ્પદ કેસ મળી આવ્યા

પાલનપુર, તા.14

ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાને લઇ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી જવા પામી છે અને તેને લઇને તપાસ હાથ ધરતા વધુ 7 કેસ શંકાસ્પદ મળ્યા છે. જેમાં 4 બાળકોના મોત થયા છે. જ્યારે રવિવારે પણ બે બાળકો સારવાર હેઠળ રાખ્યા છે. જેથી જીલ્લાનું આરોગ્ય તંત્ર તેમજ ગાંધીનગરથી પણ અધિકારીઓ ધાનેરામાં આવી ડીપ્થેરીયા બાબતે તપાસ હાથ ધરી છે.

ધાનેરા તાલુકામાં એક સપ્તાહ પહેલાં ડિપ્થેરીયામાં 1 બાળકનું મોત અને 6 શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. છેલ્લા 3 દિવસથી આરોગ્યની તાલુકાની તેમજ જીલ્લાની ટીમ પણ આ તપાસમાં લાગી છે. ત્યારે તપાસ કરતાં બીજા ડીપ્થેરીયાના 7 કેસ મળ્યા છે અને વધુ 3 બાળકોના મોત થયાના સમાચાર આવતા ગાંધીનગરની ટીમ પણ ધાનેરા ખાતે રવિવારે આવી પહોંચી હતી અને આરોગ્યના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે બેઠક કરી હતી.

આરોગ્યની ટીમ દ્વારા તપાસ કરતા હાલમાં 14 ડીપ્થેરીયાના શંકાસ્પદ કેસ બહાર આવ્યા છે અને જેમાંથી 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું પણ આરોગ્ય વિભાગ દ્વારા સ્વીકાર્યું છે. તેમજ બે બાળકો તો હાલ પણ હોસ્પીટલમાં સારવાર અર્થે રાખ્યા છે. જ્યારે 8 બાળકોને સારવાર આપ્યા પછી હાલ ઘરે સહી સલામત છે. પરંતુ આ બાબતે જો આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો જીલ્લામાં મોટા પ્રમાણમાં કેસ બહાર આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

ધાનેરાના સરાલ-વીડ ગામે ડીપ્થેરીયાના કારણે એક બાળકનું મોત થવા પામ્યું છે. તે બાબતને લઇને તપાસ કરતાં અન્ય 14 શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જેમાંથી 4 બાળકોના મોત થયા છે. જેથી આ બાબતે તપાસ ચાલુ છે તેમજ આરોગ્યની ટીમો દ્વારા રસીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને રવિવારે પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તેમજ ગાંધીનગરથી પણ મદદનીશ આર.ડી.ડી. તેમજ તેમની ટીમ ધાનેરા ખાતે આવેલ છે. ડો.પી.એમ.ચૌધરી, ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી પણ દોડી આવ્યા હતાં.