[:gj]સ્વાન કંપની હઠાવો આંદોલન તોડી પાડવા ખાનગી સૂચના  [:]

[:gj]જાફરાબાદનાં ભાકોદર ગામની સ્‍વાન કંપનીને હટાવવાની માંગ સાથે સ્‍વાન કંપની હટાવો આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યસરકાર જાગી છે અને ગાંધીનગરથી કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ હિસાબે આ કંપનીને બચાવી લેવા માટે આદેશો કરાયા છે. પણ ગામ લોકો લડી લેવા માટે સજ્જ થયા છે.

જમીન હડપ કરી લીધી

વિદેશથી પ્રવાહી ગેસ આયાત કરવા માટે જાફરાબાદ તાલુકાનાં ભાકોદર ગામના દરિયા કાંઠે સ્‍વાન એલ.એન.જી. કંપની જેટી બનાવવાનું કામ શરૂ કરતાં તેમની સામે ગામ લોકોએ આંદોલન શરૂ કર્યું છે. કારણ કે આ કંપીનએ ભાકોદર ગામની ગૌચરણની જમીન, સરકારી જમીન, પડતર જમીન, ખરાબાની જમીન, ખારલેન્‍ડની જમીન, ખાનગી માલિકીની જમીન ગેરકાયદેસર હડપ કરી હોવાનો આરોપ ગામના લોકોએ મૂક્યો છે. તેઓ કહે છે કે, ગામની હજારો એકર જમીન ગામની માલિકીની છે. જમીનનાં માલિક સરકાર કે કંપની નથી. ગ્રામસભા મંજૂરી આપે તો જ જમીન આપી શકાય છે.

સત્યાગ્રહ આંદોલન

ગામના લોકોએ અધિકારની વાત કરતાં ગરીબ, પછાત, અભણ અને કાયદાનાં અજ્ઞાન લોકો ઉપર સત્તાનો પંજો ઉગામવામાં આવ્યો છે. જેમાં પોલિસ, સરકારી અધિકારી, સરકારી તંત્રનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. કાયદાનો ડર બતાવીનેનીતિ-નિયમોને નેવે મુકીને વિદેશી ભાગાદારીવાળી કંપનીએ પોતાનું કામ શરૂ કરેલું છે. તેથી ગામ લોકોએ રસ્‍તા રોકો આંદોલન, સત્‍યાગ્રહ, ઉપવાસ આંદોલન શરૂ કરેલું છે.

વિરોધ કરતાં 400 લોકોને પકડી લીધા

સરકારે તંત્રએ પોલીસ અને કાયદાનો દૂરઉપયોગ કરીને 400 લોકોની ધરપકડ કરી હતી. કાયદાની અલગ અલગ ખોટી ખોટી કલમો લગાડીને લોકોને ડર બતાવે છે. લોકોને ધાકધમકી, ધરપકડ કરી, લોકશાહીમાં સત્‍યાગ્રહ આંદોલનને દાબી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંગે જાતે જ સ્‍થળ ઉપર આવીને લોકશાહીનું ખુન થતા અટકાવવા લોકશાહીને સરમુખત્‍યારશાહી તરફ જતી અટકાવવા અંતમાં માંગ કરેલ છે.

ગેસથી ગામને નુકસાન થશે

કંપની ગેસ આયાત કરશે તે ખૂબ જ જોખમી છે. ગામમાંથી ટેન્કર દ્વારા પસાર થવાનો છે. ગામની વસ્‍તી 3000 લોકોની છે. શાળામાં બાળકો 400 બાળકો અભ્‍યાસ કરે છે. સ્‍વાન એલ.એન.જી. કંપનીએ તમામ નીતિ, નિયમો, કાયદાઓ, પ્રદુષણ નિયંત્રણ ખેડ કે ગ્રીન ટ્રીબ્‍યુનલ, લોક સુનાવણીમાં પણ લોકોએ વિરોધ કરેલ છે. છતાં પણ આ અધિકારીઓએ આ ગંભીર બાબતો ઉપર વિચાર કરેલ નથી.

રાજુલા-જાફરાબાદમાં સૌથી વધું દબાણ

અમરેલી જિલ્‍લામાં સરકારી જમીનોમાં વ્‍યાપક પ્રમાણમાં દબાણ થયું છે અને થઈ રહ્યું છે. અને મહેસુલી વિભાગ સરકારી જમીન પરનું દબાણ દુર કરવા દેતું નથી. કલેક્ટર માત્ર જાહેરાત કરે છે. અમરેલી જિલ્‍લામાં સૌથી વધુ જમીન દબાણ રાજુલા-જાફરાબાદમાં થયું છે. રાજકીય પક્ષોને નાણાં આપતી મોટી કંપનીઓએ સરકારી જમીનમાં વ્‍યાપક દબાણ કર્યું છે. સિમેન્‍ટ કંપનીએ જમીનમાંથી ખનિજ ખોદી કાઢ્યું છે. જમીન સમથળ કરવા માટી પુરાણ કે વૃક્ષારોપણ કરવું પડે તે પણ કર્યું નથી. ભ્રષ્ટ મહેસૂલી તંત્ર કંપનીઓને છાવરે છે.

જમીન માફિયા હુકમનું પત્તું

આ વિસ્‍તારમાં ઔદ્યોગિક વિકાસ થતાં  જમીનનાં ભાવો ઊંચકાયા છે. જમીનોનાં ભાવો આસમાને પહોંચતા રાજકીય પક્ષો સાથે જોડાયેલા જમીન માફિયા બેફામ બન્યા છે. આ માફિયાઓએ રાસરકારી પડતર કે ગૌચર પર ગેરકાયદે કબજો કરી લીઘો છે. અનેક કિસ્‍સામાં ખાનગી માલીકીની જમીન પર બળજબરીથી કબ્‍જો કરી લીધો છે. છતાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી ન હોય જનતા જનાર્દનમાં મહેસુલ વિભાગની કામગીરી સામે શંકા-કુશંકા થઈ રહી છે.

ગરીબોને નાનો પ્લોટ નહીં

સરકારની યોજના છે કે જેમની પાસે ઘર ન હોય તેમને 25 ચોરસ મીટરનો પ્લોટ આપવો. પણ ભાજપ સરકાર ગરીબોને પ્લોટ આપતી નથી. અમરેલી જિલ્‍લામાં ગરીબ પરિવારને નાનકડું મકાન બનાવવા માટે 50 મીટર જમીન મળતી નથી, સામે કંપનીઓ અને માથાભારે લોકો લાખો ચોરસ મીટર જમીન પર દબાણ કરી દીધા છે. તેમને અમરેલી કલેક્ટર દ્વારા ખસેડવામાં આવતાં નથી.

GHCL સામે આંદોલન અને પારણાં

અમરેલીના પીપાવાવધામ કે જે ગામનાં ગ્રામજનોએ જીએચસીએલ કંપની અને ભૂમાફિયાઓનાં કબજામાંથી ગામની જમીન છોડાવવા 76 દિવસનું ઉપવાસ આંદોલન કર્યું હતું. 3પ જેટલા દિવસ સુધી પાંચ લોકોએ આમરણાંત ઉપવાસ કર્યા હતા. જેમાં એક નાગરિકનું મોત થયું હતું. આંદોલન પછી દબાણો દૂર કરવાની કામગીરી કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જીએચસીએલ કંપની અંગે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. ત્‍યારબાદ ગ્રામજનોએ પારણાં કર્યા હતા.

ફરી આંદોલન થશે

8 જેટલા દબાણના સ્થળે મામલતદારે નોટિસો લગાવી હતી કે આ જમીન સરકારી પડતર જમીન છે, આ જમીનોમાં કોઈએ પેશકદમી કરવી નહીં. આવી નોટિસો લગાવામાં આવી હોવા છતાં હજુ પણ અમુક તળાવોમાં બિનકાયદેસર ઝીંગા ઉછેરનો ધંધો કરી રહ્યાં છે. તેમજ પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ગુજરીયા દ્વારા અમરેલી કલેકટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે જીએચસીએલ કંપની તથા અન્‍ય બિન કાયદેસર દબાણો દૂર કરવામાં આવે, જો આ દબાણો દૂર કરવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં અમારા ગ્રામજનોને ફરી ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.

ભ્રષ્ટ અધિકારીઓ

સરકારી પડતર જમીન સાચવવાની જવાબદારી કલેક્ટર કચેરીની છે. જમીનો પર બિનકાયદેસર દબાણો હોય દૂર કરવાની જવાબદારી કલેક્ટર અને મામલતદારની છે. અહીં ગામનાં સરપંચ તથા ગામના લોકો સરકારી જમીન બચાવવા આંદોલન કરે છે. અધિકારીઓને વારંવાર રજૂઆતો કરે છે કે, જગ્‍યા પર દબાણો છે. છતાં પણ કલેક્ટર હસ્તકના ભ્રષ્ટ અધિકારીઓ કંઈ કરતાં નથી.[:]