ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની ઘટનાની તમામ વિગતો

કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગના કારણે તેઓ રાજીનામું આપી શકે છે. આગામી એપ્રિલમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાં આતંરિક વિખવાદને લઇને આશાબેન રાજીનામું આપી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ક્રિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે આશાબેન પટેલનો ફોન સ્વિચ ઓફ કરીને બેઠા હોવાથી કોંગ્રેસ સંપર્ક કરી શકતી નથી. ઊંઝા એપીએમસીના રાજકારણે લઇને ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપ્યું છે જ્યારે આગામી એપ્રીલ માસમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે. આશાબેને વિધાનસભા સ્પીકર શ્રીને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. રાજીનામાનો પત્ર રાહુલ ગાંધીને સંબોધીને લખાયેલો છે.

આશાબેનને ભાજપમાં જોડાવાનું મોટું ઈનામ મળી શકે છે. આશાબેનને મહત્વની યુનિવર્સિટીમાં કુલપતિનું પદ સોંપવામાં આવી શકે છે. અથવા તો APMCના ચેરમેન બનાવવામાં આવી શકે છે. શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આશાબેન લોકસભાની ચૂંટણી લડી શકે છે. ઊંઝામાં આશાબેન લાંબા સમયથી કાર્યરત છે. અહેવાલો એવા પણ છે કે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ લલ્લુ પટેલ અને આશાબેન વચ્ચે ઈગો ક્લેશ છે. બંને વચ્ચે વર્ચસ્વ માટેની લડાઈ છે. ઊંઝા કડવા પાટીદારોનો વિસ્તાર છે. એમાં બે પાટીદાર નેતાઓ વચ્ચેની લડાઈ મોટું પરીબળ બની શકે છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નિવેદન પરથી સ્પષ્ટ લાગે છે કે ટૂંક સમયમાં જ આશાબેન પટેલ ભાજપનો ભગવો ધારણ ચોક્કસથી કરશે અને આવનાર લોકસભા ચૂંટણીમાં તેમનું કદ વધે તો નવાઇ નહીં તેવી ચર્ચા પાટનગરમાં ચર્ચાઈ રહી છે.

વિધાનસભાની પેટાચૂંટણીમાં કે.સી. પટેલ અથવા નારણકાકા લડવાની શકયતાઓ જણાય છે. નારણકાકાને વિધાનસભામાં ન સમાવાય તો ઉંઝા માર્કટયાર્ડની આગામી ટુંક સમયમાં આગામી ચૂંટણીની ફરી જવાબદારી સોંપવાની શકયતા છે.

કોંગ્રેસના 76 ધારાસભ્યો થયા

લોકસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં અનેક ધારાસભ્યો નારાજ, હાલ સંખ્યાબળ ૭૬ એ પહોચ્યું
લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો દોર શરુ થઇ ગયો છે. ઉઝ કોંગ્રેસ ના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટીનો સહકાર ન મળતો હોવાના આરોગ્ય સાથે રાજીનામું આપ્યું છે. આશાબેન પટેલે ૨૦૧૭ માં ઉઝામાંથી જીત હાંસલ કરી હતી. અનામત આંદોલન સયમે આશાબેનને વિશ્વાસના આધારે ટીકીટ આપવામાં આવી હતી.

આશાબેન પટેલ શું કહે છે

આશાબેને જણાવ્યું કે, કોંગ્રેસથી અનેક ધારાસભ્યો નારાજ છે. પાર્ટીનો સહકાર ન મળતા રાજીનામુ આપ્યું છે. રાજીનામાનો નિર્ણય મારો પોતાનો છે મને કોઇ પાર્ટીએ કોઇ લાલચ આપી નથી અત્યાર સુધી હું લોકો માટે લડી છું અને આગળ પણ લડીશ કોંગ્રેસમાં અનેક રજુઆતો છતાં કોઇ સાંભળતું નથી. આ સાથે નેતૃત્વ શકિતનો અભાવ હોવાથી મે રાજીનામુ આપ્યું છે જો કે મે હજી સુધી કોઇ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો નથી. હું કોંગ્રેસ સાથે વર્ષોથી કામ કરી રહ્યાં છે. રાજકારણમાં હું પ્રજાના હિત માટે આવી હતી. પરંતુ અહીં મારા સંગઠનમાં કોઇ તાલમેલ નથી.

કોંગ્રેસની મીટિંગોમાં બેસવાની ખુરશી પણ હોતી નથી. મેં દિલ્હીમાં અનેકવાર કહ્યું છે કે અમારા મહેસાણામાં ઘણાં જ ડખા ચાલી રહ્યાં છે. અમારે ચૂંટાયેલી પાંખ અને ધારાસભ્ય વચ્ચે કોઇ જ તાલમેલ નથી. ધારાસભ્યોને ગૂંગળામણ થાય છે. આવી પરિસ્થિતિમાં ઉપરનાં લેવલનું નેતૃત્વ તેમનું સેટિંગ કરવા માટે તેમની જીહજુરી કરવા માટે એવું કરે કે અમારાથી પ્રજાનાં હિતમાં કોઇ જ કામ થતાં નથી. અમે કોઇ જ નિર્ણય લઇ શકતા નથી.

મેં આ વિશે પ્રભારી રાજીવ સાતવને ત્રણ વખત મળી પણ કોઇ નિર્ણય લેવાયો નહોતો. મે અગાઉ પણ સગંઠનમાં રાજીનામાની વાત કરી હતી. પરંતુ કોઇને સિરિયસલી લીધી નહોતી. મારી ચિમકી બાદ પણ સંગઠનથી કોઇ સહકાર મળ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાજીનામા અંગે મારો પોતાનો નિર્ણય છે, હું હાલ કોઇ પક્ષમા જોડાવાની નથી. હું 18 વર્ષની ઉમ્રથી સેવાના કાર્યો માં જોડાઇ છું. હું પૈસાની લાલચમાં નથી આવી. મારા વિસ્તારના કાર્યકરો જે કહેશે તે આગળનું વિચારીશ.

ભાજપમાં જોડાવાનો કોઇ જ નિર્ણય લીધો નથી.ખોટું સહન કરવાનું નથી ફાવતું અને ખોટું હોય તેનો વિરોધ કરવો જોઇએ. સ્થાનિક સંગઠનમાં ડખા જ છે. કોઇનો તાલમેલ જ નથી કે કોઇ શિસ્ત નથી. અહીં કોઇનામાં નિર્ણય શક્તિ જ નથી. મારા જેવા અનેક ધારાસભ્યો અસંતુષ્ટ છે. સંગઠન દ્વારા કોઇ કાર્યક્રમોની જાણ ના કરતા માન સન્માન હણાતું હતું. જો ધારાસભ્યની જ હાલત ખરાબ હોય તો લોકોની શું વાત કરવી !

અમિત ચાવડા

કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું કે આશાબેને તેમના વિસ્તારના લોકો સાથે અન્યાય કર્યો છે. જનતા અને જે તે વિસ્તારના નેતા સાથે પરામર્શ કર્યા વગર જ તેમણે રાજીનામુ આપ્યું છે. આંતરીક સંકલન ને લઇ થોડા સમય પહેલા જ એક બેઠક બોલાવાઇ હતી જેમાં આશાબેન પણ ઉપસ્થિત હતા અને ગઇકાલે ધારાસભ્યની બેઠકમાં પણ તેઓ હાજર હતા. તો એક જ રાતમાં શું રંધાયુ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ગઈકાલ સુધી તેમની કોઈ રજૂઆત નહોતી. ભાજપ લાલચ આપી કોંગ્રેસના નેતાઓને તોડે છે. પરિવાર હોય કે પક્ષ નાના મોટા પ્રશ્નો રહેતા હોય છે. તેમના મત વિસ્તારના મતદારો સાથે પરામર્શ કર્યા વિના નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલાં સ્થાનિક કક્ષાએ ચર્ચા કરાઈ હતી.

આશાબેન કોંગ્રેસને કારણે ધારાસભ્ય બન્યા હતા. ગઈકાલ સુધી કોંગ્રેસના ધારાસભ્યો સાથે અહીં જ હતા. પરંતુ તેમને કોઇ વાતને લઇને ઓછું પડતા આ નિર્ણય લીધો છે. આશાબેને રાતો રાત કઈ પરિસ્થિતિ કે હેતુસર નિર્ણય લીધો તેની મને ખબર નથી. આશાબેને મતદારો સાથે પરામર્શ કર્યા વગર જ પોતાનો નિર્ણય લીધો હતો. રાજીનામા પાછળ શું કારણ છે તે આવનારા સમયમાં ખબર પડશે.  આશાબેન કહે છે કે મેં રાજીવ સાતવ સાથે વાત કરીને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા, પરંતુ આ તદ્દન ખોટું છે. અગાઉ રાજીવ સાતવની ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો સાથે ચર્ચા થઈ હતી. સ્થાનિક કક્ષાએ સંગઠનની ચર્ચા કરી નિરાકરણ પણ લાવ્યા હતા. કોંગ્રેસના લોકોને તોડવાની ભાજપની નીતિ ખુલ્લી પડશે. રાહુલજીનું નેતૃત્વ સર્વસ્વીકૃત અને મજબુત છે. વ્યક્તિગત સ્વાર્થનો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ પર લગાવવો યોગ્ય નથી.

રાજીનામાનો પત્ર

રાજીનામાં પત્રમાં ડો.આશા પટેલે સ્ફોટક વિગતો રજુ કરી છે. જે કોંગ્રેસ માટે આઘાત સમાન કહી શકાય. પત્રમાં આશાબેને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા છે. જ્યારે 10 ટકા સવર્ણ અનામતના મુદ્દે તેમણે પીએમ મોદીના વખાણ કર્યા છે. પત્રમાં તેમણે લખ્યું છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. પાર્ટીમાં જૂથવાદ અને આંતરિક વિગ્રહ ચરમસીમાએ છે. પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી. આ બાજુ પત્રમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેટ છૂટા વખાણ કર્યા છે. તેમણે લખ્યું છે કે 10 ટકા સવર્ણ અનામત આપીને તેમણે તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે કોંગ્રેસ સંગઠન નાત જાત અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસપ્રદ છે. આવા સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું મુશ્કેલ બન્યું છે. આથી હું કોંગ્રેસના તમામ હોદ્દાઓ તેમજ પક્ષના સભ્યપદ અને વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપું છું. 1.કોંગ્રેસને મોકલેલા રાજીનામાંમાં આશા પટેલે લખ્યું કે, છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. રાહુલજીનું નેતૃત્વ પણ નિષ્ફળ નિવડ્યું છે. પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી.
અમારા મતવિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે અમે સતત લડીએ છીએ અને ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી. જેના કારણે અમે અને પ્રજા હેરાન થઈએ છીએ. હાલ જ્યારે આપણા વડાપ્રધાને 10 ટકા સવર્ણ અનામત આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ-જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસ લે છે. આ સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું મુશ્કેલ બન્યું છે. આથી હું કોંગ્રેસના તમામ હોદ્દા, સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને પ્રજાના કામોમાં સહયોગ ન મળતો હોવાથી ચૂંટાયેલ સભ્ય તરીકે ચાલુ રહેવાનો મને કોઈ અધિકાર નથી.

હાર્દિક પટેલના પ્રહાર
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ આપેલા રાજીનામાને લઈને પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આશાબેન 2012માં અને 2017 કોંગ્રેસનો ભ્રષ્ટાચાર નહોતો દેખાતો જેઓને આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપવું પડ્યું છે. તેઓને ચૂંટણી પહેલા ખબર ન હતી કે કોંગ્રેસ ખરાબ છે. આશાબેન પટેલ ફક્ત અને ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે અને એપીએમસીના રાજકારણ માટે કોંગ્રેસ છોડ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આશાબેન પટેલને પાસ જોડે કાઈ લેવા દેવા નહોતા.

વાઘાણીએ શું કહ્યું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ  જણાવ્યુ હતુ અકિલા કે, કોંગ્રેસના ધારાસભ્યપદ પરથી રાજીનામું આપવા અંગેના આશાબેન પટેલના હિંમતભર્યા નિર્ણયને અમે આવકારીએ છીએ. નેતૃત્વવિહિન કોંગ્રેસે સાંઠગાંઠવાળી રાજનીતિમાં લોકોને લલચાવ્યા અને ફોસલાવ્યા છે. જ્ઞાતિજાતિના નામે ભલીભોળી પ્રજા વચ્ચે હંમેશા લડાઇઓ કરાવી છે. ડૉ. આશાબેન પટેલના નિર્ણયથી કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિ આજે ફરી ખુલ્લી પડી છે. કોંગ્રેસની નેતાગીરીના  આંતરકલહ, ઝગડાઓ અને વર્ચસ્વની લડાઇ તેમજ આંતરિક જૂથવાદથી કંટાળીને ડૉ. આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પર હવે તેનાં જ કાર્યકરો અને ધારાસભ્યોને ભરોસો નથી, જે આશાબેનના પત્રની વિગતોમાં સ્પષ્ટ થઇ જાય છે. માત્ર આશાબેન જ નહીં પરંતુ કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસના જૂથવાદ અને પરિવારવાદથી કંટાળી ગયા છે, તેથી જ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસ જ્ઞાતિજાતિ અને ધર્મના નામે જનતાને લડાવી-ઝગડાવી તથા ગેરમાર્ગે દોરી રહી છે. રાહુલ ગાંધીના નિષ્ફળ નેતૃત્વમાં કોંગ્રેસમાં જૂથવાદ, કકળાટ અને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોચી ગયો છે. કોંગ્રેસે પોતાને અરીસામાં જોઇ લેવુ જોઇએ. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા ગામ, ગરીબ, ખેડુત, દલિત, આદિવાસી, યુવા તેમજ મહિલા સહિત સમાજના તમામ જ્ઞાતિજાતિ સમુદાયોનો વિકાસ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે વિકાસલક્ષી-રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાવા માંગતા સૌનું સ્વાગત છે તેમ વાઘાણીએ જણાવ્યુ હતું.

રેશ્મા પટેલ
આશા પટેલના રાજીનામાં અંગે રેશ્મા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. રેશમા પટેલે આશાબેનને કહ્યું કે, તાનાશાહોની પાર્ટીમાં જોડાવા ઈચ્છતા હોય તો રોકાઈ જજો. જો તમે ભાજપની જીહજૂરી કરવા માંગતા હોય તો જ પાર્ટીમાં જોડાજો. તમે અત્યાર સુધી વિપક્ષમાં રહીને જે કામ કરી શકશો એ ભાજપમાં નહીં કરી શકો. આશાબેન તમારી આશા પર પાણી ફરશે. ભાજપના ધારાસભ્યની હાલત તો કહેવાતુ નથી અને સહેવાતુ નથી તેવી છે. માટે જે પણ કરો વિચારીને કરજો.

પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ
મહેસાણા પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે આશાબેન પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું, ઊંઝાના મતદારો અને પાટીદારોનું તમે અપમાન કર્યું છે. તેમણે આશાબેન પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, તેમણે 20 કરોડ રૂપિયા લઈને ભાજપ સાથે સોદો કર્યો છે. તેમણે સોદો કરીને પક્ષ પલટો કર્યો છે. પાટીદારો એમનો સખત વિરોધ કરશે.

વરૂણ પટેલ
ઉંઝાના ધારાસભ્ય આશાબેને પટેલે પક્ષમાંથી રાજીનામુ આપ્યુ છે.. ત્યારે હવે આ મામલે ભાજપના નેતા વરૂણ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસનુ નબળુ નેતૃત્વ સાબિત થયુ છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યો, નેતાઓને સ્વીકારી શકતી નથી. જેના કારણે ધારાસભ્યો, નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી રહ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે, આગામી દિવસોમાં કોંગ્રેસ દિશા અને નેતા વિહિન થવા જઈ રહી છે.

વંદનાબેન પટેલ
આશાબેન પટેલના રાજીનામાં બાબતે વંદનાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની આ બીજી સોદાબાજી છે. આવનારા સમયમાં બીજેપીની બીજી ઘણી સોદાબાજી બહાર આવનારી છે. કોંગ્રેસે આશાબેન પટેલ પર વિશ્વાસ મૂકી અગાઉ જિલ્લા પંચાયત તેમજ વિધાનસભાની ટીકીટ આપી હતી, તેમાં હારી જવા છતાં ફરી વિધાનસભાની ટીકીટ આપી જેમાં તે જીત્યા છે. આશાબેને રાજીનામુ આપી પોતાની જાતની આત્મહત્યા કરી છે. આશાબેન પટેલે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. આશાબેન પટેલે પોતાની જાત અને ઊંઝા સીટના મતદારો સાથે ગદ્દારી કરી છે.

લલિત વસોયાનું નિવેદન
ઉંઝાના ધારાસભ્ય આશાબેને પક્ષમાંથી રાજીનામુ આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યુ છે કે, છેલ્લા ઘણા સમયથી આશાબેન પટેલ નારાજ હતા. આ મામલે ગુરૂવારે આશાબેન સાથે ચર્ચા પણ થઈ હતી. સંગઠનને લઈને આશાબેન અસંતોષ હતો. જેના કારણે કોંગ્રેસ દ્વારા તેમને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. આશાબેને આજે એકાએક રાજીનામુ આપ્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, આશાબેને મતદારો સાથે દ્રોહ કર્યો છે.. આગામી ચૂંટણીમાં ઉંઝાના મતદારો આશાબેનને જકારો આપશે.

કોણ છે આશા પટેલ
10 વર્ષથી રાજનીતિમાં સક્રિય આશા પટેલની 2012માં ઊંઝા બેઠક પર ભાજપ સામે હાર થઈ હતી. પરંતુ 2017માં નારાયણ લલ્લુ પટેલને હરાવીને જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ઊંઝા બેઠકમાં વડાપ્રધાનનું ગામ વડનગર પણ આવે છે.

નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય આશાબેન આપેલા રાજીનામા અંગેની જાણ મીડિયાના માધ્યમથી થઈ છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે. સિનિયર નેતાઓ દ્વારા ધારાસભ્યની અવગણના કરવામાં આવે છે અને તેમને જે માન સન્માન મળવું જોઈએ. તેમના અભિપ્રાય લેવવા જોઈએ. તે લેવામાં આવતા નથી અને આ બધી બાબતોના લીધે રાજીનામું આપ્યું હોય તેવું જણાય છે, જ્યારે નારાજ ધારાસભ્ય ભાજપમાં સામાજિક, આરોગ્ય કે બીજી બાબતો સાથે જાહેર જીવનમાં સંકળાયેલા હોય તેવા લોકો અવશ્ય BJPમાં જોડાય છે. તેમને એવું લાગે કે BJPમા જોડાઈને લોકોની સેવા સારી રીતે કરી શકે છે, માટે તેઓ BJPમા જોડાય છે અને ભાજપ તેમને સન્માન આપી તેમને સાથ આપે છે. ભાજપની શક્તિ મજબૂત બને અને આવા મહાનુભાવોને તેમના કાર્યોમાં ભાજપ સાથે રહી સારી રીતે કરી શકે છે.

કાર્યકરો અને ટેકેદારોને પૂછીને પછી જોડાશે. જો કે કેટલાક દિવસો અગાઉ સરકારી કાર્યક્રમ દરમિયાન મહેસાણામાં આશાબેન ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની યોજના કે લોક લક્ષી કાર્યોમાં જોડાયા હતા. અમે જાહેર સરકારી કાર્યક્રમોમાં સ્થાનિક નેતાઓને આમંત્રણ આપીએ જ છીએ, એટલે તે રીતે જ મહેસાણાના કાર્યક્રમમાં આશાબેન પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી.