ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટનો એક રૂપિયો પણ અલ્પેશે મતવિસ્તાર માટે વાપર્યો નહિ

ગાંધીનગર, તા. 26

પોતાને ગરીબો વંચિતોના બેલી અને ઠાકોર સમાજની માત્ર સેવામાં સમર્પિત હોવાનું ચિત્ર પ્રતિબિંબિત કરીને પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓને વેગ આપનાર અલ્પેશ ઠાકોરને પ્રજાએ સ્પષ્ટ જાકારો આપી દીધો છે તેનું એક કારણ એ પણ હોઈ શકે કે અલ્પેશે ધારાસભ્ય તરીકે મળતી વાર્ષિક રૂપિયા બે કરોડની ગ્રાન્ટમાંથી પોતાના મતવિસ્તાર રાધનપુરમાં એક રૂપિયાનો પણ ખર્ચ કર્યો નથી.

મતવિસ્તારના વિકાસ માટે ગ્રાન્ટ

પ્રજાના પ્રતિનિધિઓ પોતાના મત વિસ્તારમાં વિકાસના કાર્યો કરી શકે તેના માટે દરેક ધારાસભ્યને વાર્ષિક રૂપિયા બે કરોડ મળે તેવી વ્યવસ્થા છે. સરકારમાં કે વિપક્ષમાં કે અપક્ષ ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં પ્રજાની મુશ્કેલીઓના નિરાકરણ માટે કોઈ ને કોઈ કામ કરાવી દઇને તેનો સદુપયોગ કરતા હોય છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી ઊડીને આંખે વળગે એવા અલ્પેશ ઠાકોર, ગેનીબહેન ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી હતા. જેમણે 2017ની ચૂંટણી પહેલા વિશેષ ધ્યાન આકર્ષ્યુ હતું.

જેમાંથી જીજ્ઞેશ મેવાણી અને ગેનીબહેન ઠાકોરે તો પોતાને મળતા રૂપિયા 2 કરોડના વિકાસના કામો પાછળ ક્યારના શરૂ કરી દીધા છે પરંતુ પોતાને ગરીબોના વંચિતોના બેલી અને ખાસ કરીને ઠાકોર સમાજના ઉદ્ધારક ગણાવનારા ભાજપના અલ્પેશ ઠાકોરે પોતાના દોઢ વર્ષ ધારાસભ્યપદના સમયગાળામાં આ રૂપિયા બે કરોડની ગ્રાન્ટમાંથી એક રૂપિયો પણ પોતાના સમાજ માટે કે પોતાના મતવિસ્તાર રાધનપુર માટે ખર્ચો નથી. પાટણ જિલ્લા તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2018-2019 વર્ષ દરમિયાન ધારાસભ્યોની મળતી બે કરોડની ગ્રાન્ટની રકમમાંથી એક રૂપિયો પણ ખર્ચ્યા આવ્યો નથી.

રાધનપુર બેઠક પર હતી સૌની નજર

હાલમાં જ પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાના છ બેઠકોની પેટા ચૂંટણીમાં જો સૌથી વધુ બેઠક ઉપર કોઈની નજર હોય તો તે રાધનપુર બેઠક હતી અને તે બેઠકના પરિણામ અલ્પેશ ઠાકોર અને તેને સ્વીકારનાર ભાજપ પક્ષની ગણતરી કરતા વિપરીત આવ્યા તેના ઘણા કારણોમાંનું એક કારણ આ પણ છે.

સમાજના ઉદ્ધારકના નામે રાજકારણમાં પ્રવેશ 

દારૂના અડ્ડાઓ પર જનતા રેડ અને તે પછી પાટીદાર આંદોલન સમયે ઠાકોર સમાજને સંભવિત થનારા નુકસાન સામે અન્યાય વગેરે જેવા મુદ્દા ઉઠાવીને ઠાકોર સમાજના ઉદ્ધારકની છબી ઉપસાવનારા અલ્પેશ ઠાકોરે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ માટે આશા અને અરમાનો જગાવ્યા હતા. તે જ રીતે કોંગ્રેસ પક્ષને પણ આ યુવાન ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરનાર અને ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવે તેમાં મહત્વનો રોલ અદા કરનાર નેતા દેખાયો હતો. અને આથી જ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં તેને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં સામેલ કરવામાં આવ્યો હતો અને રાધનપુર બેઠક પરથી ટિકીટ આપીને જીતાડ્યો પણ હતો.

અલ્પેશે પોત પ્રકાશ્યું

પરંતુ આ પછી જ અલ્પેશ ઠાકોરે પોતાના અસલી તેવર ઠાકોર સમાજને અને કોંગ્રેસને બતાવવા ચાલુ કરી દીધા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા એક નવા બનેલા ધારાસભ્યને સરવોચ માન અને પદવી આપવામાં આવ્યા બાદ પણ સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનું બહાનુ આગળ ધરીને કોંગ્રેસ પક્ષને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું તે જ રીતે ઠાકોર સમાજને પણ ગુમરાહ કરવાની કોશિશ કરી હતી.

રાધનપુરથી લડાવવાનો નિષ્ફળ પ્રયાસ

આ પરિસ્થિતિને એક તક તરીકે જોનારા ભાજપ પક્ષે અલ્પેશને લલચાવીને સમગ્ર ઠાકોર સમાજને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતા અલ્પેશને ભાજપમાં સામેલ કરી દીધો હતો અને જે બેઠક ઉપરથી અલ્પેશે રાજીનામું ધર્યું હતું તે જ બેઠક રાધનપુર ઉપરથી તેને ચૂંટણી લડાવવાનો નાકામ પ્રયાસ કર્યો હતો.