ધારીના અભયારણ્યમાંતી ચંદનના 25 વૃક્ષો કાપીને લઈ ગયા

ધારી ગીર પૂર્વની કરમદડી રાઉન્‍ડના અભ્‍યારણ સરસીયા પૂર્વ-પશ્ચિમ જંગલની વિડીમાંથી ચંદનના 25 વૃક્ષો કોઈ કાપી ગયું છે. ચંદન ચોર ગેંગ અહીં ઘણા સમયથી સક્રિય છે. ગેંગ દ્વારા એકી સાથે 25 વૃક્ષો કાપીને લઈ જવાયા છે. વન વિભાગના અધિકારીઓ આ ગેંગ સાથે જોડાયેલાં હોય તેમ અગાઉ અહીં આ રીતે ચંદનના કિંમતી વૃક્ષ લઈ જવાયા હતા.

ધારી વિસ્તારમાં સરસીયા, અમૃતપુર, હરીપરાના રેવન્‍યુ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં ચંદનના વૃક્ષો છે. સરસીયા વિડી (અભ્‍યારણ) જંગલ વિસ્‍તારમાં પણ ચંદનના અનેક વૃક્ષો છે. બે મહિનાથી આ વિસ્‍તારોમાં ચંદન ચોર ગેંગ દ્વારા અનેક વૃક્ષો જંગલમાંથી કાપી લઈ જવાયા છે. વન વિભાગ સમક્ષ અનેક ફરિયાદો થઈ છે. છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી કે કોઈને પકડવામાં આવ્યા નથી. તેથી હવે વન વિભાગના બે અધિકારીઓની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વાડી વિસ્‍તારમાંથી રેવન્‍યુ વિસ્તારમાં વૃક્ષો કપાતાં હતા ત્યારે ખેડૂતોએ વન તંત્રને જાણ કરી હતી. પણ વન વિભાગને તો કોઈ જાણ  ન હતી. હમણાંથી અહીં 50 જેટલાં ચંદનના વૃક્ષો કાપીનંખાયા છે. જેમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, હવે સિંહો જ્યાં રહે છે તે અભયારણ્યમાં પણ 25 વૃક્ષો કાપીને કોઈક લઈ ગયું છે. જોકે અહીં મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન કાઢીને લાખો રૂપિયાનો ધંધો કરી દેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ત્રણ વર્ષ અગાઉ સરસીયા વિડીમાંથી તથા આજુબાજુના વિસ્‍તારમાંથી 25થી વધારે ચંદનના વૃક્ષો કાપીને કોઈ લઈ ગયું હતું. એક વૃક્ષ રૂ.1.50થી રૂ.3 લાખમાં વેચાય છે.

4 એકર જમીનમાં 1400 ચંદનના વૃક્ષો ઉગાડી શકાય છે.  12થી 15 વર્ષે ચંદનનું વૃક્ષ તૈયાર થાય છે. એક વૃક્ષમાંથી 15થી 20 કીલો ચંદન મળી રહે છે. આખેઆખુ ચંદનનું વૃક્ષ વેચી શકાતુ નથી તેની અંદરનો ગર્ભ જ કામ લાગે છે. એક કિલો ચંદનનો ભાવ રૂ.10 હજાર છે.

ચંદન એ પરોપજીવી વૃક્ષ છે. ચંદન પોતાની મેળે જમીનમાંથી વૃધ્ધી માટે જરૂરી નાઇટ્રોજન સાથેનાં ફુલ-ઝાડમાંથી મેળવે છે. ચંદનના વાવેતર સમયે સાથે મહેંદી નું વાવેતર થાય છે. બાદમાં તુવેર, સરૃ, લીમડાનું વાવેતર કરવું પડે છે.

ચંદનના વૃક્ષની ખેતી પણ થાય છે.

ખેરના વૃક્ષો ખતમ થયા હવે ચંદન

પાન મસાલામાં લાલ રંગ લાવવા અને આયુર્વેદીક દવામાં વપરાતો કાથો ખેરના વૃક્ષમાંથી બને છે.  વલસાડ અને નવસારીમાં વાર્ષે 1,000 ટ્રક ખેરનો જથ્થો નિકાસ થાય છે. અંદાજિત દરેક ટ્રકમાં 20 ટન માલ ગણીએ તો 20 હજાર ટન માલ થાય છે. મહિને 80 થી 85 ટ્રક માલ ખેરનો કાથા બનાવતી અને અન્ય ઉપયોગમાં લેતી ફેક્ટરીઓમાં સપ્લાય થાય છે. જેનો ભાવ ટન દીઠ રૂ. 60 હજાર હોય છે. પરંતુ પ્રતિબંધ મૂકાયો ત્યારે રૂ. 45 હજાર આસપાસ થઈ ગયો હતો. તેથી ખેડૂતોને ભારે મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું અને ગેરકાયદેસર ખેરની હેરફેર કરતી ટોળકીઓને કરોડોનો ફાયદો થયો હતો. પ્રતિબંધમાં ખેરના કાળાબજારીયાઓ અને ભાજપના નેતાઓનું ષડ્યંત્ર હોવાનું તેના પરથી સ્પષ્ટ થયું હતું. વલસાડ નજીક એક ખાનગી હોટલમાં ખેરના વેપારીઓ અને રાજકીય નેતાઓના મળતીયાઓની બેઠક થઈ હતી. ખેર પર લાગેલા પ્રતિબંધને હટાવી લેવા રૂ.4 કરોડ આસપાસની મોટી રકમની ડીલ પણ થઈ હોવાનું માનવામાં આવે છે. આ બેઠક પછી તુરંત બાન ઉઠાવી લેવાયો હતો.