નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં, જીજ્ઞેશ મેવાણીનું ગામ પણ

નકલી માલ, અસલ લેબલ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

વડગામ તાલુકાના છાપી પોલીસ અને પાલનપુર ખોરાક અને ઔષધ વિભાગે ઘી બનાવતી ફેક્ટરી ઉપર  દરોડો પાડી શકાસ્પદ ગૌરવ બ્રાન્ડનો દેશી ઘીનો રૂ.10,24,860નો જથ્થો પકડી પાડ્યો હતો. માહી ગામની સીમમાં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગૌરવ બ્રાન્ડના નામથી દેશી શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં દેશી ઘી 3306 કિલો પકડીને નમૂના તપાસ માટે મોકલી આપ્યા છે. 5 ફેબ્રુઆરીએ પકડાયેલો મોટો જથ્થો અહીંના ધારાસભ્ય જીજ્ઞનેશ મેવાળીના મત વિસ્તારનો છે અને તેમના નિવાસ સ્થાન નજીકથી આ પકડાયો છે. ડીસા અને પાલનપુર નકલી ઘી માટે કુખ્યાત થતું જાય છે.

22 ડેરીના 80 ટકા નમૂના નાપાસ

અગાઉ અમદાવાદમાં 22 ડેરીઓમાં લેવાયેલા 40 નમૂના પૈકી 80 ટકા નમૂના લેબ ટેસ્ટમાં ફેલ સાબિત થયા હતા. રાજ્યમાં દૂધમાં મોટાપાયે ભેળસેળ થાય છે. કેમિકલના ઉપયોગથી તૈયાર કરાયેલું જીવલેણ દૂધ અનેક સ્થળોએ વેચાય છે. જો કે માત્ર દૂધ જ નહીં, તેમાંથી બનતી માખણ, માવા, ઘી અને પનીર જેવી ડેરી પ્રોડ્કટમાં પણ ભેળસેળ થાય છે. ડેરીઓમાં મળતા માવા, માખણ, પનીર, ઘીમાં ફંગસ મળી આવ્યા, ઘીમાં ફેટ વધારવા ડાલડા ઘીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું. કેટલીક ડેરીઓમાં બટરમાં સૂક્ષ્‍મ જવાણુઓ પણ મળી આવ્યા.

ડેરી પ્રોડક્ટ પૈકી સૌથી વધુ ભેળસેળ ઘીમાં સામે આવી છે. ઘીમાં ફેટ વધારવા વનસ્પતિ ઘીનો મોટાપાયે વપરાશ થાય છે. વપરાશકારોને ઝાડા-ઉલ્ટી, પેટમાં દુખાવો, આંતરડામાં ઈન્ફેક્શન, ટાઈફોઈડ, કોલેરા, લાંબા ગાળે કેન્સર થવાની શક્યતા રહે છે.

ભાજપના રાજમાં નકલી ઘીની નદીઓ

ગુજરાતના આરોગ્ય અધિકારીઓ લોકોને ભેળસેળ સાથે વપરાતા ઘીને રોકવા માટે સદંતર નિષ્ફળ નીવડ્યા છે. ગાય અને ભેંસના દૂધમાંથી બનતા ઘીના બદલે હવે ભેળસેળ યુક્ત ઘી બનાવતા હજારો લોકો છે. જેમાંથી થોડા પકડાય છે. ભાજપના રાજમાં અસલી નહીં પણ નકલી ઘીની નદીઓ વહી રહી છે. નકલી ઘીનું વેચાણ રોજ વધી રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા નકલી ઘી પકડાય છે પણ લોકોના આરોગ્યની જાળવણી કરવી જેના ઉપર જવાબદારી છે એ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા હેમંત કોષીયા અને તેમનો સ્ટાફ કંઈ જ કરતું નથી આવી છાપ ઊભી થઈ છે. તેમની જવાબદારી સામે હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. ગોરખ ધંધા ચાલી રહ્યાં છે. ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે. ગુજરાતમાં ઘીના વેપારમાં 25 ટકા બનાવટી હોવાનું નમૂનાઓની ચકાસણીથી સ્પષ્ટ થયું છે.

કેન્સર માટે તૈયાર રહો

દેશમાં કુલ દૂધ અને દૂધની બનાવટમાં 68 ટકા ભેળસેળ હોવાનું ખાદ્ય નિયામક ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 21 સપ્ટેમ્બર 2019મા જાહેર કર્યું હતું. દૂધના ઉત્પાદનમાં ગુજરાત ઉપર છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં 18 ટકા ફાળો ભારતનો છે. વોલ્યૂમની દૃષ્ટિએ દેશમાં દૂધ ઉત્પાદન 14.6 કરોડ ટન છે. જેમાં 60 ટકા જથ્થામાં ભેળસેળ થાય છે. દૂધના ઉત્પાદનોમાં સામાન્ય રીતે ડિટરજન્ટ, સફેદ પેઈન્ટ, કોસ્ટિક સોડા અને રિફાઈન્ડ તેલની ભેળસેળ થાય છે. યુરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ અને ફોરમેલિન (બગાડ કે કોહવાણ રોકનાર જંતુવિનાશક ગેસનું પાણી સાથેનું મિશ્રણ)નો સમાવેશ કરવામાં આવે છે. જેથી દૂધની જાડાઈ ટકી રહે અને સંબંધિત મીઠાઈ કે ઘી લાંબા સમય સુધી ખરાબ થાય નહીં. ગુજરાતમાં દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ કરવાના કારણે 2025 સુધીમાં 87 ટકા નાગરિકો કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ શકે છે.

પોણો કરોડનું ઘી પકડાયું

સુનેન્દ્રનગરના થાન નજીક ગુગરિયાળા ગામની હદમાં શિવ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીના માલિક રાજેશભાઇ ચાવડા છે, નકલી ઘી દરોડા પાડી રૂ. પોણા કરોડની કિંમતનો માલ 16 જુલાઈ 2018માં કબજે કર્યો હતો. મશીનરી અને નકલી ઘીનો જથ્થો, માખણ, પામોલિન તેલ, વાંધાજનક સામાનો ડબા, બેરલો સહિત રૂ.77 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. રૂ.450ના ભાવે નકલી ઘી વેચાતું હતું. નકલી ઘી નો કારોબાર 4 વર્ષથી ચાલતો હતો.  250 ગ્રામથી લઈને 15 કિલોના ડબ્બાનું પેકીંગ મળતું હતું.

કૃષ્ણ ભૂમિ દ્વારકા પણ બાકાત નહીં

કૃષ્ણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં દેશનું મોટું ઘી બજાર છે. ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં કોઈ દૂઝણા પશુ ના હોવા છતાં પણ દૂધનો મોટો ધંધો ચાલે છે. નકલી દૂધમાંથી નકલી દહીં, નકલી છાસ અને નકલી ઘી બને છે. અગાઉ ખંભાળીયામાં શુદ્ધ ઘી પ્રખ્યાત હતું, હવે નકલી ઘી માટે કુખ્યાત છે. નકલી ઘી બનાવી તેમાં એશંસ નાખી નાગરવેલના પાન ગરમ કરીને તેને નકલી ઘી બનાવી દેવામાં આવે છે. 50 રૂપિયાનું ઘી એક કિલોના રૂ.500થી 600ના ભાવે વેચાય છે.

પલ્લીમાં પણ નકલી ઘી

પલ્લીમાં દેશી ઘી ચઢાવવાની પરંપરા છે. વર્ષે 15 લાખ લોકો આવે છે અને 6 લાખ લીટર ઘી ચઢાવે છે. જેની કિમત રૂ.20 કરોડ થાય છે. આ સમયે દેશી ઘીના નામે નકલી ઘી વેચનારાઓની હાટડીઓ ખુલી જાય છે.

અમદાવાદમાં નકલી ઘી નો ગોરખધંધો ૫કડાયો : 70 ડબ્બા કબજે કરાયા

ખોરાક વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે અમદાવાદની સરખેજ પોલીસે અમૂલ ઘીના ડબ્બામાં ભેળસેળ કરી નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ 4 ફેબ્રુઆરી 2018માં કર્યો હતો. નકલી ઘીના 70 ડબ્બા કબજે કર્યા હતા.

500 કિલો ઘી પકડાયું

જામનગર સીટી-A ડિવિઝનના વિસ્તારમાં આવું જ એક નકલી ઘી બનાવવાનું કૌભાંડ 9 ઓક્ટોબર 2018ના રોજ બન્યું છે. જામનગર પોલીસે દરોડા પાડીને પાંચ સ્થળે 500 કિલો નકલી ઘી પકડી પાડ્યું છે. 1200 લીટર દૂધ અગાઉ પકડાયું હતું. હારુન ઓસમાણ અને અમીન હારૂન ડેરી ચલાવતો હતો. રૂ. 2.62 લાખની કિંમતનો 528 કિલો નકલી ઘીનો માલ પકડાયો છે. 44 કીટલા, પામ તેલ 7 ડબ્બા, વનસ્પતિ ઘીના 19 ડબ્બા પકડાયા છે.

ઉપલેટામાં 300 કિલો પકડાયું

3 મે, 2018ના રોજ ઉપલેટામાં 300 કિલો ભેળસેળ યુક્ત બનાવટી ઘી ઝડપી પાડવામાં આવ્યું હતું. બલરાજ સહાની રોડ પર આવેલા રાધે પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી લાંબા સમયથી ચાલતાં નકલી ઘી વેચવાનું કૌભાંડ પકડાયું હતું. અલગ અલગ વેજિટેબલ ઘી અને તૈલીપદાર્થ ભેળવી નકલી ઘી બનતું હતું. ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી સાથે પકડાયેલાં સંજય કાછેલા ઉપલેટા અને આસપાસના ગામોમાં વેચી મારતો હતો. અલગ અલગ ઘી ભરેલા 1573 ડબ્બા, સોયાબીન તેલના 10 ડબ્બા, વનસ્પતિ ઘીના 54 ડબ્બા, 5 ગેસના સિલિન્ડર પકડાયાં છે, જે ઘી બનાવવા વપરાતાં હતા.

જેતપુરમાં 100 કિલો ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું

રાજકોટના જેતપુર શહેરના રહેણાક મકાનમાં પોલીસે 100 કિલો ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. ઘણા સમયથી નકલી ઘી બનાવીને લાભુબેન ભવાનભાઈ ખૂંટ નામના વૃદ્ધાના મકાનમાં તેનો જમાઈ રાજુ કેશુ કમાણી પાસેથી આ જથ્થો મળી આવ્યો છે.

કુતિયાણામાં નકલી ઘી

13 જુલાઈ, 70 ડબ્બા કેમિકલ, 25 કિલોના એક એવા 120 બારદાન, તૈયાર ઘીનો ડબો, 150 ખાલી બેરલ નકલી ઘી બનાવતી ભોલે નામની ડેરી ઉપર પોલીસે પકડી પાડ્યા હતા. 4.50 લાખનો માલ સામાન પકડાયો હતો. ડેરી માલિક મનોજ ભિષ્મપરી અને સત્યપાલ ભિષ્મપરી ગોસ્વામી પકડાયા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચીયા અધિકારીઓ આંખ બંધ કરીને તેમને ધંધો કરવા દેતા હતા.

નકલી ઘી કુતિયાણામાંથી પકડાયું હતું. 2007મા પણ નકલી ઘી બનાવનારાઓને પકડી પાડ્યા હતા. પોરબંદર જિલ્લામાં દૂધની ડેરીઓમાં પણ આ પ્રકારનું ઘી સહકારી ડેરીના નામે ઘૂસાડવામાં આવતું હોવા છતાં ખોરાક અને ઔધષ નિયમનની કચેરીના લાંચીયા અધિકારીઓ આવું ચાલવા દે છે.

દૂધની ડેરીથી 1,229 કિલો નકલી ઘી પકડાયું

ચડેલા મહેશ દૂધ કેન્દ્રમાંથી રૂ. 4.5 લાખની કિંમતનો 1,229 કિલો ઘીનો નકલી જથ્થો પકડાયો હતો. નવેમ્બર 2017મા આ ડેરીમાંથી ઘીના નમૂના લેવાયા હતા. જેનો અહેવાલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા બાદ વેપારી મહેશ ભાનુ ઠક્કર સામે એજ્યુડિકેટિંગ ઓફિસર અને નાયબ કલેક્ટર દ્વારા કેસ ચલાવ્યા બાદ રૂ. 7 લાખનો દંડ કરાયો હતો. ઘીના જથ્થાનો ભૂજના નાગોર રોડના ડમ્પિંગ સ્થળે નાશ કરાયો હતો.

અમૂલ ઘીના નામે ભેળસેળ

29 નવેમ્બર, 2017 બનાસકાંઠા જીલ્લામાં ડિસામાં પોલીસે નકલી ઘી પકડી પાડ્યા બાદ હવે ડિસાના ચંડીસરમાં પોલીસે એક ફેક્ટરીમાં દરોડો પાડતાં પોલીસનાં હાથે શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. 600થી વધારે અમૂલ બ્રાન્ડના ઘીના ડબ્બા જોવા મળ્યા હતાં. હેલ્થ નામની કંપનીનું ઘી બનાવતાં હોવાનું માલિક દ્વારા કહ્યું હતું.

પાલનપુરમાં બટાકા અને પપૈયાનું ઘી

પાલનપુરમાં નકલી ઘી વેચનાર ટોળકી પકડાઈ, તો તેણે ઘી બનાવવા માટે બટાકા અને પપૈયા તથા પ્રિઝર્વેટિવ અને બીજા કેમિકલ્સનો ઉપયોગ કર્યો હતો. તેની પોલ એક જાગૃત્ત નાગરિકે પકડી પાડતાં લોકોએ ધૂલાઈ કરી હતી. ઘી બનાવવાનું કામ ઝૂંપડપટ્ટીમાં ચાલતું હતું.

અમૂલનું નકલી ઘી

27 ઓક્ટોબર, 2017મા રાજકોટમાં અનેક વખત પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ નકલી, ભેળસેળીયું અમૂલ બ્રાન્ડનું નકલી ઘી વેચતા આજીડેમ પોલીસે મામા-ફઈના બે ભાઈઓને પકડ્યા હતા. ડબ્બા, પાઉચમાં ભરી વેચવાનું કારસ્તાન ઝડપી લઈ આ બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી રૂ. 2.78 લાખનું નકલી ઘી જપ્ત કર્યું છે. રૂ. 48,000ના અમૂલના 10 ઘીના ડબ્બા. રૂ. 2.07 લાખના 500ml ઘીના 1,090 પાઉચ, રૂ. 23,180ના 1 લીટર ઘીના 61 પાઉચ હતા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. – અમુલના રાજકોટ બ્રાન્ચના મેનેજરને જાણ કરી હતી. IPC 272, 273, 420, ટ્રેડ એન્ડ મર્કેન્ડાઇઝ માર્ક એક્ટ 1958 કલમ 78 B, D, E હેઠળ ગુનો નોંધ્યો છે.

સાગરનું નકલી ઘી

4 ફેબ્રુઆરી, 2018મા ધાનેરા તાલુકામાં ખાદ્ય તેલ અને ઘીમાં નકલી માર્કા લગાવી જાણીતી કંપનીના અખાદ્ય તેલ અને ઘીનો મોટા વેચવામાં આવે છે. 15 કિલોના પેકમાં રૂ. 300નો ભાવફેર એક ગ્રાહકને લાગતાં તેને શંકા ગઈ હતી. અગાઉ પણ આ રીતે ઘી પકડાયું હતું.

(દિલીપ પટેલ)