ગાંધીનગર,તા.23
ગુજરાત રાજયમાં સરકારી વીજ મથકો નબળા પડી રહ્યા છે ત્યારે ખાનગી વીજ મથકો સાથે ઉર્જા વિકાસ નિગમે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદીના કરાર કર્યા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 2.26 પ્રતિ યુનિટ વીજળી ખરીદી માટે 22મી એપ્રીલ 2007ના રોજ પુરા 25 વર્ષ માટે વીજ ખરીદીના કરાર કરવામાં આવ્યા છે.
કઈ ખાનગી કંપનીઓ સાથે કરાર
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ દ્વારા જે કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે. તેમાં કોસ્ટલ ગુજરાત (1805 મેગાવોટ) ના પ્રોજેક્ટ સાથે 2.26 રૂપિયે પ્રતિ યુનિટના કરાર થયા છે. એસીબી ઇન્ડિયા (200 મેગાવોટ) સાથે 2.26 રૂપિયે, અદાણી પાવર બીડ-1 (1000 મેગાવોટ) માટે 2.89 રૂપિયે, અદાણી પાવર બીડ-2 (1000 મેગાવોટ) સાથે 2.35 રૂપિયે અને એસ્સાર પાવર ગુજરાત (1000 મેગાવોટ) સાથે 2.40 રૂપિયે વીજ કરાર થયા છે. રાજ્ય સરકારે 2018માં નીતિ વિષયક નિર્ણય લઇ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા અદાણી મુંદ્રા પાસે સપ્લીમેન્ટ કરાર થકી 200 મેગાવોટ (બીડ-1) અને 234 મેગાવોટ (બીડ-2) વધારાની વીજ ક્ષમતા કરારિત કરવામાં આવી
અદાણી પાવર દ્વારા સૌથી મોંઘી વીજળી
ચાલુ વર્ષે સરકારે કંપનીઓ પાસેથી 6000 કરતાં વધુ યુનિટ વીજળી ખરીદી છે. રાજય સરકારે જે કંપનીઓ સાથે વીજ કરાર કર્યા છે તેમાં સૌથી વધુ મોંઘી વીજળી અદાણી પાવર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. સરકારની કંપનીએ અદાણી પાસેથી 3.84 રૂપિયે, એસ્સાર પાવર પાસેથી 3.13 રૂપિયે, એસીબી ઇન્ડિયા પાસેથી 1.97 રૂપિયે કોસ્ટલ ગુજરાત પાવર પાસેથી 2.79 રૂપિયે વીજળી ખરીદી છે. આમ ખાડે ગયેલા સરકારી વીજ મથકોનો સીધો લાભ અદાણી પાવરને થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2018-19ના વર્ષમાં અદાણી પાવર પાસેથી ગુજરાતે 3.75 રૂપિયાના ભાવે 10068 યુનિટ વીજળી ખરીદી હતી. અદાણીના પ્રોજેક્ટમાંથી માર્ચ 2012 પહેલાં પુરી પાડવામાં આવેલી 993 યુનિટી વીજળી પેટે 275 કરોડ ચૂકવવામાં આવ્યા છે.
વિક્રમી ભાવ
ઉર્જા વિકાસ નિગમે 2017-18ના વર્ષમાં સીએલપી ઇન્ડિયા પાસેથી 4.65 રૂપિયે પ્રતિ યુનિટ વીજળી ખરીદી છે જે વિક્રમી ભાવ છે. જો કે સીએલપી ઇન્ડિયાનો કરાર પૂર્ણ થયો છે.
હાઈપાવર કમિટીની રચના
વર્ષ 2011માં આયાતી કોલસાના ભાવમાં વધારો થતા ગુજરાતે હાઈપાવર કમિટીની રચના કરી હતી. અને આ કમિટીની ભલામણ પ્રમાણે 2018માં સરકારે નીતિ વિષયક નિર્ણય લઈને બળતણ ખર્ચની ચુકવણી માટે કરારમાં સુધારો કરવામાં આવ્યો હતો.
અદાણી પાવરને કરારની મંજૂરી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા અદાણી પાવર, એસ્સાર અને ટાટા પાવર સાથે સપ્લીમેન્ટલ કરાર થયા છે અને કરારની મંજૂરી માટે વીજ નિયમન આયોગ સમક્ષ અરજી કરવામાં આવી હતી જે પૈકી અદાણી પાવરને કેન્દ્રીય વીજ નિયમન આયોગે માર્ચ 2019માં મંજૂરી આપી છે જ્યારે અદાણી અને ટાટાની અરજી ગુજરાત વીજ નિયમન આયોગમાં પડતર છે. કોસ્ટલ ગુજરાત પાવર (મુંદ્રા યુએમપીપી) નો વીજ ખરીદી કરાર સંયુક્ત કરાર છે કેમ કે આ કંપની ગુજરાત ઉપરાંત અન્ય ચાર રાજ્યો મહારાષ્ટ્ર (760 મેગાવોટ), રાજસ્થાન (380 મેગાવોટ), પંજાબ (475 મેગાવોટ) અને હરિયાણા (380 મેગાવોટ) હિસ્સો ધરાવે છે. આ રાજ્યોની સહમતી બાદ કેન્દ્રીય વીજ નિયમન આયોગ સમક્ષ અરજી કરવામાં આવશે.
સરકારી વીજમથકોને ખોખલા કરી દેવાયા
ગુજરાત વિધુત બોર્ડનું વિભાજન કર્યા પછી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ દ્વારા વીજ ઉત્પાદનમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થયો છે. ગુજરાત સરકારની વીજ ઉત્પાદન ક્ષમતા ૮૬૪૧ મેગાવોટ છે. તેમ છતાં સરકારના વીજ પ્લાન્ટમાંથી ગુજરાતના લોકોને માત્ર ૩૨૮૩ મેગાવોટ વીજળી જ મળી છે. વર્ષ ૧૯૯૫માં કોંગ્રેસ સત્તામાંથી બહાર ગઈ ત્યારે ગુજરાત સરકારની વીજ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા ૪૩૪૫ મેગાવોટ હતી. જે હાલની સરખામણીએ ૨૨ વર્ષ કરતા ઓછી છે. તે એ બાબત સાબિત કરે છે કે કેવી રીતે સરકારી વીજળી પ્લાન્ટ તેના માળખાને ખોખલુ કરી દેવામાં આવ્યું છે.
અન્ય રાજયોમાં સસ્તી વીજળી
ગુજરાત રાજય કરતા અન્ય રાજયોમાં ઘણા સસ્તા દરે વીજળી પુરી પાડવામાં આવી રહી છે. સસ્તી વીજળી આપવામાં દિલ્લી, પોંડેચેરી, દમણ-ગોવા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ સહિતના કુલ પંદર એવા રાજયો છે કે જયાં યુનિટદિઠ ભાવ ગુજરાત કરતા ઓછો છે.