નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ

બનાસકાંઠા : સરહદ પર આવેલા વાવ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી નહીં મળવાના કારણે ચોથરનેસડા અને ટડાવ ગામના ખેડતો બનાસકાંઠા જિલ્લાના વાવના પ્રાંતઅધિકારીને સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.

આવેદન આપીને નર્મદા વિભાગની મુખ્ય ઓફિસ આગળ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. ખેડુતોએ કોઈપણ ભોગે પાણી વિના નહી ઉઠવાની જાહેરાત કરી હતી. નર્મદા વિભાગને કચેરી સામે રાતવાસો કરવા ગાદલાં પણ લાવ્યા હતા.

સલામતી રક્ષક તરીકે ફરજ બજાવતા જોરા દેસાઇ નામના કર્મચારીએ નર્મદા વિભાગના અધિકારીઓના ઇશારે ખેડુતોને ધક્કા આપીને બહાર કાઢ્યા હતા. આથી ખેડુતોએ રસ્તા પર રહીને ઠંઠીમાં આખી રાત વિતાવવી પડી હતી.

ઠંડી તથા ઉપવાસના કારણે 60 વર્ષના ખેડૂત રામશી દેવસી પટેલની તબિયત લથડતા એમ્બ્યુલન્સની મદદથી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પાણી નહીં મળે તો દમ તોડવાના મજબુત મનોબળ 20 ખેડૂતો સાથે ઉપવાસ પર બેઠા હતા.

તેમની સાથે બીજા ગામના ખેડૂતો પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. જેમાં કારેલી, બાલુંત્રી, ચંદનગઢ અને ગામડી એમ ચાર ગામોના ખેડૂતો હતા. છતાં નિષ્ઠુર સરકારના નિષ્ઠુર અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું ન હતું.

સરહદી કસ્ટમ રોડ પર આવેલ રાછેણા માઈનોર કેનાલમાં આજદીન સુધી પાણી મળેલ નથી ખેડુતોએ ખાતર બિયારણમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી અને દેવાના ડુંગર નીચે આવી ગયા છે. રવિ સિઝન પૂર જાશમાં પસાર થઈ રહી છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના જવાબદાર કર્મચારીઓ કેનાલમાં પાણી છોડતા ન હોઈ ગત તા.પ-૧ર-૧૯ ના રોજ વાવ તાલુકાના રાછેણા ગામના ખેડુતોએ વાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે બે દિવસમાં એટલે કે તા. ૭-૧ર-૧૯ સુધી ગામના ખેડુતોને કેનાલનું પાણી નહી મળેતો ગામના ૩૦૦ થી વધુ ખેડુતો સામૂહિક આત્મવિલોપન કરીશું તેવી ચીમકી ઉચારતું આવેદનપત્ર પાઠવતાં નર્મદા નિગમના જવાબદાર કર્મચારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે.

નહેરોના કામ બાકી

નર્મદા બંધના કામો પૂર્ણ થયાં છે પરંતુ નાની-મોટી શાખા નહેરો બની નથી. 125 કિલોમીટરની શાખા નહેરો, 349 કિલોમીટની વિશાખા નહેરો, 2564 કિલોમીટરની પ્રશાખા નહેરો અને 14764 કિલોમીટરની પ્રપ્રશાખા નહેરો મળીને કુલ 17803 કિલોમીટરની આવી નહેરોના કામો બાકી છે.