નવરત્ન ડેવલપર્સના સિક્યુરિટી કોન્ટ્રાક્ટના મુદ્દે બે એજન્સી વચ્ચે મારામારી

અમદાવાદ, તા.2

સિંધુભવન રોડ પર આવેલા નવરત્ન ડેવલપર્સના બિઝનેસ પાર્ક ખાતે સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને બે એજન્સી વચ્ચે ઝઘડો મારામારી થતા વસ્ત્રાપુર પોલીસે બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધી છે. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ધરાવતી જુની એજન્સી બિલ્ડરે પેમેન્ટ નહીં કર્યું હોવાથી નવી એજન્સીને ચાર્જ સોંપવા માટે ના પાડી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

સરસપુર ખાતે રહેતા વિવેકસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત (ઉ.43) વિશાલ સિક્યુરિટી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. વિવેકસિંહે ફરિયાદ આપતા જણાવ્યું છે કે, તેમની એજન્સી દસ વર્ષથી નવરત્ન ડેવલપર્સને સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડે છે. સિંધુભવન રોડ પર નવરત્ન બિઝનેસ પાર્ક ખાતે ચાર વર્ષથી તેમની સિક્યુરિટી તૈનાત છે. ગત ગુરૂવારે સવારે સ્કાય વેવ્સ સિક્યુરિટી એજન્સીના બે ગાર્ડ ચાર્જ લેવા માટે આવ્યા હતા. તેમની પાસે વર્ક ઓર્ડર માંગતા તેમણે રજૂ કર્યો ન હતો. ત્યારબાદ બપોરે ત્રણેક વાગે સ્કાય વેવ્સ સિક્યુરિટીના મેનેજર સુનિલસિંહ અને તેની સાથે રવિન્દ્રસિંગ તથા એક અન્ય શખ્સ આવ્યા હતા અને કોન્ટ્રાક્ટ મુદ્દે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

બીજી તરફ સુનિલસિંહ રાજપૂતે (ઉ.33 રહે. કુલીન એપાર્ટમેન્ટ, વાસણા) ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારી કંપનીને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી ગત ગુરૂવારની સવારથી ગાર્ડ બિઝનેસ પાર્ક ખાતે તૈનાત કર્યા હતા. જો કે, વિશાલ સિક્યુરિટીના વિવેકસિંહે નવરત્ન ડેવલપર્સ પાસે પેમેન્ટ બાકી હોવાથી ચાર્જ સોંપીશુ નહીં તેમ કહી ગાર્ડને ધક્કો મારી કાઢી મુક્યા હતા. જેથી સુનિલસિંહ બપોરે સ્થળ પર પહોંચતા તેમને વિવેકસિંહે ગાળો આપી હુમલો કર્યો હતો.