નવા પ્રમુખની નિમણૂંકને લઈને અહેમદ પટેલનું વર્ચસ્વ રહેશે તો કોંગ્રેસમાં ભાગલા પડશે

કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક માટે આવતીકાલ તા. 10 ઓગસ્ટનાં રોજ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ગુજરાતનાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોંગ્રેસ પ્રમુખપદના દાવેદાર તરીકે જો પોતાના ઉમેદવારને બેસાડવામાં સફળ રહે તો કોંગ્રેસ પક્ષના બે ભાગલા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડે એવી સંભાવના રહેલી છે.

લોકસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર બાદ પોતાની જવાબદારી માનીને રાહુલ ગાંધીએ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેથી રાજીનામું આપી દીધું હતું. રાહુલ ગાંધીના રાજીનામાં બાદ પક્ષ દ્વારા નવા પ્રમુખ તરીકે ઉમેદવારની શોધ ચાલી રહી છે. આ સંજોગોમાં આવતીકાલે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીનો રહેશે. આ સંજોગોમાં સોનિયા ગાંધીના રાજકીય સચિવ રહી ચૂકેલા અને રાજ્યસભામાં ગુજરાતનાં સાંસદ અહેમદ પટેલ મુકુલ વાસનિકને રાષ્ટ્રીય પ્રમુખ પદ માટેના દાવેદાર તરીકે ઉતારવા માંગે છે. કારણ કે, મુકુલ વાસનિક કોંગ્રેસ પક્ષની વફાદારી માટે વિવાદિત રહ્યા છે. જ્યારે અહેમદ પટેલની વફાદારી માટે અગ્રેસર રહ્યા છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ જો અહેમદ પટેલ જો મુકુલ વાસનિકને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવશે તો કોંગ્રેસ પક્ષના કેટલાક રાજ્ય પ્રમુખો તેમજ વિભાગોના વડાઓ નારાજ થઈ શકે છે. જ્યારે બાવાજી કહે છે, જો મુકુલ વાસનિકને પક્ષના પ્રમુખ બનાવવામાં અહેમદ પટેલ સફળ રહેશે તો કોંગ્રેસનાં કેટલાક દિગ્ગજ નેતાઓ સહિતના અગ્રણીઓ કોંગ્રેસ છોડીને નવી કોંગ્રેસ રચવા માટે તૈયાર થયા છે. નવી કોંગ્રેસની જે રચના થાય એમાં ગુજરાતનાં પણ કેટલાંક દિગ્ગજ નેતાઓ જાય એવી શક્યતાઓ છે.