નવેમ્બર પહેલા નેચરલ ગેસમાં મોટી તેજી શક્ય નથી

ઈબ્રાહીમ પટેલ, અમદાવાદ,તા:૨૨

સંખ્યાબંધ કારણોસર મંગળવારે નેચરલ ગેસના ભાવ ઘટીને ૨.૨૩ ડોલર પ્રતિ મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ મુકાયા હતા. તાજેતરના કમીટમેન્ટ ઓફ ટ્રેડ અહેવાલનો અભ્યાસ કરતા જણાયું કે હેજ ફંડો અને ટ્રેડરોએ વાયદા અને ઓપ્શન બન્નેમાં મંદીના ઓળીયામાં વધારો કર્યો છે. અમેરિકન ગલ્ફ ઓફ મેક્સિકોમાં વાવાઝોડાની કોઈ આગાહી નથી, એટલાન્ટીક મહાસાગરમાં પણ કોઈ ડીસ્ટર્બંસ જણાતું નથી. શુક્રવાર સુધી ગલ્ફ ઓફ મેક્સિકોમાં વાવાઝોડું અસ્તિત્વમાં હતું, પણ તે હવે અદ્રશ્ય થયું છે. આગામી ૬થી ૧૪ દિવસ સુધીમાં અમેરિકન નેશનલ ઓસનિક એટ્મોસ્ફીયરીક એડ્મીનીસ્ટ્રેશન કહે છે કે હવામાન સામાન્યથી હુંફાળું રહેશે. ભારતીય નેચર ગેસના ભાવ અમેરિકન બેન્ચમાર્ક ભાવને આધારે રીયલ ટાઈમ (મીનીટે મિનીટ) નિર્ધારિત થાય છે.

સામાન્ય રીતે શિયાળો બેસતા નેચરલ ગેસના ભાવમાં ભારે ઉથલપાથલ થતી હોય છે. એનાલીસ્ટો માને છે કે જો ભાવ મોટા પાયે ઉછળશે તો પણ તે ટૂંકજીવી નીવડશે કારણ કે ટૂંકાગાળામાં ઠંડુ હવામાન લાંબુ નહિ ખેંચે. સિવાય કે ૭ થી ૧૦ દિવસના લાંબાગાળાના ઠંડા હવામાનની આગાહી થશે તો જ તેજી ટકાઉ નીવડશે. આવું બને તો પણ તે કદાચ નવેમ્બરના પહેલા સપ્તાહમાં શક્ય બનશે. આ તરફ અમેરિકા અને ચીન ટ્રેડ વોર ઠંડી પડી રહી છે, આગામી મીટીંગ સુધી ટેરીફ વૃદ્ધિ મુલતવી રાખવામાં આવી છે.

અમેરીકામાં ઉત્પાદન આડેધડ વધી રહ્યું છે ત્યારે તેને ચીન અને અન્ય એશિયન બજારોની માંગ ખુબજ જરૂરી ઓકસીજન પૂરો પાડે તેમ છે એ જોતા, નેચરલ ગેસ ઉત્પાદકો માટે ઠંડુ પડી રહેલું વેપાર યુદ્ધ સારા સમાચાર છે. આને લીધે ભાવ પર કૈંક અંશે દબાણ હળવું થશે. નિકાસ અને વીજ ઉપાર્જન માટેની માંગ વધી રહી છે, પણ ઉત્પાદન તેના કરતા વધુ ગતિથી વધી રહ્યું છે. અમેરિકન એનર્જી ઇન્ફોરમેશન એડ્મીનીસ્ટ્રેશન (ઈઆઈએ)નો અહેવાલ કહે છે કે ૧૬ ઓક્ટોબરે પુરા થયેલા સપ્તાહમાં અમેરિકન નેચરલ ગેસ ઉત્પાદન દૈનિક ૪૦૦૦ લાખ ક્યુબીક ફૂટ વધીને ૯૮.૩ અબજ બુલિયન ખ્યુબીક ફૂટની ઉંચાઈએ પહોચ્યું હતું. એક વર્ષ અગાઉ કરતા આ ઉત્પાદન ૭.૩ અબજ ક્યુબીક ફૂટનો વધારો દાખવે છે.

ઈઆઇએ કહે છે કે ૧૧ ઓક્ટોબરે પુરા થયેલા સપ્તાહમાં સ્ટોરેજ વૃદ્ધિ ૧૦૪ અબજ ક્યુબીક ફૂટ થઇ હતી, જે પાછલા ચાર સપ્તાહમાં ત્રીજી વૃદ્ધિ હતી. સપ્ટેમ્બર ૨૦૧૭ પછીથી આ પહેલી વખત સ્ટોરેજ વધારો, પાંચ વર્ષની સરેરાશ કરતા વધુ થયો છે. ઈઆઈએનો અહેવાલ કહે છે કે ૨૦૧૯માં અત્યાર સુધીની આખી રીફીલ સિઝનમાં અમેરિકનમાં વિક્રમ ઉત્પાદન થતા ૧૦૬ સપ્તાહ સુધી સામાન્ય કરતા વધુ ઇન્જેક્શનને લીધે, ઇન્વેન્ટરીઝની છેલ્લા પાંચ વર્ષની સરેરાશ ખાધ પણ ભરપાઈ થઇ ગઈ છે.

વૈશ્વિક સ્તરે પણ નેચરલ ગેસનો માલ ભરાવો થયો છે, તેને હળવો કરવામાં વર્ષો લાગી જવાના છે. બરાબર આ જ સમયે જગતભરમાં હવામાન સંદર્ભે આવેલી જાગૃતિને પગલે હવે પર્યાવરણ બચાવવામાં લોકોની ચિંતા અને દબાણ ઉદ્યોગના અધિકારો પણ અનુભવી રહ્યા છે. આવા દબાણને લીધે કોલસાની માંગમાં સતત ઘટાડો થવા લાગ્યો છે. ઓઈલ અને ગેસ ઉદ્યોગના અધિકારીઓને પણ એવી ચિંતા પેસી ગઈ છે કે હવે લોકો અમને પણ માંગ ઘટાડા સંદર્ભે લક્ષ્યાંક બનાવશે. જો આગામી વર્ષોમાં નેચલ ગેસને કોલસો ગણવામાં આવશે તો તે આ ઉદ્યોગ સામેનો સૌથો મોટો પડકાર હશે.