ખેતરોને લીલા છમ કરીને ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારનારો નર્મદા બંધ દરવાજા બંધ કર્યા બાદ ત્રણ વર્ષે દરવાજા ખોલવા પડ્યા છે. નર્મદા અને નર્મદા નદી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધની સપાટી 131 મીટર પહોંચતા તેનાં 25 દરવાજા ખોલવામાં આવ્યા છે.
નવો બંધ ભરતા હોય ત્યારે એન્જિનિયરિંગના સિદ્ધાંત પ્રમાણે પાણીની સપાટી રોજના 15 સેન્ટિમીટરથી વધારે ન વધવી જોઈએ. નહીંતર બંધ તૂટવાની શક્યતા છે. 400 ફૂટ સુધી કોંક્રિટ છે અને 55 ફૂટના દરવાજા છે. દરવાજા પર એકાએક ફોર્સ આવવો ન જોઈએ. એટલે 25 દરવાજા 90 સેન્ટિમીટર ખોલીને 60 હજાર ક્યૂસેક પાણી વહી રહ્યું છે. આવરો છ લાખ ક્યૂસેકનો છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટિએ બંધની સપાટી 131 મીટર સુધી જ મંજૂરી આપી છે.
નદી સૂકાઈ અને ખારાશ આવી
નર્મદામાં ગયા વર્ષે પાણી ઓછું હોવાથી દરવાજા ખોલવાની કોઈ જરૂરિયાત નહોતી. એના કારણે નદીને નુકશાન થયું એ આ દરવાજા ખોલવાના કારણે અંશતઃ ભરપાઈ થશે. નર્મદા સૂકાઈ ગઈ હતી. એટલે એનાં કારણે 63 કિલોમીટર જેટલો દરિયો અંદર આવ્યો. નર્મદાની રિવર્સ કેનાલ હોય એ રીતે દરિયો અંદર આવતો રહ્યો. એટલે બન્ને કાંઠાની જમીનમાં ખારાશ આવે, સેલિરિટી ઈન્ક્રિઝ થાય અને નદીનાં મીઠા પાણી દરિયાને ન મળે તો ભાંભરા પાણી એટલે દરિયા અને નદીનાં નીર ભેગા થઈને આપણે બ્લેકિશ વોટર કહીએ છીએ ભાંભરા ન થાય તેનાં કારણે દરિયાઈ જીવસૃષ્ટિ જેવી કે ઝિંગા, માછલી, હિલ્સા માછલી જે ભરૂચની પ્રખ્યાત જાત છે જે બજારમાં વેચાય છે તે માછલી ન થાય. એટલે માછીમારીનો ઉદ્યોગ પણ ત્યાં લગભગ પડી ભાંગ્યો હતો.
જમીનમાં ખારાશ આવી ગઈ હતી. 60 હજાર ક્યૂસેક પાણી નદીમાં વહી રહ્યું છે, તેનાં કારણે આ ખારાશ ધોવાનું કામ થશે. આવનારા સમયમાં સરકારે નર્મદા નદીમાં કમ સે કમ 10 હજાર ક્યૂસેક પાણી વહેતું રહે એવું આયોજન કરવું પડશે. તેથી ફરીવાર નર્મદા સૂકાય નહિ અને આ ક્ષાર-ખારાશ અંદર ધસી આવવાનો જે પ્રશ્ન છે તે પ્રશ્ન ફરી ઊભો થાય નહિ.
નર્મદા નદી કાંઠાનાં ખેડૂતોને મેં જે કહ્યું ને કે ખારા પાણી આવવાનાં કારણે એમનાં તળનાં પાણી, કૂવા કે બોરનાં પાણી પણ ખારા થઈ ગયા હતાં. એ ખારાશ ધોવાશે. હું એવું નથી માનતો કે તાત્કાલિક એ ખારાશ જતી રહેશે, પણ બે-ત્રણ-ચાર મહિને એમનાં પાણી ફરી સિંચાઈ લાયક બની જશે. તો મીઠા પાણી મળતા થાય, ખારાશ ધોવાય એ જે બંધનો નીચવાસ છે, કેવડિયાથી નીચેનો ભાગ દરિયા સુધીનો તેનાં બન્ને કાંઠાનાં ખેડૂતોને ચોક્કસ ફાયદો થશે. ગુજરાતના ખેડૂતોને જ્યાં જ્યાં પાણી આપી શકાશે ત્યાં ફાયદો થશે. 400 તળાવો ભરાશે. ભૂગર્ભના જળ ઊંચા આવશે અને સિંચાઈ માટે પણ કામ લાગશે.
પાણી ઓછું છતાં નહેર કેમ તૂટે છે
કેવડિયાથી શરૂ કરીને 263 કિલોમીટર એટલે કડી આવે, જ્યાંથી સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ છૂટી પડે છે. 40 હજાર ક્યૂસેક પાણી વહે છે. મહી ઉપર આપણે બોક્સમાંથી પાણી લઈએ છીએ એને એક્વાડેક્ટ કહેવાય, દુનિયાની મોટામાં મોટી એક્વાડેક્ટ આપણે મહી પર બાંધી છે. દુનિયાની મોટામાં મોટી સાઈફન જે સાબરમતીના નીચેથી પાણી લઈ જાય છે. ક્યાંય એક ટીપુંય પાણી લિકેજ થતું નથી. તો 8-10 હજાર ક્યૂસેક જે નહેરમાંથી પાણી જતું હોય એ નહેર 120 (બે વર્ષમાં 218) કરતાં વધારે વાર તૂટે એ અત્યંત ગંભીર બાબત છે.
નહેર તૂટી અને ખારાશ આવી
મારી પાસે જે માહિતી છે તે પ્રમાણે ભાભરની આસપાસ એક વખત એ પાણી ફરી વળ્યાં એના કારણે 4 હજાર એકર જેટલી જમીનમાં ખારાશ આવી ગઈ છે. અન્યત્ર પણ આવું થયું હશે. એટલે આ કેનાલ તૂટે છે એ એકવાર તૂટે બે વાર તૂટે એ પણ ન ચલાવી લેવાય. તો 120 વાર કરતાં વધારે વખત તૂટે કેનાલ એ તો અક્ષમ્ય છે. આવું ચલાવાય જ નહિ અને તૂટવાનું ચાલુ રહેશે, તો બે વસ્તુ થશે, એક તો આજુબાજુની જમીનોનું સત્યાનાશ નીકળી જશે. પાણી ફરી વળે એનાં કારણે ખારાશ ઉપર આવે એટલે જમીનો ખારી થઈ જાય. બીજું કચ્છને પાણી નહિ મળે.
તો કચ્છનું પાણી વિવાદ ઊભો કરશે
કચ્છમાં રણ પ્રદેશ અને ઓછો વરસાદ છે તેથી કચ્છને વાયદા કર્યા પ્રમાણેનું પાણી હજુ મળતું નથી. આની પૂર્ણ વિગતો મારી પાસે નથી. એટલે હું આના ઉપર ટિકા ટિપ્પણી કરવાનું ટાળું છું. પણ જો આ સાચું હોય તો આ ગંભીર બાબત છે. આના કારણે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનું જે પ્રોમિસ્ડ વોટર છે, જેનું તમે વચન આપ્યું છે એ નહિ મળે અને કચ્છને કચ્છનું પાણી નહિ મળે તો હું માનું છું કે, તો આ જ નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી બનવાના બદલે વિવાદનું કારણ બની જશે.
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની વ્યથા હું સમજી શકું છું, આનંદનો અતિરેક ન હોય
જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, નર્મદા બંધમાં પાણી આવ્યું તે આનંદની વાત છે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની વ્યથા હું સમજી શકું છું, જે રીતે ગુજરાતમાં પાણીની અભૂતપૂર્વ કહી શકાય એવી તંગી ઊભી થઈ હતી, એ જોતાં મને લાગે છે કે, સૌથી વધારે રાજી થવાનું હોય તો આ બન્ને સજ્જનોએ રાજી થવાનું છે. આપણાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આમ તો ગુજરાતનાં રાજા કહેવાયને, એટલે ગુજરાતની પ્રજાનાં પૂણ્યબળનો પણ ઉદય થયો, નર્મદામાં પાણી આવ્યું એટલે. આનંદની વાત છે, વધાવીએ, પણ આનંદનો અતિરેક ન કરીએ. નર્મદાનું પાણી લાખ દુઃખો કી એક દવા હૈ, એમ સમજીને આપણે ન ચાલીએ. તો મને લાગે છે કે વધુ સારું થશે.