રાજકોટ, 20 જાન્યુઆરી 2020
રાજકોટમાં એરો સ્પોર્ટસ કાર્યક્રમમાં ગુજ સેઇલ, સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર રાજકોટ દ્વારા રાજકોટના ન્યુ રેસકોર્ષ-અટલ સરોવરની બાજુમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં એરો સ્પોર્ટસ શો યોજાયો હતો, જેમાં આકાશમાં નાના અને મધ્યમ કદના વિમાનો, રીમોટ ઓપરેટેડ એર ક્રાફટ, ચાર પેરેશુટસ, હેલીકોપ્ટર્સ વગેરેના વિવિધ અવકાશી કરતબોનું પ્રદર્શન કેપ્ટન ચાંદની મહેતાના કુશળ નેતૃત્વમાં તાલીમબધ્ધ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રેક્ષકોનાં રૂંવાડા ઉભા કરી દે તેવા પેરામોટરીંગ, પેરા સેઇલીંગ, ફલેયેબલ એરો મોડલીંગ, હેલીકોપ્ટર, ફલાય પાસ, સ્કાય ડ્રાઇવીંગ, હોટ એર બલુન વગેરે જેવી સાહસિક અવકાશી કરામતોનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આ હેલીકોપ્ટરમાંથી મુખ્યમંત્રી તથા દર્શકો ઉપર પુષ્પવર્ષા થતાં લોકોએ ચીચીયારીથી આ પુષ્પ વર્ષા વધાવી લીધી હતી. ૮૦૦ કિલોના લાઇટ વેઇટ એરક્રાફટે સાહસિક પ્રદર્શન કરી લોકોને રસતરબોળ કરી મુકયા હતા. પાઇલોટ નિતિને બી-૪૭ હેલીકોપ્ટર ઉડાડી દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.
યાત્રાધામો સહિત રાજ્યભરના મહત્વના શહેરોને હવાઈ સેવાથી સાંકળવામાં આવ્યા છે, જેથી વિકાસશીલ રાજ્ય તરીકે ગુજરાતનો વિકાસ વધુ સુદ્રઢ બને.
સભાસ્થળે આગમન સમયે મુખ્યમંત્રીશ્રીને એન.એસ.સીના કેડેડસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ એર શોના આયોજક કેપ્ટન અજય ચૌહાણ, કેપ્ટન ચાંદની, ડી.વી.મહેતાનું સન્માન કર્યું હતું. ગુજસેલના ડાયરેકટર કેપ્ટન અજય ચૌહાણે શાબ્દિક પ્રવચનમાં આજના એરો સ્પોર્ટસ શોની રૂપરેખા આપી હતી.