અમદાવાદઃતા:24 ડીપીએસ સ્કૂલ કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમના ગોળખધંધા સામે આવી ગયા છે, પોલીસે 2 સંચાલિકા ઓની ધરપકડ કરી લીધી છે, જ્યાંથી એક ડિજિટલ લોકર મળી આવ્યું છે, જેને એફએસએલમાં મોકલી આપ્યું છે, આ લોકરમાં એક મોબાઇલ સહિત કેટલીક મહત્વના કાગળો હોવાનું ચર્ચાઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી તેને ખોલી શકાયું નથી, પકડાયેલી સંચાલિકાઓ લોકરનો પાસવર્ડ પણ આપતી નથી. લોકરને ખોલવા જતા તે હેક થઇ જાય છે, જેથી લોકરને કટરથી કાપીને તેમાંથી મહત્વના પુરાવા જપ્ત કરાય તેવી શક્યતા છે.
આશ્રમમાં બાળકોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવે છે, તેમને ત્રાસ આપીને કામ કરાવવામાં આવે છે, તેવી માહિતી સામે આવ્યાં પછી સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની ધરપકડ કરી લેવામાં આવી છે, પ્રાણપ્રિયાના રૂમમાંથી જ એક લોકર મળ્યું છે, જેની તપાસમાં અનેક રહસ્યો સામે આવે તેમ છે. બીજી તરફ સ્વામી નિત્યાનંદે ભારતીય મીડિયા સામે રોષ વ્યક્ત કર્યો છે, અમદાવાદ આશ્રમના તેમના ગોળખધંધા સામે આવ્યાં પછી તેઓ મીડિયાને દોષ આપીને બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. નિત્યાનંદ આશ્રમ કેમ્પસમાં આવેલી ડીપીએસ સ્કૂલની મંજૂરી પણ ખોટા દસ્તાવેજો આપીને લેવામાં આવી હોવાનું સામે આવ્યાં પછી સ્કૂલ અને તેના સીઇઓ મંજૂલા પૂજા શ્રોફ સામે પણ કાર્યવાહીની તૈયારીઓ થઇ રહી છે.