નિવૃત્ત સૈનિક 26 વર્ષથી ખેડા કલેક્ટર કચેરીના ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યાં છે

મૂળ ખેડા જીલ્લાના નાનકડા ગામથી સૈન્યમાં જોડાયા હતા. 17 વર્ષ ફરજ બજાવી હતી. બેંગલોર, મેરઠ, હરીદ્વાર, નૈનિતાલ, જયપુર, રાંચી, બિહાર, અમદાવાદ અને ચીન બોર્ડર પર લદાખમાં 1987માં કડકડતી ઠંડીમાં દેશની રક્ષા માટે ફરજ બજાવનાર અમદાવાદનાં વતની કામિલભાઈ કે. સુતરિયા આજે 63 વર્ષની ઉંમરે પહોંચ્યા છે.
37 વર્ષે નિવૃત્ત થયેલા સૈનિક કામિલભાઈને ખેતી માટે સરકાર તરફથી જમીન મળવા પાત્ર છે. જેની તમામ કાગળ કાર્યવાહી પૂરી કરવા છતા આજે તેઓ 26 વર્ષથી જમીન ફાળવવાની રાહ જોઈ રહ્યાં છે. 63 વર્ષની ઉંમર થઈ ગઈ પણ ગુજરાત સરકારે તેમને જમીન આપી નથી. તેમની ફાઈલ એક સરકારી કચેરીમાં 26 વર્ષથી ફરી રહી છે.
છેલ્લે 3 નવેમ્બર 2018ના રોજ તેઓ ખેડા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. કલેક્ટર સુધિર પટેલે તેમણે કહ્યું કે ફાઈલ તો બરોબર છે, દરેક કાગળ બરોબર છે તો કેમ જમીન મંજૂર નથી થઈ ? તેમણે કહ્યું હતું કે, અભ્યાસ કરી આપને જરૂરી જવાબ આપીશ. ફરી તેઓ મળવા ગયા પણ કલેક્ટર કચેરીમાં ન હતા તેથી તેમના અંગત મદદનીશને મળીને પુછપરછ કરી ત્યારે ફાઈલ જમીન શાખામાં મોકલી આપેલી હતી. ત્યાંથી પ્રાંત અધિકારી પાસે થઈને ગાંધીનગર સચિવાલયમાં મોકલવામાં આવશે. પછી જમીન મળી શકે તેમ કહેવામાં આવ્યું હતું. હવે તેમના માટે સાનુકૂળ સ્થિતી 26 વર્ષ પછી ઊભી થઈ છે.
એક સારા અધિકારી હોય તો ઝડપથી કામ થઈ શકે છે. તો પછી ગુજરાતના સૈનિક કે. કે. સુતરિયાને ન્યાય આપવામાં આટલાં વર્ષો કેમ નિકળી ગયા ? પુલવામાની ઘટનામાં ગુજરાત સરકાર દેશભક્તિની વાતો કરે છે. પણ ગુજરાત દેશના સૈનિકોને ન્યાય મળી રહે તેવી કોઈ વ્યવસ્થા નથી. એક સૈનિક 26 વર્ષથી દેશની સીસ્ટમ સામે લડી રહ્યાં છે. તેમ છતાં હજુ સુધી તેને ન્યાય મળ્યો નથી.
સરહદ પર ગોળીઓ ખાય છે અને અહીં કચેરીઓના ધક્કા ખાય છે. તેથી ગુજરાત સરકારે સૈનિકો માટે બાત કરવાનો પણ અધિકાર નથી.